જોહાનિસબર્ગઃ શ્રેષ્ઠ શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ અને ઉમદા ફિલ્ડીંગ બદલ ‘મિસ્ટર ૩૬૦ ડિગ્રી’ના ઉપમાનથી જાણીતા એબી ડિવિલિયર્સે ટી૨૦ ક્રિકેટને પણ અલવિદા કહ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂકેલા એબી ડિવિલિયર્સે ટ્વેન્ટી૨૦ લીગ્સમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. આ રાઇટ હેન્ડ બોલરે એક નિવેદનમાં પોતાની આઇપીએલ ટીમ આરસીબીના મેનેજમેન્ટ અને તેના કપ્તાન રહેલા વિરાટ કોહલીનો પણ આભાર માન્યો હતો. એક ટ્વિટમાં ડિવિલિયર્સે લખ્યું કે ૩૭ વર્ષની ઉંમરમાં તમારી અંદર રમતની આક્રમકતા રહેતી નથી. તેણે કહ્યું હતું કે હવે તે પોતાના પરિવારને પ્રાથમિકતા આપવા ઈચ્છે છે.
ક્રિકેટચાહકોમાં ‘મિસ્ટર ૩૬૦ ડિગ્રી’ તરીકે જાણીતા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે એબી ડિવિલિયર્સે સંન્યાસની જાહેરાત કરી છે. ડિવિલિયર્સ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થવા લાગ્યો હતો, પરંતુ હવે તે આઇપીએલમાં પણ જોવા મળશે નહીં. એબી ડિવિલિયર્સની નિવૃત્તિ પર આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના આ સાથી ખેલાડીને ભાવુક વિદાય આપી હતી. ડીવિલિયર્સે આરસીબી માટે ૧૧ સિઝનની ૧૫૬ મેચમાં ૪,૪૯૧ રન બનાવ્યા હતા જે કોહલી બાદ હાઇએસ્ટ છે.