‘તમસો મા જ્યોતિર્ગમય ’ અર્થાત્ ‘હે ભગવાન મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાવ.
રંગ ગયી પગ-પગ ધરા,
હુઈ જગ જગ મગ મનોહરા - સુમિત્રાનંદન પંત.
દીપ જગમગાતે રહે,
સબકે ઘર ઝિલમિલાતે રહે,
સાથ હો યું હી મુસ્કરાતે રહે...
આવ્યા આવ્યા દિવાળીના દિન
હો નાચે મારું દિલડીયું.....
શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય બની રહ્યું છે. હવે ધીમે ધીમે જનજીવન પુનઃ ગોઠવાતું જાય છે. જે છે તે પરિસ્થિતિમાંથી સાવચેતીપૂર્વક બહાર આવવા લોકો રોજિંદા કામોમાં જોડાતા જાય છે. એવા સમયે આવેલા દિવાળીના પર્વે અનુલક્ષીને પરમ પિતાને પ્રાર્થના કરીએ કે ‘અમને - વિશ્વને અંધકારથી પ્રકાશ તરફ લઈ જજો. કલ્યાણ કરજો.’
દિવાળીનું પર્વ એટલે ઉર્જા, ઉલ્લાસ અને ઉજાસનું પર્વ. દિવાળીનું પર્વ એટલે પૂજા, પ્રાર્થના અને પ્રસન્નતાનું પર્વ. દિવાળીનું પર્વે એટલે એકતા, અધ્યાત્મ અને આનંદનું પર્વ. દિવાળીનું પર્વ એટલે મ્યુઝિક, મીઠાઈ અને મહેમાનગતિનું પર્વ.
વૈજ્ઞાનિક, ધાર્મિક અને સામાજિક - એમ ત્રણેય રીતે મહત્ત્વપૂર્ણ બની રહે છે દિવાળીનું પર્વ. સંસ્કૃત ભાષાના બે શબ્દો - દીપ અને આવલી. એના મિશ્રણથી આ શબ્દ બન્યો છે. દિવાળીના દિવસોમાં ઘરના દ્વાર પર તથા ગેલેરીઓમાં મંદિરોમાં એક સાથે મોટી સંખ્યામાં દીવડા અથવા તો લાઈટ્સ પ્રગટાવવામાં આવે છે. આ પર્વના ઉલ્લેખો પદ્મપુરાણ, સ્કંદ પુરાણમાં, સંસ્કૃત નાટકોમાં, ધાર્મિક ગ્રંથોમાં અલગ અલગ પ્રકારે મળે છે. સમગ્ર ભારતમાં અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ દિવાળી પ્રદેશ-પ્રદેશની વિશેષતાઓ સાથે ઉજવાય છે. ઉજવણી ભલે અલગ અલગ પ્રકારે થાય, પરંતુ મૂળમાં દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો, અજ્ઞાન પર જ્ઞાનનો, અસત્ય પર સત્યનો, બુરાઈ પર અચ્છાઈનો વિજય સુચિત કરતો ઉત્સાહ છે.
દિવાળી - એક દિવસનું નહીં બલકે પાંચ દિવસનું પર્વ છે. ધનતેરસથી ભાઈબીજ સુધીનું. આ પાંચ દિવસનું પર્વ સમયે સમયે લોકજીવનમાં પરિવર્તનોને ઝીલતું જાય છે. જુના સમયમાં રવાનો શીરો, ફાડા લાપસી, મોહનથાળ, બુંદી જેવી પરંપરાગત મીઠાઈઓ બનતી તેનું સ્થાન હવે તૈયાર મળતી મીઠાઈઓ લેતી જાય છે. હવે તો મીઠાઈથી પણ આગળ ચોકલેટ્સનો વપરાશ વધ્યો છે. દીવડા એકાદ-બે શુકન પુરતા પ્રગટાવાય, બાકી વીજળીથી ચાલતી સિરીઝ અને બલ્બસ તથા અન્ય સાધનોથી રોશની થાય છે. નવા જન્મેલા બાળકોને લઈને દિવાળીને દિવસે મેરાયુ કાઢવું, ગામડાગામમાં શ્રીકૃષ્ણના જીવનની ગોવર્ધન પર્વત તોળવાની ઘટના સાથે જોડાયેલ મેળ-મેળાયું લઈને નીકળતા યુવાનો, બેસતા વર્ષે સવારે ખવાતા ખાટા ઢોકળા, બેસતા વર્ષે વહેલી સવારે શકનનું કંકુ, શકનના સબરસનો સંભળાતો મીઠો સ્વર... એ જ રીતે થાળી વગાડતાં વગાડતાં ચોકમાં આળસ મૂકવા જવાનો રિવાજ... એવી તો કેટકેટલી પરંપરાઓ સાંસ્કૃતિક રીતરિવાજો હવે વીસરાઈ ગયા છે. આ રિવાજોમાં માત્ર ધર્મ ન હતો, ક્યાંકને ક્યાંક વિજ્ઞાન હતું. અધ્યાત્મ હતું... પણ ખેર, સમય સાથે જે જે બદલાયું એનો સ્વીકાર ને માણું તેનું મીઠું સંભારણું એને જ સાચવીને આ પર્વની હવે ઉજવણી કરવાની છે.
દિવાળીના ઐતિહાસિક મહત્ત્વને ઉજાગર કરતી કેટલીક કથાઓ અનુસાર, સમ્રાટ વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીના દિવસે થયો હતો. સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ દિવાળીના દિવસે થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો પછી વ્રજવાસીઓએ પોતાનો આનંદ દીવડા પ્રગટાવી કર્યો હતો. ભગવાન મહાવીરનું નિર્વાણ પાવાપુરીમાં આ દિવસે થયું હતું. અમૃતસરના સુવર્ણમંદિરના કામનો શુભારંભ દિવાળીના દિવસે થયો હતો. ગૌતમ બુદ્ધના સ્વાગતમાં લાખો દીવડા પ્રગટાવી દિવાળી ઉજવાઈ હતી. ભગવાન શ્રીરામ રાવણને હરાવી અયોધ્યા આવ્યા ત્યારે એમના સ્વાગતમાં દીવડા પ્રગટાવી અને દીવાળી ઉજવાઈ હતી.
દિવાળીના પર્વ બાહ્ય અંધકાર દૂર કરતા દીવડા તો પ્રગટાવીએ જ સાથે સાથે આપણી આસપાસ કામ કરતા આપાણી સાથે કામ કરતા જરૂરતમંદોની જરૂરિયાતોમાં સૌથી અગત્યની જરૂરિયાત અનાજની હોય છે. આવા લોકોને રાશન પૂરું પાડીએ... અને એ પણ એવી રીતે કે એમનું સન્માન પણ સચવાય. યુવાનો આ દિશામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. ત્યારે આવા પ્રયાસોમાં આપણે પણ જોડાઈએ. આવા પ્રયાસોમાં જોડાઈએ અને કોઈના જીવનમાં થોડું અજવાળું પાથરી આપણે રાજી થઈએ.