‘ડેડી, આવા સરસ ગામડામાં રહેવાનો આનંદ તો કાંઈ ઔર જ છે.’ સ્તુતિએ કહ્યું.
‘અહીંથી હવે પાછા અમદાવાદ જવાનું મન નથી થતું...’ નિશા અને સોલીએ કહ્યું.
આવા આવા પ્રસન્નતાથી સભર-આનંદના-ઉલ્લાસના-ઉદગારો એક સ્થળે રવિવારે સવારથી આવેલા મહેમાનો ઉચ્ચારતા હતા.
વાંચેલી-સાંભળેલી ગામડાંની કવિતાઓ, ગ્રામ્ય વિસ્તારોના વર્ણનોને આંખોએ જોયેલા આપણા ગામડાનાં એ ખુબસુરત દૃશ્યો અહીં આવનારા પૈકીના કેટલાયને ફરી ફિલ્મની પટ્ટીની જેમ રિવાઈન્ડ થયા.
યાદ કરો, ગામડાગામમાં વાર-તહેવારે ઊજવાતા મેળાને. ગામને પાદર કે નદીના કિનારે કે મંદિરની બાજુના મેદાનમાં દર વર્ષે નિયત દિવસોએ ભરાતા મેળાની ગ્રામજનોને પ્રતિક્ષા રહેતી. નાના બાળકો મા-બાપ સાથે મેળામાં મ્હાલવા જતા, યુવાનો મિત્રો સાથે અને યુવતીઓ સખીઓ સાથે જતી, એમાં જ ક્યાંય એને મનનો માણીગર મળી જતો. અનુભવીઓ અને આધેડ માણસો વીતેલા વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાને મેળામાં મ્હાલતા. નાની નાની હાટડીઓમાં જીવન જરૂરિયાતની ને આનંદ-પ્રમોદની વસ્તુઓની બજાર ભરાતી. લોકો હટાણાનો પણ આનંદ લેતા ને ઉત્સવનો પણ.
આવા મેળાનું આબેહૂબ અને અદભૂત દૃશ્ય તાજેતરમાં સાકાર કરાયું વિશેષ અવસરના ભાગરૂપે. આમંત્રિત મહેમાનોએ બે-ત્રણ વીઘા જમીનમાં ઊભા કરાયેલા આખાયે ગ્રામ્ય વાતાવરણને મન મુકીને માણ્યું.
ભારત અને વિદેશોમાં વ્યાવસાયિક અને આર્થિક વ્યવસાયો ધરાવનાર પ્રકૃતિપ્રેમી, સંગીતપ્રેમી અને કલાપ્રેમી દંપતી જાનકી અને હિતેન વસંતના મોટા દીકરા યશના લગ્ન પલક સાથે આગામી દિવસોમાં થવાના છે. આ નિમિત્તે વસંત પરિવાર દ્વારા ધોળકા તાલુકાના લાણા ગામમાં આવેલા વસંત ફાર્મમાં વૃક્ષોની હરિયાળી, ગૌશાળા, મંદિર વચ્ચે ગામડાંનો મેળો ઊભો કરાયો હતો. આદિવાસી નૃત્ય-રાજસ્થાની નૃત્ય, ગુજરાતી લોકસંગીત, ફજેત-ફાળકા, નાના-મોટા તળાવો, માટીના વાસણો, ચાડીયા, માંચડો, કચ્છી ઘોડી, ગ્રામ્ય રમતો, જ્યોતિષ, વલોણા, ચાકળા, બાયોસ્કોપ, ગામડાંની બજારને નાની નાની દુકાનો... એવું જ લાગે જાણે ‘કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન...’ના ગામડાંની કલ્પના નજર સામે સાકાર થઈ છે.
આવેલા મહેમાનો વધુને વધુ સમય અહીં રોકાઈને સાવ દેશી, ઓરિજનલ ગામડાંના સ્વાદની વાનગીઓ આરોગવા ઉપરાંત શુદ્ધ હવાને ગ્રામ્ય વાતાવરણને માણવાનો લ્હાવો લઈ રહ્યા હતા.
ઘર-પરિવારનો ઉત્સવ પ્રિયજનો-સ્વજનોથી શોભી ઊઠ્યો અને એક દિવસ ગામડાંની શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ શ્વાસમાં-વિચારોમાં ભરીને સહુ રાજી થયા. આવું અનેકવાર, અનેક જગ્યાએ આયોજન થતું હોય છે ને એ સમયે ત્યાં જનારને જાણે પોતાની જાત સાથે મુલાકાત કરવાનો, પોતાની અંદર ઝાંકવાનો અવસર મળતો હોય છે. આવી ઘટનાઓ આપણને વધુને વધુ સમય આપણી જાત સાથે, પ્રકૃતિ સાથે વિતાવવાનો અમૂલ્ય સંદેશ આપે છે.