મહારાષ્ટ્રના ચત્પાવન બ્રાહ્મણ અને ગુજરાતના નાગરોનું સ્થાન સમાજમાં ઉચ્ચ મનાતું ત્યારે ૧૮૮૭માં રત્નાગિરીમાં ચત્પાવન બ્રાહ્મણના રુઢિચુસ્ત પરિવારમાં મામાસાહેબ ફડકે જન્મ્યા ત્યારે આભડછેટની બોલબાલા. એવામાં ૧૯૦૫માં બંગભંગની લડત ચાલી. હિંદી સૌ એક અને ભાઈભાઈનો નારો ગૂંજ્યો. વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકાર આરંભાયો. મામાસાહેબ ત્યારે ૧૮ વર્ષના. હાઈસ્કૂલમાં ભણે. સ્વદેશીની વાત મનમાં વસી. ચોમાસામાં વરસાદની રમઝટ ચાલી. સ્વદેશી છત્રી મળે નહીં. કામળો ઓઢીને શાળાએ જાય. છોકરાઓ ચીડવે, તેથી ગભરાયા વિના ઘરથી શાળાના માર્ગમાં આવતી દીવાલો પર વંદે માતરમ્ લખી વળ્યા. સ્વરાજની લડતમાં ઝંપલાવીને અંગ્રેજોના શોષણ અને અંગ્રેજી રાજમાં ગેરલાભના ભાષણો કરતા થયા. છૂપી પોલીસ જાણી જતાં પોતાને કારણે સમગ્ર પરિવારને વેઠવું ના પડે માટે ઘર છોડીને કોલ્હાપુર જઈને સંસ્કૃત શીખવા લાગ્યા.
તેમણે વડોદરામાં અરવિંદ ઘોષના સાથીદાર કેશવરાવ દેશપાંડે, ગંગનાથ વિદ્યાલય ચલાવતાં તે જાણ્યું. ગંગનાથ વિદ્યાલયમાં યુવકોને દેશપ્રેમ અને શહાદતની કથાઓ કહેવાતી. અખાડા પ્રવૃત્તિ મારફતે કાયાકૌશલ અને નીડરતા વધારવાનો પ્રયત્ન થતો. ભારતીય ગૌરવ અને સંસ્કૃતિનું ગૌરવ વધે તેવો ઈતિહાસ શીખવાતો. મામાસાહેબ વડોદરા આવીને ગંગનાથ વિદ્યાલયના શિક્ષક બન્યા. સંસ્થાને કોઈ ગ્રાન્ટ ન મળતી. સંસ્થા ચલાવવા રજાના દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શહેરમાં નીકળીને મુઠ્ઠી અનાજની ભીખ માગતા. આમાંથી ખોરાકની સગવડ થતી. બ્રિટિશ સરકારને આમાં અંગ્રેજ શાસનવિરોધી પ્રવૃત્તિની શંકા થતાં, સયાજીરાવ ગાયકવાડને દબાણ કરીને વિદ્યાલય બંધ કરાવ્યું.
ગાયકવાડને મામાસાહેબની શક્તિ અને ક્ષમતામાં વિશ્વાસ હોવાથી તેમણે હરિજન શાળા શરૂ કરીને તેમાં રાખ્યા. અહીં પણ બ્રિટિશ જાસૂસોના દબાણથી તેમને છૂટા થવાનો વારો આવ્યો. આથી તેમણે સાડા ત્રણ વર્ષ ગિરનારમાં તપ કર્યું. વચ્ચે મહારાષ્ટ્રમાં ફર્યાં. સૌરાષ્ટ્રમાં ફર્યા અને તેમને પ્રજાની ગરીબીનો ખ્યાલ આવ્યો.
૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગોપાલકૃષ્ણ ગોખલેને મળવા આવ્યા ત્યારે મામાસાહેબ ગાંધીજીને મળ્યા. તેમની પ્રથમ મુલાકાતે તેમણે ગાંધીજીને સો ટચનું સોનું માન્યા, તેમનો સંગ-સાથ કરવા વિચાર્યું.
મામાસાહેબ અમદાવાદ આવીને કોચરબ આશ્રમમાં ગાંધીજી સાથે વસ્યા. ગાંધીજીની પ્રવૃત્તિને પોતાની માનીને તેમ જીવવા લાગ્યા. આ પ્રવૃત્તિના ભાગરૂપે ૧૯૧૭થી ગોધરામાં હરિજન પ્રવૃત્તિ કરવા લાગ્યા. ૧૯૪૪માં અકસ્માત થતાં તેમણે આંખની દૃષ્ટિ ગુમાવી પણ સેવાદૃષ્ટિ વધારે સતેજ થતી ગઈ.
આઝાદી પછી સેવાના મેવા મેળવવાથી તેઓ વેગળા રહ્યા. હરિજન સેવાની પ્રવૃત્તિ માટે જરૂર હોય ત્યાં અમદાવાદના સાબરમતી આશ્રમ કે ગોધરાના ગાંધી આશ્રમમાં રહેવા લાગ્યા.
ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બનીને વિદ્યાપીઠની સેવાદૃષ્ટિને સંકોરતા રહ્યા. સંખ્યાબંધ વિદ્યાર્થીઓને તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે મોકલ્યા. જે ગાંધી જીવનરાહે ઘડાયા. સેવા માટે દિક્ષીત થયા.
મામાસાહેબે લખેલી એમની આત્મકથા સેવામાં શ્રદ્ધા પ્રેરે છે. ૧૯૭૪માં તેઓ ૮૭ વર્ષની વયે અવસાન પામ્યા. ૧૮૮૭માં જન્મેલા, તેમણે ૮૭નો નાતો ચાલુ રાખ્યો. ગાંધીવિચાર અને આચારને વરેલો હરિજન સેવક કેવો હોઈ શકે તેનો નમૂનો મામાસાહેબ છે.
તેઓ હરિજનોને કહેતા, ‘આ અંગ્રેજો આપણને લડાવી મારે છે. ગરીબ, તવંગર, છૂતાછૂત, હિંદુ-મુસલમાન વગેરે ભેદ ઊભા કરે છે. એક નાતને બીજી નાત સામે લડાવે છે. આપણે અંગ્રેજોની ભેદનીતિથી આઘા રહીએ તો સ્વરાજ નજીક આવશે.’
હરિજનોને નાતવરા છોડવા, દારુ, ગંદકી અને પારકી આશા છોડવા એ સલાહ આપતા. તેઓ કહેતા, ‘બીજા તમારું કામ કરી દેશે અને તમે ઊંચે આવશો એવો ભ્રમ ના રાખશો. તમારાં કામ તમારે જ કરવાં જોઈએ. બીજાનું આપેલું ઝાઝું ના ટકે. પારકી આશ સદા નિરાશ.’
મામાસાહેબ સત્તાના ભૂખ્યા ન હતા. સેવાની એમને સદા ભૂખ રહેતી. કોંગ્રેસના અધિવેશનોમાં જઈને સંડાસ સાફ કરવાની એ જવાબદારી લેતા. ચત્પાવન બ્રાહ્મણના ઊંચા મનાતા પરિવારમાં જન્મીને જિંદગીભર હરિજન બની રહ્યા. સફાઈ કરતા રહ્યા. આવા લોકસેવકો હવે શોધવા મુશ્કેલ છે.