‘વિરાટ’ શતક સાથે ભારતની આગેકૂચઃ યજમાન પાકિસ્તાનની ઘરવાપસી

Wednesday 26th February 2025 05:05 EST
 
 

દુબઈ: ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી હિસાબ બરાબર કર્યો છે. ચેમ્પિયન ટ્રોફી આઈસીસીની એક માત્ર ટૂર્નામેન્ટ હતી, જેમાં ભારત કરતા પાકિસ્તાને એક મેચ વધારે જીતી હતી. જોકે હવે બંને ટીમો 3-3ની બરાબરી પર આવી ગઈ છે. રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલીના વનડેમાં 51મી સદીથી ભારતે 42.3 ઓવરમાં જ 244 રન બનાવીને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાન સતત બે હાર બાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી ફાઈનલ થઈ ગઈ છે.
પાક. કેમ હાર્યું અને ભારત કેમ જીત્યું?
1) વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ 20 ઓવરમાં સૌથી વધુ ડોટ બોલ રમવામાં પાકિસ્તાન બીજા નંબરે છે. પાકિસ્તાને 65.4 ટકા ડોટ બોલ રમ્યા. આ સિવાય અફઘાનિસ્તાનની ટીમ 65.8 ટકા સાથે ટોચ પર છે.
• ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મેચમાં પણ રિઝવાન અને સઉદ શકીલે 144 બોલમાં 104 રનની પાર્ટનરશીપ કરી હતી. ટીમ 11થી 40 ઓવરની વચ્ચે 180 બોલમાં માત્ર 131 રન જ બનાવી શકી હતી.
2) પાકિસ્તાન તરફથી સ્પિનર અબરાર 10 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી અને 2.8ની ઇકોનોમી સાથે સૌથી સારો બોલર રહ્યો. બાકીના સ્પિનરો તેને સાથ આપી શક્યા નહીં. ઇકોનોમી પાંચથી ઉપર રહી હતી.
• ટીમનો મુખ્ય બોલર શાહીન આફ્રિદી સૌથી મોંઘો સાબિત થયો હતો. 8 ઓવરમાં 9.25ના રન રેટથી 74 રન આપ્યા હતા. હારિસ રઉફે પણ 7 ઓવરમાં 52 રન આપ્યા. જે હારનું મુખ્ય કારણ બન્યું હતું.
રોહિત શર્માના ફાસ્ટેસ્ટ 9000 રન
દુબઇ પાકિસ્તાન વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી લીગ મેચમાં ભારતીય સુકાની અને ઓપનર રોહિત શર્માએ પોતાની ઈનિંગ દરમિયાન એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મેચમાં પાકિસ્તાન ટીમે પહેલા બેટિંગ કરીને ભારત સામે 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 181 ઇનિંગમાં 9000 રન પૂરા કર્યા હતા અને ઓપનર તરીકે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 9 હજાર રન બનાવનાર તે પહેલો ક્રિકેટર બન્યો છે.
રોહિત શર્માએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડયો હતો. સચિને 197ઇનિંગમાં ઓપનર તરીકે 9000 રન કર્યા હતા. આ યાદીમાં પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલી ત્રીજા સ્થાને છે, જેણે ઓપનર તરીકે 231 ઇનિંગમાં 9,000 રન પૂરા કર્યા હતા. તે બાદ ક્રિસ ગેલનું સ્થાન છે, જેણે 246 ઈનિંગમાં 9000 રન ઓપનર તરીકે કર્યા હતા.
ન્યુઝીલેન્ડના વિજયથી પાકિસ્તાનના અરમાન પર પાણી
ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ-એની મેચમાં પાંચ વિકેટથી પરાજય આપીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે ગ્રુપ એ માંથી ભારત અને ન્યુઝીલેન્ડ તેઓએ રમેલ બંને મેચમાં વિજય મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશનાર બીજી ટીમ બની છે. આ સાથે પાકિસ્તાનની રહી સહી કાગળ પરની આશા પર પણ પાણી ફેરવાઈ ગયું છે. ગ્રુપ-એમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સેમી ફાઇનલ રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. હવે પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ વચ્ચેની તેઓની આખરી ગ્રુપ મેચ ઔપચારિક રહેશે કેમ કે જે ટીમ જીતે તેના ત્રણ ગ્રુપ મેચોના અંતે બે જ પોઇન્ટ થાય જયારે ભારત અને ન્યુઝીલેન્ડ બે જીત સાથે ક્વોલિફાય થયા છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં જે જીતશે તે ગ્રુપ-એ માંથી ટોપ સેમિ ફાઈનલિસ્ટ તરીકે અને હારનાર ટીમ બીજા ક્રમની સેમિ ફાઈનલિસ્ટ
તરીકે રમશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter