‘પર્યુષણ પર્વ નિમિત્તે આપને અમારી સંસ્થામાં પ્રવચન માટે આવવાનું છે, વિષય કયો હશે?’ ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળા સંદર્ભે પુછાયું અને અનાયાસ કહ્યું ‘અપૂર્વ અવસર-પર્યુષણ...’ પાંચેક વર્ષ થયા પર્યુષણ પર્વના એ વ્યાખ્યાનને આજે અનાયાસ સ્મરણ થયું કારણ કે પર્યુષણ પર્વ આવ્યું. આપણને માનવ તરીકે નાગરિક ધર્મ - માનવ ધર્મ - રાષ્ટ્ર ધર્મની સાચી સમજ આપતી આવી વ્યાખ્યાનમાળાઓ ઉત્તમ માનવના સર્જનમાં મહત્ત્વનું પ્રદાન કરે છે.
લોકનો શબ્દ પજોસણ છે, ને સંસ્કૃતમાં પરિ + ઉષણા... પરિ એટલે નિકટ અને ઉષણા એટલે રહેવું. આત્માની - ચૈત્યની નજીક રહેવાનું પર્વ તે પર્યુષણ. આ પર્યુષણ પર્વ ‘અપૂર્વ અવસર’ કેમ બને એની સીધી-સાદી, રોજિંદા જીવનમાં આચરણમાં મુકાય એવી વાતો ત્યારે કહી હતી તે અહીં લખી રહ્યો છું.
પર્યુષણ અપૂર્વ અવસર છે એનું પ્રથમ કારણ એ છે કે શ્રાવકને એ આત્માની નજીક લઈ જાય છે. સ્વ ચૈતન્યની ઓળખ કરાવે છે. શરીર અને આત્મા જુદા છે, શરીર જડ ને આત્મા ચૈત્ય સ્વરૂપ છે, શરીર નાશવંત ને આત્મા અમર છે એની પ્રતીતિ કરાવે છે પર્યુષણ. ખુમાર બારાબંકવીએ લખેલો શેર આ સંદર્ભે સ્મરણમાં આવે છે.
કિસી ગુમશુદા કી તલાશ મેં મેરી સારી ઉંમર ગઈ,
મગર ઈત્તેફાક તો દેખિયે, ના અપને દિલ પે નજર ગઈ.
બીજું કારણ તે કે પર્યુષણ માનવને ભગવાન બનવાના ઉપાય બતાવે છે. પર્યુષણના દિવસો દરમિયાન કરેલા કર્મો - સાધના - તપ - સંયમ - દાનથી ભગવાન બની શકાય. તીર્થંકરો કેવા છે? શાંત - સૌમ્ય - સુંદર - ઉપકારી - પ્રેમાળ - ઉદાર.. હવે આપણે પ્રભુ જેવા થવું હોય તો આ ગુણો આપણા સ્વભાવમાં આત્મસાત્ કરવા જોઈએ. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘વત્થુ સહાવો ધમ્મો’ અર્થાત્ વસ્તુનો સ્વભાવ એ જ એનો ધર્મ છે. આપણે વસ્તુ નહીં માણસ છીએ તો વિચારીએ આપણો સ્વભાવ શું છે?
પર્યુષણ અપૂર્વ અવસર છે તેનું ત્રીજું કારણ જીવદયા છે. હવાડા - પરબ - ગૌશાળા - પાંજરાપોળ - પક્ષીઓને ચણ - પશુઓને રોટલી - ભુખ્યાને અનાજ, સાધર્મિકને સહાયમાં તો જીવદયા હોવી જ જોઈએ. જરા બારિકાઈથી વિચારીએ તો પાંચ તિથિએ આપણે ત્યાં કામ કરનારાને કંઈક આપીએ. બીજું કંઈ નહીં તો રજા આપીએ, માનવતાના કાર્યો કરીએ, કોઈનો જીવ ન ખાઈએ, કોઈને સલાહો ન આપીએ એ પણ જીવદયા જ છે.
ચોથું કારણ કે તે જાગૃતિ આણે છે. પર્યુષણ પર્વે કલ્પસૂત્રના ૮ વ્યાખ્યાનો વાંચવાની પરંપરા છે.
અવતાર માનવીનો ફરીને નહીં મળે,
અવસર તરી જવાનો ફરીને નહીં મળે.
સ્તવનના આ શબ્દોને આત્મસાત્ કરીએ. પ્રભુના દર્શન માટેની અને નીતિવાન - પ્રામાણિક - ઉદાર - સહનશીલ - પ્રસન્ન થવાની જાગૃતિ કેળવીએ.
