અહલ્યાબાઇ હોળકરઃ કર્તવ્ય પરાયણ – પ્રજાભિમુખ – સાધુચરિત શાસક

- તુષાર જોષી Wednesday 19th March 2025 05:27 EDT
 
 

ઇન્દોર એરપોર્ટ પર ફ્લાઈટ ઉતરી અને એનાઉન્સમેન્ટ થયું કે ‘ઈન્દોર કે દેવી અહલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપકા સ્વાગત હૈ...’ દીકરીએ તુરંત એના ડેડીને કહ્યું, ‘મને અહલ્યાબાઈ વિશે થોડી થોડી જાણકારી છે, પણ મધ્ય પ્રદેશના આપણા પ્રવાસમાં તમે મને એમના વિશે થોડી વધુ વાત કરજો, હું યે ઈન્ટરનેટના માધ્યમથી જાણીશ.’ ડેડી દીકરીની જિજ્ઞાસાથી રાજી રાજી થયા.

અહલ્યાબાઈનો જન્મ થયો 31 મે 1725ના રોજ ચોંડી ગામમાં. એમના પિતા માણકોજી શીંદે મુખી હતા. તે સમયે સ્ત્રીઓને શિક્ષણ અપાતું ન હતું પરંતુ અહલ્યાબાઈના પિતાએ દીકરીને વાંચતા-લખતા શીખવ્યું હતું. માતાએ ધર્મ - ભારતીય સંસ્કૃતિના સંસ્કારો આપ્યા. એમનાં લગ્ન થયા ખંડેરાવ હોળકર સાથે, 1745માં પુત્ર માલેરાવ અને 1948માં પુત્રી મુક્તબાઈનો જન્મ થયો એમના પરિવારમાં. સન 1754માં એમના પતિની હત્યા થઈ. એ પછી સસરા મલ્હારરાવ અને પછી પુત્રનું પણ અવસાન થયું. આ પછી અહલ્યાબાઈ શાસન પર આવ્યા.
કર્તવ્ય પરાયણ – દાનશીલ – પ્રજાભિમુખ – બાહોશ – ધર્મમય – સાધુચરિત શાસક તરીકે નામના પામ્યાં. સમગ્ર ભારતમાં પોતાની સેવા - ભક્તિ - અભૂતપૂર્વ શાસન દ્વારા અમિટ છાપ છોડી. ભારત વર્ષ એમના પુણ્યશ્લોક દેવી તરીકે પૂજે છે. એક સ્ત્રી શાસક તરીકે પ્રજાકલ્યાણના કયા કયા અને કેવા કેવા કાર્યો કરી શકે? એના પ્રેરણાદાયી ઉત્તરો મળે છે એમના જીવનમાંથી.
એમના કાર્યકાળમાં કરબોજ ઘટ્યો, રાજ્યની આવકમાં વધારો થયો. કાયદામાં પ્રગતિશીલ સુધારા કર્યા, કૃષિ ઉત્પાદનમાં વધારો કરાયો. અનેક તીર્થસ્થાનોમાં અન્નક્ષેત્રો શરૂ કરાવ્યા. કાશી, સોમનાથ, ગયા જેવા અનેક તીર્થોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. બદરીનાથ – મથુરા - હરિદ્વાર – રામેશ્વર – અમરકંટક – ટેહરી - સપ્તશ્રૃંગીમાં ધર્મશાળાઓ બંધાવી. અનેક તીર્થસ્થાનોમાં નદીઓ પર ઘાટ બંધાવ્યા. મંદિરો માટે વાર્ષિક સાલિયાણાની જોગવાઈ કરી. અનેક કિલ્લાઓ, રસ્તાઓ, કુવાઓ અને આરામગૃહોનું નિર્માણ કરાવ્યું. કારીગરો, કલાકારો અને શિલ્પકારોને રોજગારી આપી. કાપડઉદ્યોગ સ્થાપ્યો જેનાથી વિશ્વપ્રસિદ્ધ મહેશ્વરી સાડીનો જન્મ થયો.
એમનો દેહવિલય થયો 13 ઓગસ્ટ 1795ના રોજ. એ પહેલાં ચારેક દાયકાના શાસનકાળમાં અહલ્યાબાઈએ રાજ્ય માટે, દેશ માટે, પ્રજા કલ્યાણ માટે, ધર્મ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું. ધર્મકાર્યોથી તેઓ અમર થયા. એમના કાર્યકાળમાં નાના-મોટા સહુ કોઈ એમને ‘માતોશ્રી’ નામે સંબોધતાં. જે નામ તેમણે એમના જીવન કાર્યોથી સાર્થક કર્યું હતું. પ્રજા માટે આદરણીય માતા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં કાશી વિશ્વનાથ જિર્ણોદ્ધાર સમયે અહલ્યાબાઈ હોળકરના પ્રદાનને ગૌરવભેર યાદ કર્યું હતું. લોકમાતા તરીકે આજે પણ પુજાય છે એમનું વ્યક્તિત્વ. ભારતીય રાજનીતિમાં ઉત્તમ નેતૃત્વ કરનારાં થોડી મહિલાઓમાં તેઓ અગ્રીમ હરોળમાં બિરાજે છે. હોળકર રાજવંશના શાસક તરીકે એમણે આપેલી સેવાઓને ભારત વર્ષ હંમેશા યાદ કરશે. એમની સ્મૃતિમાં મહેશ્વર ખાતે નર્મદા ઘાટ પર એક ઘાટ તથા અહલ્યેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ કરાયું છે.
આપણી સંસ્કૃતિમાં નારીને શક્તિસ્વરૂપા માનવામાં આવે છે, આવા જ એક શક્તિ સ્વરૂપા અહલ્યાબાઈ હોળકરના 300મા જન્મજયંતી વર્ષની ઊજવણી અત્યારે સમગ્ર દેશમાં ચાલી રહી છે, એ પુણ્યશ્લોક વ્યક્તિત્વના દિવ્ય અને ભવ્ય કાર્યોની વંદના થઈ રહી છે ત્યારે ભારતીય સંસ્કૃતિના દીવડા પ્રગટી રહ્યા છે અને એનાં અજવાળાં પથરાઈ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter