મુંબઇઃ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં ફરી પારણું બંધાયું છે. ચાહકોમાં ‘વિરુષ્કા’ તરીકે જાણીતી આ બેલડીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમને ત્યાં 15 ફેબ્રુઆરીએ પુત્ર અકાયનું આગમન થયું છે.
વિરાટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતુંઃ “અનહદ ખુશી અને અંતરના ઉમળકા દરેકને જણાવતાં અમને આનંદ થાય છે કે 15મી ફેબ્રુઆરીના રોજ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈને આ દુનિયામાં આવકાર્યો છે! અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી ગોપનીયતાનું સન્માન કરો.” ઉલ્લેખનીય છે કે કોહલી અને અનુષ્કાએ 2017માં લગ્ન કર્યાં હતાં. સ્ટાર દંપતીએ 11 જાન્યુઆરી 2021ના રોજ પુત્રી વામિકાના ત્રીજા જન્મદિવસ ઉજવ્યો હતો.