બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 18th January 2021 07:15 EST
 

‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ આપે છે, હું યાદ કરું તો એ શેર યાદ આવે અને એ રીતે જીવવાની મારી કોશિશ હશે.’ આમ કહીને તેમણે જે શેર કહ્યો તે પ્રસિદ્ધ શેર આ રહ્યો.

‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.’
મરીઝ... ગુજરાતી ગઝલ સૃષ્ટિનું ગૌરવશાળી નામ. મરીઝ... જીવતા જીવનના ધબકારાનો, માનવમનના સંવેદનોને કલમ થકી એમની ગઝલોમાં વાચા આપનાર એક સમર્થ ગઝલકાર.
મૂળ નામ અબ્બાસ અબ્દુલ અલી વાસી, જન્મતારીખ ૨૨ જાન્યુઆરી ૧૯૧૭. અભ્યાસ છોડીને રોજગારી તરફ વળ્યા. કવિતામાં ખૂબ રસ પડે, પત્રકારત્વમાં જોડાયા. સર્જન કર્યું સુરતમાં, જ્યાં કવિઓ એકત્રિત થતા ત્યાં ઝાયા બજાર તેઓ જતા.
એમને મળ્યા અમીન આઝાદ, જેઓએ તેમને ‘મરીઝ’ ઉપનામ આપ્યું. મુંબઈના નિવાસ દરમિયાન કેટલાક અખબાર-મેગેઝિનમાં કામ કર્યું. મિત્ર અસીમ રાંદેરીએ પ્રથમ આકાશવાણીના મુશાયરામાં તેમને તક આપી ૧૯૩૬માં. લગ્ન થયા પછી તેઓ ૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં પણ જોડાયા હતા. ‘આગમન’ પુસ્તકમાં તેઓ લખે છેઃ ‘મિત્ર મળે છે અને નથી મળતા, મિત્ર નથી મળતા અને મળે છે, મૈત્રી માટે લાંબી કે ટુંકી મુદતની, સમાન સ્વભાવ કે સ્થિતિ જ જરૂર ખરી? એ પ્રશ્નનો ઉત્તર છે કે મૈત્રી માટે માણસ વચ્ચે નિખાલસ મિલન એ જ મૂળભુત જણસ છે, બાકી બધા ઉપાદાન’.
ગઝલ સમ્રાટ શયદા, આસીમ રાંદેરી અને બદરી કાચવાલાએ એમને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આગળ જતા બેફામ, સૈફ, શૂન્ય અને ઘાયલ જેવા શાયરોના નિકટના પરિચયમાં મરીઝ આવતા ગયા, એ સહુએ એમની ગઝલોને આગળ લાવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
પ્રેમ વિશે મરીઝની ગઝલમાંથી એકાદ-બે શેરનું સ્મરણ થાય.
એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
બીજી ગઝલમાં લખ્યું છેઃ
પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે, ભૂલી જા મને...
મરીઝની ગઝલો ગુજરાતી ગાયકોએ કમ્પોઝ કરીને - ગાઈને ખૂબ લોકપ્રિય કરી છે, એમાંની જ એક ગઝલઃ
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે,
ગમેત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
તો બેગમ અખ્તરે ગાયેલી ગઝલના અદ્દભૂત શેર આ રહ્યાઃ
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે
સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આ આખી જિંદગી બદનામ છે.
જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ,
એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.
મરીઝનું સાહજિક સ્મરણ થયું અને એમના જીવન-કવનની વાતો શેર સાથે અહીં લખાઈ ગઈ. સામાન્ય માણસ પણ આવી જ લાગણી-સંવેદના અનુભવતા હોય છે. શાયર પાસે એ ક્ષમતા છે કે સીધાસાદા અનુભવમાંથી એ જોરદાર - અસરદાર કવિતા-ગીત કે ગઝલનું સર્જન કરતા હોય છે.
આ શબ્દો આપી જાય છે એક ઝબકાર... એક પ્રકાશ... અને આપણી આસપાસ રેલાય છે શબ્દનાં અજવાળાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter