અવધૂ... એટલે સન્યાસ આશ્રમમાં રહેવાવાળો પરિવ્રાજક, સંન્યાસી... જોડણી પ્રમાણે જોઈએ તો અ+વધૂ અર્થાત્ જે એકલો હોય.
અવધૂ એક સંબોધન છે, આ સંબોધન સાથે જોડીને જૈન ધર્મની એક ભક્તિ નિમિત્તે આનંદની આત્માનુભૂતિને અનુભવવાનો અવસર મને મળ્યો ને આનંદ આનંદ થયો.
ગાયક-લેખક ને સ્વરકાર દોસ્ત આશીષ મહેતા સાથે છેલ્લા બે કરતાં વધુ વર્ષોથી જૈન મુનિ અને કવિ શ્રી આનંદધનજીના પદો પર આધારિત એક ભક્તિ કાર્યક્રમ વિશે વાત થઈ રહી છે એનો શુભારંભ કદાચ આ ભક્તિથી થયો.
વ્યક્તિને પોતાને આનંદની અનુભૂતિ થાય એની અભિવ્યક્તિ એટલે આત્માનુભૂતિ. થોડું રિસર્ચ કરતા જે જાણકારી મળે છે તદ્અનુસાર આનંદધન 17મી સદીમાં થયા હતા. જન્મ રાજસ્થાનમાં થયો, બચપણનું નામ લાભાનંદ... માઉન્ટ આબુ, જોધપુર, ગુજરાતમાં વિશેષ રહ્યા. યશોવિજયજી સાથે મિલન થયું. બે મહાપુરુષોનું એ દિવ્ય મિલન હતું, એ સંદર્ભે એક પદમાં આનંદધન લખે છે.
‘આનંદધન કહે જસ સુનો બાતાં,
યેહી મીલે તો મેરો ફેરો ટલે....’
જેમણે આત્માનુભૂતિ કરે છે એવા એક અવધૂ બીજા એક જ્ઞાનીને હિતશિક્ષા આપી રહ્યા હશે એ કેવી દિવ્ય પળ હશે.
એના દ્વારા રચિત આનંદધન ચોવીસી દાર્શનિક ગ્રંથ છે, જેમાં 24 સુક્ત હોય... મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલીમાં આનંદધનનું એક પદ સામેલ કર્યું છે.
રામ કહો, રહેમાન કહો કોઉ,
કાન કહો મહાદેવરી,
પારસનાથ કહો કોઉ બ્રહ્મા,
સકલ બ્રહ્મ સ્વયમેવરી...
આનંદધન કહે છે, રામ એ છે જે સ્વ-સ્વરૂપમાં રમણ કરે છે, રહેમાન એ છે જે બીજા પર કરુણા કરે છે, કૃષ્ણ એ છે કે જે કર્મોનું કર્ષણ કરે છે, મહાદેવ એ છે જે નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે, પાર્શ્વનાથ એ છે જે બ્રહ્મસ્વરૂપનો સ્પર્શ કરે છે, જેને બ્રહ્મની અનુભૂતિ થાય છે એ જ બ્રહ્મ છે.
એમના મત અનુસાર આત્માર્થી સાધક કોઈ પ્રકારની કામના નથી કરતા, કારણ કે જ્યાં કામના આવે છે ત્યાં સ્વાધીનતા નથી રહેતી. આત્માને સાધ્ય એવો અલૌકિક, આધ્યાત્મિક આનંદ છે જે પૂર્ણ છે, શાશ્વત છે. એક પદમાં આનંદધન કહે છે,
અનુભવ અગોચર વસ્તુ હૈ રે
જાનવો એહી રે લાજ,
કહન સુનન કો કછુ નહીં પ્યારે,
આનંદધન મહારાજ
ગુરુકૃપાની અનુભૂતિ જેને થઈ હોય એ જ જાણે, સામાન્ય રીતે શિષ્ય ગુરુનો હાથ ઝાલે, પણ પરાકાષ્ઠા ત્યારે આવે જ્યારે અનાયાસ - સહજપણે ગુરુ શિષ્યનો હાથ ઝાલે... ગુરુ શિષ્યરૂપી પથ્થરમાં એક અદભૂત શિલ્પ કંડારી આપે છે.
પ્રેમલક્ષણા ભક્તિમાં સાધક પોતાને, પ્રેમીને, પરમાત્માને પ્રિયતમ માને છે. આનંદધન કહે છે,
ઋષભ જિનેશ્વર પ્રીતમ મ્હારો,
ઔર ન ચાહું રે કંત,
રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે રે
ભાંગે સાદિ અનંત.
એક ભક્તિ પદમાં સ્વને જે લય લાગી છે, તુહી તુહી સાથે તાર જોડાયો છે એની વાત કરતા આનંદધન લખે છેઃ
‘હમારી લય લાગી પ્રભુ નામ
કોઈ કબીરા, કોઈ મીરાં,
ગાવત આત્મરામ...
આબુ કી ચોટી પર પહુંચા,
ફટ ગઈ પૈર કી ચામ,
આખિર એક ગુફા જા બેઠા,
હો ગઈ નીંદ હરામ...
આનંદધનના પદોના ગાયનનો કાર્યક્રમ યોજાયો તેનું નિમિત્ત હતું મુમુક્ષુ પ્રિન્સીબહેન દિલીપભાઈ દોશીની પ્રવજ્યા ગ્રહણ. દીક્ષાગ્રહણ નિમિત્તે હિતશિક્ષાના પદોમાં કલાકારો અને શ્રોતાઓ એકાકાર થયા. અશ્વિનભાઈ બાબુભાઈ અદાણી પરિવારના નિમંત્રણથી સહુ ભક્તિમાં ભાવસભર બન્યા.
આનંદધન ક્યારેક અવધૂને સંબોધીને સ્યાદવાદની વાત કરે છે તો ક્યારેક સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખ કરાવે છે. તેઓ લખે છે કે ‘અમે તો આનંદના સમૂહરૂપી ચૈતન્યમય મૂર્તિ છીએ.’ યોગીરાજ આનંદધનના પદો વાચનાર-સાંભળનાર-સમજનારને આનંદની આત્માનુભૂતિ થાય છે. આનંદની યાત્રા અને યાત્રામાં આનંદ જાણે એકાકાર થાય છે આપણી અંદર પણ જ્યારે જ્યારે આત્માનુભૂતિના દીવડાં પ્રગટે છે ત્યારે ત્યારે શુદ્ધ સમજણના અજવાળાં રેલાય છે.