‘વાહ, તમારી હિંમતને દાદ છે, અમે બોલચાલની ભાષામાં ઘણી વાર કહીએ કે ભોળાના ભગવાન, તમારા કિસ્સામાં પણ એવું જ થયું ગણાય.’ અભિષેકે એમના પડોશીને કહ્યું તો તુરંત હસતાં હસતાં તેઓએ જવાબ આપ્યો કે, ‘હંમેશા આવી સરળતાથી કામ પુરા ન પણ થાય, પણ ઈલાજ ન હતો, એટલે દિવાળી જેવા પરબના દિવસોમાં પણ અમે નવ જણા બે ગાડીઓ લઈને નીકળી પડ્યા હતા, અને કોઈ પ્લાનિંગ વિના અમારો પ્રવાસ સુંદર રીતે પૂરો થયો.’
આ પ્રવાસની વાત પણ ઘણી રોચક છે. મૂળ ઉત્તર ગુજરાતનો પરિવાર ધંધા-રોજગાર અર્થે અમદાવાદમાં સ્થાયી થયો. અમદાવાદમાં પાઈપ્સ અને તેની સાથે જોડાયેલો એમનો ખુબ સારો ધંધો ચાલે.
સંજયભાઈ અને એમના પત્ની જુલીબહેન તથા દીકરો યશ, એમના માતા-પિતા સાથે રહે. સોસાયટીમાં બધા સાથે સારો ઘરોબો, મિલનસાર સ્વભાવ એટલે તમામ ઉત્સવોમાં પણ બંને આગળ પડતાં હોય. જુલીબહેન રોજ સોસાયટીના મંદિરે જાય અને ધાર્મિક ઉત્સવોમાં પણ ઉત્સાહથી જોડાય.
આ વર્ષે દિવાળીના દિવસોમાં અચાનક ગોઠવાયું કે ચાલો, પરિવારના સભ્યો સાથે કચ્છમાં ફરવા જઈએ. લોંગ ડ્રાઈવના અનુભવી એટલે બે ગાડીમાં નવ વ્યક્તિઓ ગોઠવાયા. સામાન ભર્યો અને ઉપડ્યા કચ્છ તરફ. આશાપુરા માતા મંદિરે સાંજે પહોંચ્યા. ભાવપૂર્વ દર્શન કર્યાં. ભારે ભીડ ભક્તોની. કોટેશ્વર ગયા. આખરે રાત્રિ નિવાસ માટે ક્યાંય જગ્યા ન મળી. કોઈને ગુગલ પર સર્ચ કરતાં એક ધાર્મિક સંસ્થાનું ઠેકાણું ને ફોન નંબર મળ્યા. ફોન કર્યો તો એ યુવાને કહ્યું કે અહીં તો ક્યાંયે જગ્યા નથી, પણ તમે પ્રવાસી છો, હું મદદ કરીશ, મને પંદર મિનિટ આપો.
દસમી મિનિટે ફોન આવ્યો ને કહે, ‘અમારા ગામમાં આવી જાવ, એક ખાલી બંગલામાં વ્યવસ્થા થઈ જશે.’ સાવ નજીક એ ગામ હતું. એ યુવાને પોતાના સંપર્કોથી એક બંગલો જે સાવ ખાલી હતો, એનઆરઆઈનો હતો, એમના વ્યવસ્થાપકને વિનંતી કરીને, મંજૂરી મેળવીને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અતિ સુંદર અને તમામ સુવિધા સંપન્ન બંગલામાં રહ્યા. બીજા દિવસે આભાર માની ત્યાંથી નીકળ્યા. બે-ત્રણ સ્થાનોએ ફર્યાં.
ભૂજ શહેરમાં બહુ બધે તપાસ કરી, ક્યાંય રહેવા માટે ખાલી જગ્યા નહીં. એક મિત્રે કહ્યું મારા ઘરે આવો. વિશાળ બંગલો હતો, કહે અમે બે જ છીએ. અહીં રહો. આ લોકોને યોગ્ય ન લાગ્યું. અને જુઓ કમાલ. એ મિત્રે ક્યાંક ફોન લગાવ્યા. હસતાં હસતાં આભાર માન્યો ને કહે, ‘ચાલો તમારા, માટે માની ના શકાય એવી સુંદર પ્રોપર્ટીની વ્યવસ્થા કોઈકની મહેરબાનીથી થઈ ગઈ છે.’ આમ કહી એ કચ્છના કોઈ નાનકડા ગામમાં લઈ ગયા. રાત પડવા આવી હતી. એક ફાર્મ હાઉસ હતું. જેની સંભાળ કોઈ રાખતું હતું. માલિક એનઆરઆઈ હતા. જે પેલા મિત્રના મિત્ર હતા. એમને ફોન કરીને અનુમતિ લીધી અને સંજયભાઈના પરિવારજનો માટે દોઢેક એકરમાં ફેલાયેલું અને તમામ આધુનિક સુવિધાઓથી સભર એક રળિયામણું ફાર્મ રહેવા માટે મળી ગયું. બે દિવસ ત્યાં રહ્યાં. ખૂબ આનંદ કર્યો અને તસવીરી સ્મૃતિઓ સાથે પરત અમદાવાદ આવ્યા.
•••
આપણે ત્યાં પ્રવાસમાં જઈએ ત્યારે બે પ્રકારે જવાય. એક તો તમામ પ્રકારે પૂરતા પ્લાનિંગ સાથે, ઝીણવટપૂર્વક આયોજન કરીને અને બીજું પડશે એવા દેવાશે એમ વિચારીને. પ્લાનિંગ કરનારા સ્વાભાવિક રીતે સલામતી અને વ્યવસ્થા જુએ છે જ્યારે ત્યાં પહોંચીને વ્યવસ્થા ઊભી કરનારા સાહસ, રોમાંચ જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર અનુભવે છે.
બંને શૈલીના પ્રવાસની પોતપોતાની મજા છે. પ્રવાસ લાંબો હોય કે ટૂંકો, લોકો પોતપોતાની રીતે પ્રવાસ કરે છે અને એનો આનંદ લે છે. કોઈ આયોજન વિના પહોંચી જનારા લોકોને પણ ક્યારેક અકલ્પ્ય એવી મદદ પ્રાપ્ત થઈ જતી હોય છે જે આયોજન સાથે જનારને પણ ના મળે. આવું થાય ત્યારે આનંદના અજવાળાં રેલાય છે.