ફરીને અવસર એ આવ્યો,
રામનું નામ ફરીને ગુંજશે,
ફરી એ જ અમૃતવાણી પામશે
ધન્ય ધરા આ જલિયાણની...
આ શબ્દો ચરિતાર્થ થયા, માતુશ્રી વીરબાઈમા અને પૂજ્ય જલારામ બાપાના સેવાધર્મની બસ્સો વર્ષથી સતત પ્રજ્વલિત જ્યોતની ઊજવણી સ્વરૂપે. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાવપૂર્ણ રીતે ભક્તિમય વાતાવરણમાં ભજન અને ભોજનના પ્રયાગ સમાન વીરપુરમાં પૂજ્ય મોરારિબાપુના શ્રીમુખેથી રામકથાનું ગાન થયું.
‘ભૂખ્યાને ટુકડો તો હરિ ઢુંકડો’ એ શબ્દો જ્યાં મંત્રની જેમ સચવાયા, જીવાયા એવી પાવન ધરા વીરપુર પર ‘રામ બ્રહ્મ અને અન્ન પણ બ્રહ્મ’ એમ કહીને પૂજ્ય મોરારિબાપુએ ‘માનસ-સદાવ્રત’ના કથાપ્રવાહમાં શ્રોતાઓને એકાકાર કર્યાં.
યુવાન અવસ્થામાં જ પોતાના ગુરુ ભોજલરામને જલારામે કહ્યું હતું કે, મારે સદાવ્રત શરૂ કરવું છે, મને આદેશ આપો તો આ કાર્ય કરવા તૈયાર છું. ગુરુએ આશીર્વાદ આપ્યા કે ખુશીથી સદાવ્રત શરૂ કર, ગૃહસ્થાશ્રમ નિભાવ અને સાધુની સેવા કર. પત્ની વીરબાઈમા અને જલારામની સ્થિતિ એવી કે ખેડૂતોના ખેતરમાં મોલ લણી નિર્વાહ ચલાવે...
આપણો ‘વાલો’ આપણી લાજ રાખશે એવી શ્રદ્ધા સાથે વિક્રમ સંવત ૧૮૭૬ મહા સુદી બીજના દિવસે વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. તે દિનની ઘડીને આજનો દી.... બસ્સો વર્ષ થયાં. અન્નક્ષેત્ર સતત ચાલુ છે. છેલ્લા વીસ વર્ષથી તો જલારામ બાપાના વીરપુર મંદિરમાં એક પૈસો પણ દાનમાં સ્વીકારાતો નથી. વિનયપૂર્વક અહીં દાન ન આપવા જણાવાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અતિ વિનમ્રભાવે સાવ સહજપણે આ કાર્ય આજે યુવાપેઢી પણ પૂર્ણપણે સમર્પિત થઈને કરી રહી છે.
કથામાં સાચા અર્થમાં ભજન અને ભોજનનો પ્રયાગ થયો. રોજ કથા આરંભે પૂજ્ય રઘુરામબાપા તથા પરિવારજનો દ્વારા ભજનોની પ્રસ્તુતિ સુમધુર સ્વરમાં ભાવપૂર્વક થતી હતી. કથા વિરામ બાદ બપોરે અને સાંજે અગણિત માણસો-શ્રોતાઓ-મહેમાનો ભોજન પ્રસાદ લેતા હતા. ક્યાંય સહેજ પણ અવ્યવસ્થા નહીં, એવી સ્વયંશિસ્તનું અદભુત વાતાવરણ અહીં જોવા મળતું હતું. સમગ્ર આયોજન અને તેની વ્યવસ્થા જોઈને સહજપણે એમ થાય કે અહીં જલારામ બાપાની દિવ્યચેતના જાણે સતત કૃપાદૃષ્ટિ વરસાવી રહી છે અને એના થકી જ સમગ્ર કાર્ય સંપન્ન થયું છે.
પૂજ્ય મોરારિબાપુએ જલારામ બાપાને વિવેક અને વીરબાઈમાને વાણીરૂપે ઓળખાવી ‘માનસ સદાવ્રત’ કથાના આરંભે કહ્યું હતું કે, વર્ણ-વર્ગ-દેશ-કાળ ના જુએ તે સદાવ્રત છે. જમવા બેઠો તે બ્રહ્મ છે. જમવા પીરસાયું તે અન્ન પણ બ્રહ્મ છે અને પીરસનાર સેવક છે. મનમાં સદ્ભાવ, વાણીમાં સન્માન, વિવેકપૂર્ણ મુસ્કુરાહટ અને ભજન સાથે ભોજન પીરસાવું જોઈએ. એ સદાવ્રતના લક્ષણો છે.
પ્રેમ પ્રતીક્ષા કરે છે, પ્રેમને વંશ ના હોય, પ્રેમનો અંશ હોય. પ્રાણ સંકટે પ્રિય સત્ય ઉચ્ચારવું અને કડવું સત્ય સ્વીકારવું એ ભજન છે. આ બંને સત્ય સ્વીકારવા એ ભજન છે. વિશ્વાસુને વેડવો નહીં અને નુગરાનો નેડો નહીં એમ કહી તેઓએ ઉમેર્યું હતું કે સહજ સ્વભાવમાં જીવવું. સદાવ્રત શબ્દની વ્યાપક્તાનો ઉલ્લેખ કરી તેઓએ કહ્યું હતું કે ત્યાગના-વૈરાગ્યના-સંવેદનાના-હાસ્યના સદાવ્રતો છે.
અન્નક્ષેત્ર દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે યોજાયેલી રામકથા અનેક મીઠા અને ભાવપૂર્ણ સંભારણા આપી ગઈ.
•••
આજે પણ કેટલાય ઘરોમાં એ પરંપરા સચવાયેલી જોવા મળે છે કે ભોજન પહેલાં અન્નને દેવતા માનીને વંદન કરવા. આજે પણ એવી કેટલીય વ્યક્તિઓ છે જે પોતાની આસપાસના જાણીતા અજાણ્યા લોકોને ભોજન કરાવે છે. અન્નનો ટુકડો આપણે કોઈને પણ આપીએ તો આપવાપણાના ભારથી મુક્ત રહીને આપીએ અને એનો ઓડકાર આપણને આનંદ આપી જાય ત્યારે અંતરમાં અજવાળાં રેલાય છે.