’૯૫માં રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ન્યૂ ઝીલેન્ડની ટીમને ઝેર અપાયું હતું

Friday 06th May 2016 03:54 EDT
 
 

જોહાનિસબર્ગ: વર્ષ ૧૯૯૫ના રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ચેમ્પિયનશિપની પ્રબળ દાવેદાર ન્યૂ ઝીલેન્ડની પોઇઝન આપવામાં આવ્યું હોવાના સનસનાટીપૂર્ણ ખુલાસાએ રમતજગતમાં હલચલ મચાવી દીધી છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવાની હતી. ટાઇટલ માટે હોટ ફેવરિટ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓને પોઇઝનિંગથી તબિયત કથળી હતી અને સાઉથ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના બોડીગાર્ડ રોરી સ્ટેઇને આ ઘટસ્ફોટ કર્યો છે. 

રોરી સ્ટેઇને જણાવ્યું હતું કે ઘટના પાછળ સટ્ટાબાજોના ગ્રૂપની સંડોવણી હોય તેવી પૂરી સંભાવના છે. ન્યૂ ઝીલેન્ડ ટાઇટલ માટેની ટોચની દાવેદાર હતી, પરંતુ ખેલાડીઓની તબિયત ખરાબ થવાના કારણે તેને યજમાન ટીમ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ફાઇનલ પહેલાં ઝેરના કારણે કિવિ ટીમના ૩૫માંથી ૨૭ ખેલાડીઓ ૧૨ કલાકના ગાળામાં બીમાર પડી ગયા હતા અને સાઉથ આફ્રિકા ૧૫-૧૨ના સ્કોર સાથે ચેમ્પિયન બન્યું હતું. નોંધનીય છે કે ફાઇનલ દરમિયાન પણ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓ ગ્રાઉન્ડની સાઇડલાઇન પર વોમિટિંગ કરતા હતા તે પણ નજરે પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૫માં સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું તે ઘટનાને રમતજગતના ઇતિહાસનો સૌથી મોટા અપસેટના સ્વરૂપે જોવામાં આવતી હતી. સ્ટેઇનને તે સમયે ન્યૂ ઝીલેન્ડની ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમનું માનવું છે કે ખેલાડીઓની ચા, કોફી કે પાણીમાં ઝેર મિશ્રિત કરવામાં આવ્યું હોય શકે છે.

સ્ટેઇનના જણાવ્યા પ્રમાણે, ન્યૂ ઝીલેન્ડના મોટા ભાગના ખેલાડીઓ બીમાર અને નબળાં પડી ગયા હતા. જો ન્યૂ ઝીલેન્ડ ચેમ્પિયન બન્યું હોત તો સટ્ટાબાજોને અબજો ડોલર ચૂકવવા પડે તેવી સ્થિતિ હતી. સ્ટેઇને જણાવ્યું હતું કે ઘટનામાં સટોડિયાઓની સિન્ડિકેટની સંડોવણી નજરે પડતી હતી કારણ કે તેમને જંગી રકમ ગુમાવવાનો ભય હતો. કોઇ સાઉથ આફ્રિકન ખેલાડી ઘટનામાં સામેલ હોય તેવી કોઇ શંકા નહોતી. મારી પાસે કોઇ ચોક્કસ પુરાવા નથી.

સ્ટેઇને કહ્યું હતું કે ન્યૂ ઝીલેન્ડની ટીમ સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ સાવધ થઇ ગઇ હતી અને ટીમ ભોજન પણ અલગ સ્થલે લેતી હતી. શનિવારે ફાઇનલ હતી અને મારું માનવું છે કે તેમને ગુરુવારે કોઇ પણ રીતે હળવી માત્રામાં ઝેર અપાયું હતું. મારા મતે તેમને પીવાના પદાર્થમાં ઝેર અપાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter