‘સોરી, આ વખતે તમને અને મહેમાનોને ઘરમાં નહીં સાચવી શકું કારણ કે ઘરમાં કલરકામ હજી કાલે જ પૂરું થયું છે.’ આ વાત ધનબાઈએ કહેતાં તો એમના ભાભીને કહી દીધી પરંતુ પછી રાત્રે એમને વિચાર આવ્યો કે મારા ઘરે અતિથિને મેં ક્યારેય ના પાડી નથી તો આ વખતે કેમ? એમણે સવારે એમના પતિ રમેશને વાત કરી. નિવૃત્ત જીવન માણી રહેલા બંનેએ બે દિવસમાં ઘરની સફાઈ કરી નાંખી અને ફરી ફોન કરીને કહ્યું કે ‘હવે બધી વ્યવસ્થા થઈ જશે, અહીં જ રોકાજો.’
વાત યુનાઈટેડ કિંગ્ડમના એક હિસ્સા વેલ્સમાં વસતા પરિવારની છે જેના અમે હમણાં મહેમાન બન્યા હતા અને એમનું પ્રેમપૂર્ણ આતિથ્ય માણ્યું હતું. કેલુભાઈ અને રતનભાભી સાથે લંડનથી કારમાં અમારા પ્રવાસનો આરંભ થયો. બ્રિટનના વિવિધ રેડિયો સ્ટેશનોને સાંભળતા, આસપાસના વિસ્તારોની ખાસિયતો વિશે વાતોમાં માહિતી મેળવતા અમે સેવર્ન બ્રિજ વટાવીને પહોંચ્યા સાઉથ વેલ્સમાં. આ નવો બનેલો બ્રિજ છે જેના પરથી રોજ 80 હજાર વાહનો પસાર થાય છે, પરત ફરતી વખતે અમે અહીંના જૂના બ્રિજનો ઉપયોગ કર્યો.
કાર્ડિફ, વેલ્સનું મુખ્ય શહેર અને રાજધાની છે, ઔદ્યોગિક અને ઐતિહાસિક શહેર છે. પ્રવાસન સ્થળ છે, ફિલ્મ નિર્માણ, સ્ટુડિયો અને મીડિયાનું શહેર છે. બ્રિસ્ટલ ચેનલ પર, ગ્લેમોર્ગન કાઉન્ટીમાં ટૈફ નદીના કિનારે વસેલું રમણીય, મનમોહક શહેર છે. કાર્ડિફમાં અગીયારમી શતાબ્દીમાં રોમનોએ બનાવેલો અને પછીથી કાળજીપૂર્વક સચવાયેલો કાર્ડિફ કેસલ જોવા નિયત ફી ચૂકવીને અમે અંદર પ્રવેશ્યા.
હસમુખા ગાઈડે વીતેલા બે હજાર વર્ષોના ઈતિહાસની રોચક વાતો કરી. અદભૂત વુડન અને ગ્લાસ વર્ક નિહાળીને રોમાંચિત થયા. વેલ્સના સૈનિકોને સમર્પિત મ્યુઝિયમ જોવાલાયક છે. ક્લોક ટાવર અને અન્ય સ્થળો નિહાળ્યા. પ્રાચીન કિલ્લાની અને વિવિધ વસ્તુઓની અહીં થયેલી જાળવણી જોઈને રાજી થવાય એવું છે.
એક સમયે કાર્ડિફ સમગ્ર વિશ્વનું મહત્ત્વનું ડોકલેન્ડ હતું અને અહીં કોલસાની ખાણોની સમૃદ્ધિ હતી. અહીંથી હાઈસ્ટ્રીટ તથા અન્ય પ્રાચીન માર્કેટની ગલીઓમાં ફરવાનો આહલાદક અનુભવ લીધો. પ્રાચીન સમયના મકાનોમાં મોટા ભાગે પથ્થરોનો ઉપયોગ થયો છે અને એ મકાનોની બાંધકામ શૈલી પ્રવાસીને ઊડીને આંખે વળગે તેવી છે. નેશનલ મ્યુઝિયમ, પ્રિન્સીપેલીટી સ્ટેડિયમ વગેરે પ્રવાસી સ્થળો પણ જોયા.
એક દિવસ અમે વિતાવ્યો વેલ્સની વેલીઝમાં. ખુબસુરતીમાં અને પ્રાકૃતિક સૌંદર્યમાં અહીં એકથી એક ચઢે એવી દસ વેલી એટલે કે ઘાટીઓ છે. એમાંથી અમે રહોન્ડા વેલીના માર્ગો પર કારમાં ઢાળ ક્યારેક ચડ્યા અને ક્યારેક ઉતર્યાં, ખુબસુરત જગ્યાઓ જોઈએ એટલે તસવીરો લેવાનું પણ કેમ ચુકાય? ચારે તરફ હરિયાળી, પ્રાચીન શૈલીના ઘરો અને બજારો, પહાડો-ઘાટીનું સૌંદર્ય નીરખતા નીરખતા અમે પહોંચ્યા માર્ડી નામના ગામમાં અને અહીં સ્થાનિક યજમાનના એક પરિચિતના ઘરે મળીને ત્યાંનું આતિથ્ય પણ માણ્યું. આ વિસ્તારનો ઈતિહાસ વાંચ્યો તો ખ્યાલ આવ્યો કે અહીં કેટલાક ઉત્તમ કવિઓ – સંગીતકારો અને એન્ટરપ્રિન્યર્સ પણ જગતને મળ્યા છે.
એક દિવસ યાત્રાએ ગયા સ્કાન્ડા વેલેની. 1973માં શ્રી સુબ્રમણ્યમ દ્વારા સ્થાપિત આ મંદિરે પ્રતિષ્ઠાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. હિન્દુ સનાતન ધર્મની વિચારધારાને અનુરૂપ અહીં મુરુગન, મહાકાળી, રંગનાથ, ગણેશ – સાંઈબાબાના મંદિરો છે. દર વર્ષે અહીં 90 હજારથી વધુ યાત્રિકો આવે છે. ડોનેશનના આધારે અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે. યાત્રિકોને મદદરૂપ થવા નાની નાની બાબતોની કાળજી લેવાય છે અને સેવામાં સ્થાનિક તથા દૂરદૂરથી આવતા યુવાનો આપણને પણ ઊર્જામય બનાવી જાય છે.
અતિથિ દેવો ભવઃ સૂત્ર ભારતીય સભ્યતાનું પ્રતિક રહ્યું, આ સૂત્રમાં સમાયેલી ભાવનાને ભારતીયો પણ જે દેશમાં રહેતા હોય ત્યાં આત્મસાત્ કરે છે. વળી ઘણાય દેશોના પ્રવાસે જતા ત્યાંના સ્થાનિક લોકોમાં રહેલા આતિથ્યના પણ આપણને દર્શન થાય છે. પ્રેમપૂર્ણ વ્યવહારોમાં - રોજિંદા જીવનની આવી જ ઘટનાઓમાં આતિથ્યના - પ્રકૃતિના - પ્રેમના અજવાળાં રેલાય છે.