માતાજી તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી,
તું તિમિરોના ઘણ વાળી લે,
કરત સદા રખવાળી
અંબા અભયપદ દાયીની રે...
શક્તિ નહીં તારી કળાય રે હો અંબિકા,
તું ચૌદ ભુવનમાં ગવાય રે હો અંબિકા...
આ અને આવા અનેક પદો - સ્તોત્ર – સ્તુતિ - ગરબાના શબ્દો જાણે એકસાથે ગૂંજવા માંડ્યા. હા, એ દિવ્ય અને ભવ્ય અનુભૂતિ થઈ. શક્તિપીઠ અંબાજીની પવિત્ર ધરતી પર અરવલ્લીની ગિરિકંદરામાં વસેલું અંબાજી ગામ વિશ્વભરના કરોડો માઈભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે મા અંબાની શક્તિપીઠ અહીં છે. અહીં ગબ્બર પર માતાજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને અંબાજી મંદિરમાં માતાજીનું શ્રીયંત્ર છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે જેથી દૂરથી માતાજીની મૂર્તિના આકાર જેવું જ લાગે છે. મા ભગવતી, કરુણા અને વાત્સલ્યનું વરદાન વરસાવનારી મા અંબા ભક્તો માટે પરામ્બા છે. શક્તિ સ્વરૂપા છે. ભક્તિની દેનાર છે. વેદોથી પણ પ્રાચીન અને શક્તિપૂંજથી ભરપૂર શક્તિપીઠ અંબાજી છે.
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12થી 16 ફેબ્રુઆરી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયો હતો.
51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે કરવા મળે એ પરિકલ્પના તત્કાલિન મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. માતાના ભક્તોને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો અદભૂત લ્હાવો અહીં મળે છે. આ પરિક્રમા કરવાનો મને પણ લ્હાવો મળ્યો છે અને ત્યાં ભક્તો માટે ઊભી કરાયેલી પ્રાથમિક જરૂરિયાતોથી સંતોષ અનુભવતા ભક્તોને મળવાનું થયું છે. અહીં શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થા સચવાય છે અને દેશ–વિદેશના માઈભક્તો 51 શક્તિપીઠોના દર્શન કરી જીવનમાં એક પરમ ધન્યતા પામ્યાનો અનુભવ કરે છે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પાલખીયાત્રા, શંખનાદ યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિયાગ એટલે કે યજ્ઞ, ભજનમંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદ ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિ કાર્યક્રમો, મહાઆરતી, પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ધજાયાત્રા, મશાલ યાત્રા - ત્રિશુળ યાત્રા અને જ્યોત યાત્રા, મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ, પરિકમ્મા ઉત્સવના દાતાશ્રીઓ, યજ્ઞના યજમાનશ્રીઓ, બ્રાહ્મણો વગેરેના સન્માનનો કાર્યક્રમ તથા સંસ્કૃત અંતાક્ષરી જેવા ભાવભક્તિપૂર્ણ આયોજનો કરાયા હતા જેમાં માઈભક્તો જોડાયા હતા. ગબ્બર પરિક્રમા પથ અને અંબાજી મંદિર પરિસર જય અંબેના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું.
51 શક્તિપીઠ પરિકમ્મા મહોત્સવના અવસરે અહીં વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો પધાર્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. આરાસુર ધામ અંબાજી શક્તિપીઠ, અરવલ્લીની ગિરિમાળાના ગબ્બરના ગોખે ઝગમગી રહેલી જ્યોત લોકોના હૃદયની આસ્થાને અજવાળી રહી હતી ત્યારે દીપોત્સવ જેવું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. શક્તિપીઠના દર્શન કરતી વેળા ભક્તોમાં ભક્તિનો અને શક્તિનો સંચાર થયો હતો. 51 શક્તિપીઠ પરિકમ્મા મહોત્સવમાં રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા જેમાં જાણીતા કલાકારોએ માતાજીના ચરણે સ્વરવંદના રજૂ કરી અને ગરબા ગાયા. અહીં આવનાર ભક્તો માટે આ મહોત્સવ જીવનભરનું સંભારણું બની રહ્યો.
સર્વેશ્વરી જગદીશ્વરી
હે માતૃરૂપ મહેશ્વરી
મમતામયી કરુણામયી
હે માતૃરૂપ મહેશ્વરી
આ સ્તુતિમાં ગવાયેલો અને સચવાયેલો ભક્તના હૃદયનો ભાવ વાતાવરણમાં ગૂંજી રહ્યો છે અને પળપળમાં મા અંબાની કૃપા અનુભવતા વિશ્વમાં એની કૃપાના, મમતાના, વાત્સલ્યના અજવાળાં રેલાય છે.