‘મને લાગે છે કે આજથી હવે મારે તારું ‘ખાસ’ નામ પાડી દેવું છે.....’ નીલાએ નીલને કહ્યું. ‘તો તો મારે તને પગે લાગવું પડશે, નામ પાડીને ફૈબા બનવાનો જો લ્હાવો લેતા હો તો...’ મસ્તીમય અદામાં નીલ ઝુક્યો અને નીલાને પગે લાગ્યો ને બોલ્યો, ