આ સ્થિતિ પણ આવી છે, એવી જશે, ને જીવન પાછું હતું એવું થશે.

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 09th May 2020 06:32 EDT
 

ભાવનગરમાં રહેતા હરમીતના મમ્મી ખુશ છે, કારણ કે દીકરો માત્ર રસોઈ બનાવવામાં જ નહીં ઘરમાં કચરા-પોતાં કરવામાં પણ રાજી થઈને મદદ કરતો થયો છે. વલસાડમાં રહેતા ૮૪ વર્ષના હિંમતભાઈ શાહ કહે છે ક્યારેય કલ્પના કરી ન હતી એમ અમે ઘરના તમામ સભ્યો આટલો સમય ઘરમાં જ રહીએ છીએ અને વળી સહુ સતત, કોઈને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રહીએ છીએ.

વાપીના રહીશ જીતેશ શાહને ફોન કર્યો તો કહે કે ‘હમણાં તો તમે પાંચ-સાત મિનિટ નહીં પચ્ચીસ મિનિટ વાતો કરો તો પણ બહુ સારું લાગે છે.’
અમદાવાદમાં રહેતા અરૂણાબા ૮૦ કરતાં વધુની ઊંમરે ટેરેસમાં આવીને રોજ સવારે વોકિંગ કરે એ તો સમજ્યા, હળવી કસરતો પણ હસતાં હસતાં કરે છે. ગાંધીનગરમાં રહેતા મનોજ શુક્લને એક દિવસે ૧૫-૨૦ ફોન આવ્યા. કારણ? તો એ કે એના લગ્ન સમયની તસવીર ધીરેન પંડ્યાએ ફેસબુક પર મુકીને જેમણે જેમણે જોઈ, એ તમામ મિત્રોએ સ્મરણો તાજાં કર્યાં ફોન કરીને.
વ્યવસાયે વકીલ, પરંતુ સંગીતપ્રેમી અને સહૃદયી મિત્ર મિલન જોષીને હૃદયમાં સંવેદનાનો, વિચારોનો, લાગણીનો એવો પ્રવાહ ચાલ્યો કે એને પોતાને પણ ક્યારેય કલ્પના નહીં હોય એટલું સરળ, સભર અને સાહજિક લખાણ એક લેખકની જેમ લખતા થયા.
સ્તુતિ - ચાહત ને રૂદ્રી જેવી પારિવારિક સખીઓ એમના ફેમિલી ગ્રૂપમાં જૂના જૂના ફોટાઓ મુકતી થઈ અને પછી એના પર કોમેન્ટ માટે સહુ પ્રિયજનો જોડાતા થયા.
ટેરેસની અગાશીમાંથી જ સનસેટ જોઈ રહેલી આશાએ મોટીબહેનને કહ્યું ‘માણસો સનસેટ કે સનરાઈઝ જોવા ક્યાં ક્યાં દોડે છે? આપણે પણ દોડ્યા, પણ આપણા જ ઘરમાંથી આટલો સુંદર સનસેટ દેખાય છે એ આજે જાણ્યું.’
આ અને આવા પાત્રો, આવી ઘટનાઓ, ગામ કે શહેરમાં જ નહીં, દરેક વિસ્તારમાં જોવા મળે છે. લોકડાઉનના આ સમયમાં દેશ હોય કે વિદેશ ઘરમાં જ રહીને લોકો સુરક્ષિતતાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ઘરમાં જ રહેવાને કારણે ઘરનું વાસ્તવિક મૂલ્ય હવે લોકોને સમજાયું છે. ઘર નાનું કે મોટું ક્યારેય હોતું નથી - ઘર બસ ઘર હોય છે. પ્રેમથી સભર ઘરમાં પરિવારજનો સાથે વીતાવી રહેલા સમયનું મૂલ્ય હવે આપણને સમજાય છે. લિફ્ટમાં મળી જાય ત્યારે સાવ અજાણ્યા લાગતા ચહેરાઓને લોકો પોતાની ગેલેરીમાંથી સામેની ગેલેરીમાં જુએ તો કેમ છો કરતા થઈ ગયા છે.
ઘરમાં રહ્યાં રહ્યાં ફૂલ-છોડ સાથે, રમતગમત સાથે, પુસ્તકો સાથે, ગીત - સંગીત સાથે, પંખીઓના કલરવ સાથે, ધર્મગ્રંથો અને ધાર્મિક પ્રવચનો સાથે, જૂના સમયની લોકપ્રિય ટીવી સિરીયલો સાથે, જૂની તસવીરો સાથે, જૂના સંસ્મરણો સાથે, મિત્રો સાથે, એક અર્થમાં નિકટતા વધી છે. લોકડાઉનનો સમય પણ પૂરો થશે જ અને કોરોના બીમારી પણ દૂર થશે જ. સવાલ છે ધીરજ ધરવાનો - સહજપણે સ્વીકારનો.
અતિ કઠિન સમય છે સમગ્ર વિશ્વ માટે અને એટલે મારા-તમારા સહુના માટે. પરંતુ પ્રત્યેક જગ્યાએ એની અસરો ઓછામાં ઓછી થાય, એમાંથી બને તેટલાં વહેલાં બહાર નીકળી શકાય એ માટે શાસનતંત્ર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો થઈ જ રહ્યા છે. ડોક્ટરો-સામાજિક સેવા સંસ્થાઓનો અને જનજનનો હકારાત્મક સહયોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને મળી જ રહ્યો છે. આખરે માણસે ક્યાંક તો ભરોસો મુકવાનો જ છે, સુચવવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું જ છે, અને કવિ મિત્ર માધવ રામાનુજે લખેલા શબ્દોમાં પોઝીટીવીટીને - પોતાના ચિત્તને જોડવાનું છે.
કોઈ મહામારી વધુ ટકતી નથી,
એમ આ સંકટ વધુ ટકશે નહીં,
આ સ્થિતિ પણ આવી છે, એવી જશે,
ને જીવન પાછું હતું એવું થશે.
ઘરમાં રહેવાના સમયને પ્રેમ કરજો,
આ સહજ વાતો બધી અંતરમાં ધરજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter