બેઇજિંગઃ ચીનના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યા બાદ બે સપ્તાહ કરતાં પણ વધુ સમયથી લાપત્તા ટેનિસ ખેલાડી પેંગ શુઆઈ અંગે ટેનિસ સ્ટાર્સથી માંડીને વિશ્વના ટોચના દેશો અને સંગઠનો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. હવે ચાઈના ઓપન ટુર્નામેન્ટના આયોજકોએ સોશિયલ મીડિયામાં વહેતા મૂકેલા એક વીડિયોમાં પેંગ શુઆઈ યુવા ટેનિસ સ્ટાર્સને ઓટોગ્રાફ આપતી અને તેમની સાથે તસવીર ખેંચાવતી જોવા મળે છે. ચીનના સ્ટેટ મીડિયાના એક કર્મચારીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં પેંગ તેના કોચની સાથે ભોજન લેતી હોય તેવા દ્રશ્યો છે.
પેંગ શુઆઈના આક્ષેપો અને તેના ગાયબ થવા અંગે ચીન સરકારે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. તેમણે તો આ મામલે સાવ અજાણ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત, પ્રોફેશનલ મહિલા ટેનિસની ટોચની સંસ્થા ડબલ્યુટીએના ઓફિશિઅલ્સને સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહેલા વીડિયો પર ભરોસો નથી. મોટાભાગના ટેનિસ ચાહકો પણ માને છે કે, જો પેંગ શુઆઈ સ્વસ્થ અને મુક્ત હોય તો તે શા માટે સોશિયલ મીડિયામાં લાઈવ કાર્યક્રમ કરીને પોતાનો પક્ષ રજુ કરતી નથી.
જાતીય શોષણનો આરોપ
નોંધપાત્ર છે કે, તારીખ બીજી નવેમ્બરે તેને ચીનના સોશિયલ મીડિયા વેઈબો પર પોસ્ટ કરીને સત્તાધારી પક્ષના નેતા અને ચીનના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ઝઆંગ ગાઓલી પર આક્ષેપ મૂક્યો હતો કે, તેમણે મને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. જોકે તેના આ આક્ષેપોને સરકારી નિયંત્રણો ધરાવતા સોશિયલ મીડિયામાંથી હટાવી લેવામાં આવ્યા હતા. તે અંગેની કોમેન્ટસ પણ દૂર કરી દેવાઈ હતી.
વિશ્વના ટોચના ટેનિસ સ્ટાર્સ અને ડબલ્યુટીએના ઓફિશિઅલ્સે પેંગની ક્ષેમકુશળતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકા અને બ્રિટને પણ પેંગ ક્યાં છે તે જાહેર કરવાની માગણી કરી છે.