‘આહા... કેટલું મીઠું ગીત છે!’
‘અરે મને યાદ છે. ઘરમાં ટીવી નહોતું, પાડોશીના ઘરે ગામ આખું જાણે ભેગું થતું સિરીયલ જોવા.’
‘બેટા, એક ટીવી સિરીયલના સમયે ગામના રસ્તા પર કરફ્યુ હોય ને એવો સોંપો પડી જતો હતો...’
‘ત્રણ દાયકા થઈ ગયા, થાય છે ફરી એક વાર સમય મળે તેમ તેમ આ ટીવી સિરીયલ જોવી છે...’
આવા અનેક ઉદ્ગારો મિત્રવર્તુળમાં-પરિચિતોમાં સાંભળવા મળ્યા, ‘મહાભારત’ સિરીયલ માટે.
તા. ૨-૧૦-૧૯૮૮થી તા. ૨૪-૬-૧૯૯૦ દરમિયાન રજૂ થયેલા ૯૪ એપિસોડમાં પ્રસારિત થયેલી આ ટીવી સિરીયલના ચાહકો હજી આજે પણ એટલા જ છે. એના સંવાદો, એનું સંગીત અને એના ગીતોની ભાવવાહિતા હજી આજે પણ ક્યાંક ગુંજે છે એ વાતની પ્રતિતી હમણાં બનેલી એક ઘટનાએ કરાવી.
RJH MUSICSOUL 18 નામે સંગીત કાર્યક્રમો અને મ્યુઝિક આલ્બમો ક્ષેત્રે પ્રવેશનાર યુવાન રાજીવ હરિયાણી દ્વારા ‘મહાભારત’ ટીવી સિરીયલના ગીતો પૈકીનું એક પ્રસિદ્ધ ગીત ‘બિનતી સુનીયે નાથ હમારી...’ ફરીથી ૩૦ વર્ષ બાદ રિક્રીએટ કર્યું. મૂળ ગાયિકા સાધના સરગમ પાસે જ એમણે ગીત ગવડાવ્યું અને ઓરિજિનલ સંગીતમાં સિતારવાદન ક્ષેત્રે યુવાવયે વૈશ્વિક નામના મેળવનાર ભગીરથ ભટ્ટે નવો ટચ આપ્યો અને ગીત રિલીઝ થયું.
બી. આર. ચોપરા પ્રોડક્શન દ્વારા નિર્મિત, રવિ ચોપરા દ્વારા દિગ્દર્શિત, સિરીયલ મહર્ષિ વેદવ્યાસ લિખિત ‘મહાભારત’ના આધારે ડો. રાહી માસૂમ રઝાની પટકથા સાથે રજૂ થઈ હતી. ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા, સંગીતકાર રાજકમલ, ‘સમય’રૂપે રજૂ થતો હરીશ ભીમાણીનો અવાજ આજે પણ જે તે સમયે જેમણે સિરીયલ જોઈ છે એમને હૈયે વસેલા છે. ૪૫ મિનિટનો પ્રત્યેક એપિસોડ દર્શકોને એવા જકડી રાખતો કે બધા કામ પડતા મુકીને સહુ ટીવી સામે ગોઠવાઈ જતા હતા.
રાજ બબ્બર (રાજા ભરત), નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), મુકેશ ખન્ના (ભીષ્મ), પુનિત ઈસ્સાર (દુર્યોધન), રૂપા ગાંગુલી (દ્રૌપદી), પંકજ ધીર (કર્ણ), ગુફી પેન્ટલ (શકુનિ), દારા સિંઘ (હનુમાન), નાઝનીન (કુંતિ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ચન્ના રૂપારેલ (રુકમણી) જેવા પાત્રો અને સમગ્ર કથા જાણે ફ્લેશબેકની માફક આજેય વીતેલા સમયના એ કાલખંડમાં આપણને લઈ જાય છે.
‘મહાભારત’ ટીવી સિરીયલ પછીથી બીબીસી પર પણ રજૂ થઈ હતી અને અન્ય ભાષાઓમાં પણ ડબ થઈને રજૂ થઈ ત્યારે એને અપાર લોકચાહના મળી હતી. વીડિયો કેસેટના જમાનામાં એની વીડિયો ટેપ અને પછીથી ડીવીડી પણ કેટલાય ચાહકોના ઘરમાં આજેય સચવાયેલી હશે. એ પાત્રો ધાર્મિક કથાનકના કારણે પ્રત્યેક ભક્તિના હૈયે વસેલા હતા, જાણીતા હતા અને એમાં એના એક્ટરોએ પ્રાણ પૂર્યા એટલે ‘મહાભારત’ ટીવી સિરીયલના કલાકારો આજે પણ જ્યાં જાય ત્યાં એમને - એમના પાત્રના કારણે - આદર મળે છે.
અદભૂત પાત્ર છે રુકમણી... કહે છે એના પિતા સાથે સત્સંગમાં જતી અને ભગવાનની લીલાના ગુણગાન સાંભળતી... બસ અહીં જ જોયા વિના રુકમણીએ મનમાં ને મનમાં કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી લીધા. બુદ્ધિ, ઉદારતા, સૌંદર્ય, શીલ જેવા ગુણો હતા એનામાં... રુકમણીના લગ્ન શિશુપાલ સાથે થવાની વાત આવી ત્યારે તેણે એક બ્રાહ્મણ સાથે પત્ર મોકલ્યો કૃષ્ણને, રુકમણીએ લખેલા શ્લોકમાં કૃષ્ણને કેમ પસંદ કર્યાં એનું વર્ણન કરતાં કહે છે, ‘આપ ત્રિભુવન સુંદર છો, અચ્યુત છો, કુલ, શીલ, સ્વભાવ, સૌંદર્ય, વિદ્યા, અવસ્થા બધી રીતે આપ શ્રેષ્ઠ છો, આપ મને પાણિગ્રહણ કરીને લઈ જાવ...’ અને કૃષ્ણ એમને લઈ આવ્યા હતા. એ પ્રેમપત્ર, એ વિશ્વાસપત્રમાં સમાયેલી અભિવ્યક્તિનું ગીત ફરી એક વાર મૂળ પોતને સાચવીને, આધુનિક્તાના ઉમેરણ સાથે આપણા સુધી પહોંચ્યું ત્યારે સ્વાભાવિક રીતે ત્રણ દાયકા પહેલાનો એ સમય અને એ ટીવી સિરીયલ અને એ ગીતમાં સમાયેલ કાવ્યતત્ત્વ, મધુર સ્વર અને સંગીતનું સાહજિક સ્મરણ થયું.
•••
પ્રેમ ક્યારેય જૂનો થતો જ નથી, જે જૂનો થાય છે એ પ્રેમ નથી. સ્વાભાવિક રીતે પ્રેમકથા - પ્રેમગીત પણ ક્યારેય જૂના થતા નથી. રુકમણીના પ્રેમનો એ પત્ર - શ્રદ્ધાનો - ભરોસાનો - વિશ્વાસનો પત્ર છે, માત્ર માગણી નથી, ગુણવત્તાના પ્રમાણો પણ છે. નવી જનરેશન સુધી નવા સ્વરૂપે, નવા માધ્યમ દ્વારા, મૂળ પરંપરાને સાચવીને જ્યારે કશુંક રિક્રિએશન થાય ત્યારે સર્જન પ્રક્રિયાના અજવાળા રેલાય છે.