ચેન્નઇઃ મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી તેની થોડીક મિનિટોમાં જ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. ધોની છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો નથી અને ટીમ ઇંડિયામાં તેનું પુનરાગમન લગભગ અશક્ય હતું. જ્યારે રૈના હજુ ૩૩ વર્ષનો છે અને તે આઇપીએલમાં સારો દેખાવ કરીને ટીમમાં પાછો ફરી શકતો હતો.
જોકે રૈનાએ પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીને ધ્યાનમાં રાખ્યા વિના પોતાના ભૂતપૂર્વ કેપ્ટનના પગલે ચાલીને ક્રિકેટને અલવિદા કરી દીધી છે. રૈનાએ તેની મોટા ભાગની મેચો ધોની સાથે રમી હતી. ઓફ ધ ફિલ્ડ પણ બંનેની મિત્રતા ઘણી ગાઢ હતી જે જગજાહેર છે. બંનેએ એક જ દિવસે નિવૃત્તિ જાહેર કરતા વિવિધ અટકળો થઇ રહી છે.
દિવસ અગાઉથી નક્કી હતોઃ રૈના
ધોનીની સાથે જ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં દેશભરમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે હવે રૈનાએ રહસ્યસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે ‘મેં અને ધોનીએ સ્વતંત્રતા પર્વે નિવૃત્તિ લેવાનું નક્કી કરી રાખ્યું હતું. ધોનીનો જર્સી નંબર ૭ છે અને મારો જર્સી નંબર ૩ છે. યોગાનુયોગ દેશની સ્વતંત્રતાને પણ ૭૩ વર્ષ પૂરા થયા છે. અમે વિચાર્યું કે નિવૃત્તિ લેવા માટે આનાથી વધુ સારો દિવસ કોઈ હોઈ શકે જ નહીં.
એક મીડિયા સાથેની મુલાકાતમાં રૈનાએ કહ્યું હતું કે ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ ડિસેમ્બર ૨૦૦૪માં થયો હતો. જ્યારે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી જુલાઈ ૨૦૦૫માં થઈ હતી. અમારી શરૂઆત એક સાથે હતી અને ત્યારબાદ અમે સાથે રમતાં રહ્યા. ચેન્નઈ સુપરકિંગ્સમાં પણ અમે હંમેશા સાથે જ રમ્યા અને હવે સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આઈપીએલમાં હજુ અમે સાથે રમશું.
ટીમ ઇંડિયાના ‘જય-વીરુ’ઃ અમે ખૂબ રડ્યા
ભારતીય ક્રિકેટમાં ધોની અને રૈનાની જોડી ‘જય-વીરુ’ તરીકે ઓળખાય છે. રૈનાને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે, ધોની ચેન્નઈ એટલે જ આવ્યો હતો કે તે નિવૃત્તિની જાહેરાત કરી શકે અને આ કારણે જ મેં પણ મારી જાતને નિવૃત્તિ માટે તૈયાર કરી લીધી. હું ચેન્નઈથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં ચાવલા, દીપક ચહલ અને કરણ શર્માની સાથે રાંચી પહોંચ્યો હતો. ત્યાંથી માહીભાઈ અને મોનુ સિંહ અમારી સાથે થઈ ગયા. ત્યારબાદ અમે બધા ચેન્નઈ પહોંચ્યા હતા અને ૧૫મી ઓગસ્ટે અમે બન્નેએ નિવૃત્તિ જાહેરાત કરી દીધી. આ પછી અમે એકબીજાને ભેટીને ખૂબ રડ્યા હતા અને રાત્રે પાર્ટી કરી હતી.
રૈનાએ ઉમેર્યું કે, આઈપીએલમાં અમે મન મૂકીને રમીશું. હવે તો દરેક બોલ પર છગ્ગા ફટકારીશું. ભવિષ્ય અંગેના સવાલના જવાબમાં રૈનાએ જણાવ્યું કે હજુ બે આઈપીએલ રમવાની આશા છે. તેના પર્ફોમન્સને આધારે આગળનો રસ્તો તૈયાર થશે.
ત્રણેય ફોર્મેટમાં સદી, પ્રથમ ખેલાડી
૨૦૦૫માં શ્રીલંકા સામે ઇન્ટરનેશનલ કારકિર્દીનો પ્રારંભ કરનાર રૈના ભારત માટે ૧૬ ટેસ્ટ, ૨૨૬ વન-ડે તથા ૭૮ ટી૨૦ મેચો રમી ચૂક્યો છે. રૈનાને પણ તેના કેટલાક શાનદાર રેકોર્ડ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે. રૈના ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી હતો. તેણે વન-ડેમાં હોંગ કોંગ સામે, ટેસ્ટમાં શ્રીલંકા સામે તથા ૨૦૧૦ના ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. ટી૨૦ ઇન્ટરનેશનલમાં સદી ફટકારનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો હતો.