‘બે-ત્રણ દિવસ ઉપવાસ કર્યા પછી ભોજનમાં તૂટી ન પડાય, સુપાચ્ય આહાર અને પ્રવાહીથી આરંભ થાય.’ લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોકની સ્થિતિમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે સામાજિક આરોગ્ય માટે પણ એ જ નિયમ અપનાવવો પડશે.’ ટોપ એફએમ માટે વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે ઝૂમ પર સંવાદ થયો ત્યારે તેઓએ આમ કહ્યું હતું. ‘અનલોકિંગ ધ ઈનરનેસ’ વિષયે એમની સાથે ખાસ્સી વાતો થઈ, પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે જેમ લાંબા સમયથી બંધ પડેલી ગાડીની પૂરી ચકાસણી પછી ધીમે ધીમે ફર્સ્ટ ગીઅરથી ટોપ ગીઅર તરફ જવાય એમ જ કરવું પડશે. કામ વગર બહાર ન જવું, માસ્ક પહેરવું, દો ગજ દૂરી, બહારથી આવીને સ્નાન કરવું, વારંવાર હાથ ધોવા જેવા તમામ નિયમોનું પાલન કરવું જ પડશે આપણે સહુએ.’
શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સંજોગોમાં કેવી રીતે માર્ગદર્શક બને? એ પ્રશ્નના જવાબમાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે વિષાદયોગ એટલે દુનિયામાં વધેલો ઉપભોક્તાવાદ છે, વિજ્ઞાન દ્વારા થતાં પ્રયોગો વિવેકપૂર્ણ હોવા જોઈએ. આ પ્રયોગો વિકાસલક્ષી હોવા જોઈએ, નહીં કે વિનાશલક્ષી. ઉદ્યોગોનો કચરો યમુના જેવી અનેક નદીઓમાં ઠાલવીને પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે. કૃષ્ણએ પણ યમુનાને દૂષિત જોઈ હતી. યમુનાજી કાલીય નાગથી દૂષિત હતા, પરંતુ કૃષ્ણએ તેને માર્યો નથી, તેને નાથ્યો છે. ઉદ્યોગોને બંધ ન કરવા જોઈએ, કાયદા-કાનૂન થકી નાથવા જોઇએ. કાયદાપાલન ચુસ્ત બને તો ઉદ્યોગોનો સાચા અર્થમાં નિગ્રહ થાય. ઉદ્યોગો હશે તો વિકાસ હશે, પરંતુ વિવેક પણ જોઈશે, આમ થશે તો જ આજનો વિષાદ પ્રસાદમાં પરિવર્તિત થશે. પ્રકૃતિ કરુણામય છે, પ્રકૃતિ મા છે, એનું શોષણ નહીં, પોષણ કરીએ.’
શરીરની સાથે સાથે મનની ઈમ્યુનિટી પણ વધારવી જ પડશે. આ સંદર્ભે પ્રશ્ન પૂછતા પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે મનની ઈમ્યુનિટી વધે તે માટે અધ્યાત્મ છે, સત્સંગ છે, વિધિ અને નિષેધ છે. શું કરવું અને શું ના કરવું એ ધર્મ છે. મનને રોગગ્રસ્ત થતું બચાવવું જ જોઈએ.
ગોસ્વામી તુલસીદાસજીનો સંદર્ભ ટાંકતા તેઓ ઉમેરે છે કે મનમાં કામ-ક્રોધ-લોભ-દોષ છે. એના વિના ચાલે નહીં, પણ એ વિષમ ન થાય એની કાળજી લેવાની છે. એના આવેગમાં ખોટા કર્મો ન થાય તે જરૂરી છે. માનસમાં લખાયું છેઃ ‘કર હી સદા સત્સંગ’ અને શ્રીમદ્ ભાગવત કહે છે કે સદા સેવ્યા... આમ સત્સંગથી ઈમ્યુનિટી વધે છે. સત્સંગ સાતત્યપૂર્ણ પણ હોવો જોઈએ.
લોકડાઉન પછી વિશ્વ કેવું હશે એના વિશે વાત કરતા તેઓએ કહ્યું કે વિશ્વની ગાડી ફરી થોડા સમય પછી પાટે ચડશે પણ કેટલાક ફેરફારો તો આવશે જ. તેઓએ ઉમેર્યું કે ડોક્ટરો કહે છે એ મુજબ આ સદીમાં સતત નવા નવા વાઈરસ આવશે ને એની સાથે જ જીવવું પડશે. લાંબા ગાળાના પરિવર્તનો સ્વીકારીને જ આગળ વધવું પડશે.
આવા કાળમાં માણસની અંદરનું શ્રેષ્ઠત્વ બહાર આવે છે એમ કહીને તેઓએ ગુજરાતમાં ને ભારતમાં વ્યક્તિગતથી લઈને સામૂહિક રીતે થયેલા અને થઈ રહેલા સેવા કાર્યોની વાત કરી, સેવા કરનારાને અને કોરોના વોરિયર્સને બિરદાવ્યા. જેઓ સંપન્ન છે તેઓ તો મદદ કરે પણ મધ્યમ વર્ગનો માણસ પણ પોતાની આસપાસ જરૂરિયાતવાળો માણસ હોય તો તેને સાચવી લે, તેની પડખે ઊભો રહે, મૂંઝાતો નહીં અમે બેઠાં છીએ. એમ કહીને મોરલ સપોર્ટ આપે એ પણ જરૂરી છે. વ્યાપારઉદ્યોગ ક્ષેત્રે અસ્તિત્વ ટકી રહે એ જ નફો હશે. હર રાત કા સવેરા હોતા હૈ, સમાધાનનો સૂરજ નીકળશે અને પ્રસન્નતાથી એના ઓવારણાં લઈએ અને સૌના મંગલની પ્રાર્થના કરીએ. એ વાક્ય સાથે સંવાદ વિરામ પામ્યો ત્યારે ચિત્તમાં ધર્મ અને અધ્યાત્મના માનવધર્મના અજવાળાં રેલાયા હતા.