‘દોસ્તો, આજે તમને એક વાર્તા કહેવી છે, એવી વાર્તા જેનો આરંભ છે પણ અંત નથી, જેના પાત્રો સીધા નજરે ન દેખાય, પરંતુ મારી અને તમારી અંદર એ પાત્રો ક્યાંક ને ક્યાંક શ્વસે છે.’ એક પ્રાકૃતિક સ્થળે યોજાયેલી વાર્તા શિબિરમાં નવોદિત લેખકોને સંબોધતા ફાગુને કહ્યું. ફાગુનનું નામ સાહિત્યવિશ્વમાં અને કલાજગતમાં પ્રથમ હરોળમાં લેવાતું હતું અને એના સર્જનો થકી ફાગુને શ્રોતા-વાચકના મનમાં એક વિશેષ આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિયમિતરૂપે એ પ્રવચનો પણ આપતી રહેતી હતી. આજે આવી જ એક શિબિરમાં એ સંબોધન કરી રહી હતી. ફાગુને થોડી પ્રાસંગિક વાતો અને પ્રાસંગિક પરિચય પછી વાર્તા શરૂ કરી.
એક છોકરી હતી, યુવા અવસ્થામાં પહોંચી ગઈ હતી એટલે સ્વભાવમાં ને વ્યવહારમાં સહજ અલ્લડપણું, મસ્તી, પ્રેમ અને વિવેક એનામાં ઝલકતાં હતાં. હૃદયમાં ઉમટતા ભાવો એને જાણે પતંગિયું બનીને આમથી તેમ ઉડાડતા હતા, મેઘધનુષના રંગો હોય કે સાગરને પર્વતનું સંગીત હોય, એને બહુ ગમે એનું નામ? નહીં કહું... છે જ નહીં. એ મારીને તમારી અંદર જ જીવે છે...
એક છોકરો હતો, એના જ ગામમાં રહેતો હતો. અપરમિડલ ક્લાસનો ઊછેર એટલે પોતાની જવાબદારી પણ સમજે અને જીવનના આનંદને પણ માણે. અભ્યાસમાં અને સ્ટેજની પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહે. એનું યે નામ નહીં કારણ કે એ પણ તમારા પૈકીના તમામ લોકોમાં ક્યાંક શ્વસે છે.
ફાગુન જરા અટકી એટલે શ્રોતાઓમાંના એકે જરા સહજ મસ્તીથી પૂછ્યું... કહો કે કહ્યું, ‘ગુજરાતી કાવ્યસંગીતનું પેલું ગીત યાદ આવી ગયું, કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી ને વાત ચાલી એવી તો વાત ચાલી...’ને બધા સહજ હસી પડ્યા. વાર્તા આગળ ચાલી.
એ છોકરો ને છોકરી બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. છોકરી બે-ત્રણ મહિના પહેલા રહેવા આવી હતી, પણ ક્યાંયે મળ્યાનું સ્મરણ ન હતું. એવામાં આવ્યો રંગોત્સવ... હોળી-ધૂળેટીનો તહેવાર. સોસાયટીના ગ્રાઉન્ડમાં હોળી પ્રગટાવવામાં આવી હતી, સહુ હોળી માતાની પ્રદક્ષિણા કરતા હતા અને ફરતી પાણીની ધાર કરતા હતા. એમાં પેલી છોકરીથી અજાણતાં પાછળ આવી રહેલા પેલા છોકરાના પગ પર પાણીની ધાર પડી ગઈ એને ખ્યાલ આવ્યો. પાછળ એક નજર માંડી, હજી સોરી કહેવા જાય ત્યાં પેલા છોકરાએ સામેથી કહી દીધું, ‘ઈટ્સ ઓકે....’ ને આંખોથી આંખો મળી. કંઈક અકથ્ય બંનેને અનુભવાયું. રાત્રે બંનેના ચિત્તમાં કંઈક કંઈક જૂદું ફીલગુડ ફેક્ટર જેવું અનુભવાતું હતું. સવારે છોકરીના ઘરે પાડોશીઓ ધૂળેટીનો રંગ લઈને આવ્યા ત્યારે એ છોકરી ગોતતી હતી પેલા છોકરાને. એ આવ્યો, એણે પણ ગુલાલ છાંટ્યો, પાણીની પીચકારી મારી, ફરી આંખો ચાર થઈ. થોડો સમય સાથે રહ્યા, પછીથી સોસાયટીના ગ્રૂપમાં ફરતાં રહ્યાં. પિકનિક-સિનેમા ને હોટેલ્સ ને ભણવાનું. લગ્નપ્રસંગો... ત્રણ-ચાર વર્ષ વીતી ગયા. બંને વચ્ચે પ્રેમની અનુભૂતિની વહેંચણી થઈ હતી કે નહીં? બંને રિલેશનશિપમાં હતા કે નહીં? બંને વચ્ચે મૈત્રી હતી કે લગ્ન સુધી જવાની તૈયારી હતી? બંને પછી ક્યાંયે ક્યારેય મળ્યા કે નહીં? બંનેને એ ધૂળેટીમાં થયેલી સંવેદનાને શું કહેવાય? આ અને આવા અનેક પ્રશ્નો છે, જેનો ઉત્તર શ્રોતાએ નક્કી કરવાનો છે. એટલે જ તો કહ્યું હતું કે વાર્તાનો આરંભ છે, વિરામ નથી... વાર્તાના પાત્રોમાં ક્યારેક આપણને આપણી સંવેદના, આપણી અનુભૂતિ સ્પર્શે, સ્મરણો યાદ આવે. રંગો-પીચકારીની ધાર, લાગણીનો પ્રવાહ, કંઈક અનુભવાયા પ્રસંગની એ ઘટના, એ પાત્ર... તો વાર્તા તમારી છે. નહીંતર એ કોઈકની છે...’
બસ આટલું કહીને ફાગુને વાર્તા પૂરી કરી, બધા જ શ્રોતાઓએ એને વધાવી, સંવાદ કર્યો, વાતો કરી, પછી પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા, ચા-કોફી ને નાસ્તો કર્યાં, રાજીપા સાથે છુટા પડ્યાં... ગાડીમાં બેસી ત્યારે એ જ કોલેજમાં લેક્ચરર એવી એની બાળ સખી ફોરમ પણ સાથે હતી. ફોરમે રસ્તામાં કેસુડાને ગુલમહોરના વૃક્ષો આવ્યા ત્યારે ગાડી ઊભી રખાવીને ફાગુનને કહ્યું, ‘આ ફૂલોમાં જે રંગ છે એવા જ રંગો તને છાંટનાર એક છોકરો તને પણ યાદ આવ્યો હતો ને?’ વાર્તા કહેતાં કહેતાં... ને બંનેની આંખમાં જાણે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સંભારણાનું અજવાળું રેલાયું.