‘અહીં આવતાં જ ગુજરાતના અસ્સલ આતિથ્યનો અણસાર મળે છે...’ ‘આના લીધે ટ્રાઈબલ ટુરિઝમનો વિકાસ થશે...’ ‘ગુજરાતના વિવિધ પ્રદેશોની મૂળ ભાતીગળ સંસ્કૃતિનો અહીં અહેસાસ થાય છે...’ આવા ભાવનાત્મક વાક્યો જેના માટે બોલાયા તે જગ્યાઓ એટલે તોરણ વીલેજ, ગામ - લીન્ડા ટેકરા, તાલુકો - નસવાડી, જિલ્લો - છોટા ઉદેપુર અને રાજ્ય - ગુજરાત.
ગુજરાત ટુરિઝમ સાથે મળીને ઈમેજીનેશન ડિઝાઈને આ એક નોખું-અનોખું ગામ ઊભું કર્યું છે પીપીપી ધોરણે. થોડા સમય પહેલાં અહીં યોજાયેલા બે દિવસીય આદિવાસી લોકનૃત્ય મહોત્સવમાં અમદાવાદના પનઘટ સંસ્થાના ચેતન દવે અને જયેશ પ્રજાપતિ સાથે જવાનું થયું અને આ મનોહારી જગ્યામાં પ્રકૃતિને મબલખરૂપે અનુભવી. એકાદ લાખ ફૂટમાં ફેલાયેલા આ ‘તોરણ વિલેજ’માં આવનારના મોબાઈલ ફોન ક્યારેક જ ચાલુ રહે છે અને એટલે જે સ્વજનો હોય એમની સાથે અને જાત સાથે વધુ સમય રહેવા મળે છે. ચૈત્ર સુદ પૂનમના દિવસોમાં મોડી રાત્રે ખાટલા ઢાળીને વરસતી ચાંદની ઝીલતા ઝીલતા તારા દર્શનનો અનુભવ અણમોલ રહ્યો.
ગુજરાત પ્રવાસન નિગમના માધ્યમથી ઈમેજીનેશન ડિઝાઈન કંપનીના શ્રી પ્રબીન અવલંબે આ તોરણ વીલેજ ઊભું કર્યું છે, જેમાં એમના પત્ની બાલીબહેન બારોટ સતત સાથ આપી રહ્યા છે. ‘તોરણ વીલેજ’નો વિચાર ક્યાંથી આવ્યો? પ્રશ્નના જવાબમાં પ્રબીનભાઈ કહે છે કે ‘મારા પાંચ વર્ષના દીકરા અર્શે સાવ સહજભાવે એક વાર કહ્યું કે ‘દૂધ થેલીમાંથી આવે...’ ને મને થયું કે આપણે બેક ટુ રૂટ્સ જવું જ પડશે. મેં ગુજરાત પ્રવાસન નિગમમાં મારો વિચાર મૂક્યો, અને એક સપનું એમના સહકારથી સાકાર થયું.’
‘તોરણ વિલેજ’માં કચ્છના ભૂંગા પણ છે. મધ્ય ગુજરાતના રાઠવા શૈલીના ઝુંપડા પણ છે ને ડાંગનું બાંબુ હાઉસ પણ છે. રાઠવા, પીઠોરા ને વારલી પેઈન્ટિંગની સાથે કચ્છનું હસ્તકલાનું કામ સુશોભનમાં થયું છે. બાજુમાં તળાવ છે એટલે પ્રાણીઓ અને પક્ષીઓ આવે છે, એક ગૌશાળા અહીં બનવાની છે, મડ પોઈન્ટ પણ બનશે. ઓગસ્ટ 2021માં ભૂમિપૂજન થયાના 60 દિવસમાં જ આ પ્રોજેક્ટ પૂરો થયો અને પછીથી માર્ચ-2022માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી ‘તોરણ વીલેજ’ ખુલ્લું મૂક્યું હતું. અહીં પ્લાન્ટેશનમાં આયુર્વેદિક વનસ્પતિઓ ઊછેરવામાં આવે છે. વળી, ચીકુ-કેરી જેવા ફળાઉ વૃક્ષો પણ ઉછેરાશે. એક ચોક છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, મંદિરમાં આરતી થાય ને કુવેથી પાણી પણ ભરાય. અસ્સલ દેશી ઢબનું રસોડું છે, જ્યાં ઓર્ગેનિક મસાલા અને અનાજથી સાત્વિક રસોઈ બને છે.
પ્રબીનભાઈ અત્યારે રિસર્ચ કરી રહ્યા છે. તેમને અહીં ટ્રાઈબલ ઈન્સ્ટ્રુમેન્ટનું મ્યુઝિયમ બનાવવું છે, આંબળાના દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવું છે, લક્ઝરી નથી આપવી ને છતાં જરૂરી તમામ પ્રાથમિક સુવિધા આપીને પ્રવાસીઓ મોજથી જીવે, રાજી રહે એ માટેનો સંનિષ્ઠ પ્રયાસ તેઓ કરી રહ્યા છે.
અહીં યોજાયેલા લોકનૃત્ય મહોત્સવમાં ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થાના કલાકારોએ મેવાસી, સીદી ધમાલ, ડાંગી, રાઠવા, ભવાડા, પાવરી જેવા વૈવિધ્યપૂર્ણ નૃત્યો રજૂ કર્યાં જેમાં શરીરનું સંતુલન, પહેરવેશ, શણગાર, ઊર્જા અને ઉલ્લાસ, વાજિંત્રો વગેરે થકી દર્શકોના મન મોહી લીધા હતા.
થોડા સમય પહેલાં અહીં અમદાવાદના કેટલાક મિત્રો અને કવિઓ આવ્યા ત્યારે મુશાયરાનો માહોલ ઊભો થયો હતો. અહીંના વાતાવરણની અસરને ઝીલી કૃષ્ણ દવેએ લખ્યું છે,
હાલ ગામડે જઈએ
મોટપણાની વંડી ઠેકી, પાછા બાળક થઈએ
ફાનસને અજવાળે
ટમટમ કરતી પડશે રાત,
બધા પટારા ખોલી આવો,
મળશે તો જ નિરાંત
ડેલી જેવું કશું નથી
તો સાંકળ કોને દઈએ?
મનોહર ત્રિવેદીએ લખ્યું છેઃ
તોરણ નામે ગામ, જાણે કે છીપમાં મોતી,
લહેરખી લાવે ફુલની ફોરમ,
આજુબાજુ એ જાય છે જોતી
માધવ રામાનુજે લખ્યું છેઃ
શમણામાં ગોકુળીયું ગામ હોય એવું,
અમે ગુજરાત ગામ અહીં વસાવ્યું,
તોરણ ને ટોડલાને ફળિયું ને ટહુકા,
ને આખું આકાશ પછી આવ્યું...
‘તોરણ વિલેજ’ની વિશેષતા એ છે કે અહીં મોટા ભાગે અહીંની જ માટીને પથરા ને લાકડાને પાણી વપરાયા છે. આવનારા દિવસોમાં ચોમાસાની ભીનાશ અને પછી શિયાળાનો તડકો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે. ટ્રાઈબલ ટુરિઝમ વિકસશે. ધરતીનો ધબકાર ઝીલશે. અહીંના દીવડાનાં-ફાનસના અજવાળાં રેલાશે અને પ્રાકૃતિક સૌંદર્યના અજવાળાંથી અહીંના પ્રવાસીઓના મનમાં પ્રસન્નતા ઝળહળશે.