‘અરે આપણા ગામની આટલી જાણીતી સેલીબ્રીટી અહીં છે અને અવાજ એની ઓળખ છે, તો એમને તો બોલવાનું કહો.’
એક અધિકારીએ કાર્યક્રમ સંચાલકને કહ્યું. તુરંત જ કાર્યક્રમના આયોજકોને વાત પહોંચાડી અને તુરંત એને નિમંત્રણ અપાયું અને એ કલાકારે એક સુંદર વાર્તા કરી.
પ્રસંગ હતો વર્લ્ડ ઓટિઝમ ડેની અમદાવાદમાં થયેલી ઊજવણીનો. ઓટિઝમના રોગથી ગ્રસિત બાળકોને - દિવ્યાંગોને સમાજજીવનમાં દયા નહીં, પરંતુ પ્રેમ મળે, હૂંફ અને પ્રોત્સાહન મળે એ દિશામાં જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આ કાર્યક્રમનું આયોજન વહેલી સવારે કરાયું હતું.
મેદાન પર ઓટિઝમ ડેના વિશિષ્ટ લોગોની ડિઝાઈન મુજબ અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી આવેલા બાળકો તથા તેમના વાલીઓ ગોઠવાઇ રહ્યા હતા. એમને ઈશ્વરે ભલે ક્યાંક-કશુંક ઓછું આપ્યું હતું, પરંતુ એમના ચહેરા પર ઉત્સાહ-ઉમંગ અને આનંદ હતો. એમના માતા-પિતા અને પરિવારજનો સાથે એમની મસ્તી સાથે, નિજતામાં આ બાળકો મશગૂલ હતા. સાવ ગરીબ પરિવારના બાળકો પણ હતા અને સુખી-સમૃદ્ધ પરિવારના બાળકો પણ હતા. પૂનમ-સંગીતા-મૃણાલ-તનય-આદિત્ય-મયૂર અને નિકેશ જેવા બાળકો હતા.
આ બાળકોને પ્રોત્સાહિત કરવા બહુ મોટી સંખ્યામાં યુવા પેઢી ઉમટી પડી હતી એ સૌથી મહત્ત્વની વાત હતી. બાળકો સાથે ફોટા પડાવવામાં, તેઓની સાથે સેલ્ફી લેવામાં એમને આનંદ આવે એવી પ્રવૃત્તિમાં આ યુવાનો જોડાયેલા હતા. સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત હતા. અમદાવાદના મેયર શ્રી ગૌતમ શાહ તથા અન્ય પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર, રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જે. પી. ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભાર્ગવી દવે સહિત અનેક અધિકારીઓ અને વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત હતા. આરંભે પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા. એ પછી પુસ્તક વિમોચન થયું ને દિવ્યાંગ બાળકો સાથે મહેમાનોએ વાર્તાલાપ કર્યો. કોઈ પ્રવચન હતા જ નહીં. એ દરમિયાન લેખના આરંભે ટાંકેલો સંવાદ થયો.
નામ એનું ધ્વનિત ઠાકર. અમદાવાદના રેડિયો મીર્ચી એફએમ સ્ટેશન સાથે સાતત્યપૂર્ણ એવા ૧૩ વર્ષથી એનો અવાજ અમદાવાદના નગરજનો સુધી પહોંચી રહ્યો છે. અનેક સામાજિક કાર્યોમાં-સમાજજીવનમાં હકારાત્મક ઊર્જા ફેલાવતી વાતો કરવામાં એ અગ્રેસર રહ્યો છે. ધ્વનિતે એક સાવ ટૂંકી વાર્તા રજૂ કરી.
એક રાજા હતો. સ્વાભાવિક રીતે સુખી-સમૃદ્ધ અને ઐશ્વર્યપૂર્ણ સત્તાથી શોભિત હતો. એક નહીં, બે ખોટ ઈશ્વરે એને આપી હતી અને તે હતી એક પગની અને એક આંખની.
એક દિવસ રાજાને ન જાણે ક્યાંથી વિચાર આવ્યો. રાજ્યના તમામ ચિત્રકારોને આમંત્રણ આપ્યું... સહુ ભેગા થયા તો કહે કે તમારામાંથી કોઈ એક અથવા તો સાથે મળીને મારું સુંદર મજાનું ચિત્ર દોરી આપો. શક્ય જ ન હતું કારણ કે શારીરિક ખોડ એક નહીં, બે હતી. બધાંએ ના પાડી. રાજા બગડ્યો. બધાને ઘરે જવાની મનાઈ ફરમાવી. નજરકેદ કર્યાં. એક ચિત્રકાર છેલ્લે હતો તે આવ્યો અને કહ્યું, ‘હું તમારું સુંદર ચિત્ર બનાવીશ.’ રાજા કહેઃ ‘પાક્કું?’ બોલ્યો, ‘હા, પણ એ પહેલાં આ બધાને છોડી મૂકો.’ રાજાએ બધા ચિત્રકારોને છોડી મૂક્યા.
પાંચ દિવસ પછી પેલો ચિત્રકાર જે ચિત્ર બનાવીને લાવ્યો એ જોઈને રાજા અને આખી સભા દંગ થઈ ગઈ હતી. ચિત્રકારે પોતાની દીર્ઘદૃષ્ટિ વાપરી હતી. રાજા વનમાં શિકાર પર ગયો હોય અને એક પગે જમીન પર ગોઠવાઈને એક આંખે તીર-કામઠાંથી શિકાર પર નિશાન તાકી રહ્યો હોય જાણે રાજા! રાજાના શરીરની ખોટ ઢંકાઈ ગઈ અને એક સુંદર ચિત્ર નજર સામે આવ્યું. રાજા ખુશ થયો અને ચિત્રકારને ઈનામ-અકરામ આપ્યા.
•••
જીવનમાં જે નથી એના કરતાં જે છે એનું મૂલ્ય જો આપણે સમજીએ તો જોવાની અને જીવવાની-એમ બંને દૃષ્ટિ બદલાઈ જાય છે.
જીવન આખરે શા માટે છે? કકળાટ માટે કે કર્મ માટે? અશ્રુ માટે કે આનંદ માટે? રોવા માટે કે રમવા માટે? આ પ્રશ્નોના ઉત્તરો જાતને પૂછીએ એટલે આપણને સાહજિકપણે હકારાત્મક્તા રાખવાના ઉત્તરો મળે છે, જીવવાની દૃષ્ટિ મળે છે અને ત્યારે પથ પર અજવાળાં રેલાય છે.
લાઇટ હાઉસ
દુનિયા મેં કિતના ગમ હૈ
મેરા કિતના કમ હૈ...
- એક હિન્દી ફિલ્મી ગીતનું મુખડું