પર્યુષણ અપૂર્વ અવસર છે તેનું પાંચમું કારણ એ કે તે સમયનું મૂલ્ય સમજાવે છે. આપણો અનુભવ છે, ઘડિયાળ સમય બતાવી શકે છે, બચાવી ના શકે. આમતેમ ભટકવામાં જિંદગીની એક પળ પણ બગડે નહીં તેનો ખ્યાલ રાખીએ. એક લક્ષ નિર્ધારિત કરીએ અને એ દિશામાં સતત આગળ વધીએ.
અપૂર્વ અવસર હોવાનું છઠ્ઠું કારણ તપશ્ચર્યા સાથે આ પર્વ અનુસંધાન કરાવે છે. છઠ્ઠ - અઠ્ઠમ - આયંબિલ - ઉપધાન વગેરે તપમાં શરીરને જોડવાથી મન-વચન-કાયામાં હકારાત્મક પરિબળો ગતિશીલ થાય છે. મનના વિકારોને નિર્મૂળ કરીએ એ પણ તપ છે. મૌન પણ તપ છે ને વિવેકપૂર્વ વાણી પણ તપ છે. જીવનમાં આગળ વધવા કરવો પડતો સંઘર્ષ પણ એક તપ છે.
સાતમું કારણ તે મૈત્રી છે, પ્રેમ છે. પર્યુષણ મૈત્રીનું - પ્રેમનું ઝરણ વહાવે છે. જેને પ્રેમ કરતા હોઈએ એને દુઃખી કેવી રીતે કરી શકીએ? એટલે આપણા વ્યવહારોને પ્રેમપૂર્ણ અર્થપૂર્ણ બનાવે છે પર્યુષણ. જૈન ધર્મ વૈશ્વિક છે અને એટલે વિશ્વ પ્રેમનો પણ મહિમા છે.
ક્ષમાપના એ આઠમું કારણ છે જે પર્યુષણને અપૂર્વ અવસર બનાવે છે. પીપલ આર નોટ ડિફિકલ્ટ, જસ્ટ ધે આર ડિફરન્ટ, આટલું સમજાય તો ય ઘણા ઝઘડા - વિવાદોનો અંત આવે. ભૂતકાળ ભૂલીએ - ભવિષ્યને જોઈને ક્ષમા આપવાના આત્મભાવને પુષ્ટ કરે છે પર્યુષણ. કોણ સાચું તે નહીં શું સાચું તે મહત્ત્વનું છે. મુનિચંદ્રવિજયજી કવિ આનંદ લખે છે,
જે રિસાયા છે તે આવી ભેટશે ઘરઆંગણે,
તું હૃદયનું રક્ત સિંચી ગીત પ્રેમનું ગાય તો.
પર્યુષણમાં સ્વાત્માની શુદ્ધિ કરવાની છે, જીવાત્માની મૈત્રી કરવાની છે, ધર્માત્મા સાથે પ્રીતિ કરવાની છે, મહાત્માઓના સંગમાં ભક્તિ કરવાની છે ને પરમાત્માની શરણાગતિ સ્વીકારવાની છે. માનવજીવન તો અમૂલ્ય છે જ, શ્રેષ્ઠ કર્મો થકી એને વધુ મૂલ્યવાન બનાવવાનું છે.
પાપો ખરી પડે તેવું પર્વ પર્યુષણ છે. મને ન ગમે તે સામેની વ્યક્તિને પણ ન ગમે એવું વિચારીને વ્યવહાર કરવો જોઈએ. દરેક શરીરમાં આત્માનું દર્શન તો બાહ્ય દર્શન છૂટી જશે.
મહાનિંદ્રામાંથી જાગીને મોક્ષ તરફ જવાનું પર્વ છે પર્યુષણ. સ્વકેન્દ્રિત જીવન પદ્ધતિને સર્વકેન્દ્રિત કરવાનો સંદેશ આપે છે પર્યુષણ. ખમે અને ખમાવે તે સાચો આરાધક છે એની અનુભૂતિ કરાવે છે પર્યુષણ. હિંસકતા - લોલુપતા - સ્વાર્થ - શત્રુતા - ભટકવાથી ઉગારે છે પર્યુષણ. પર્યુષણ પર્વના મર્મના - તત્વના - સત્વના દીવડા પ્રગટે છે ને અજવાળાં રેલાય છે.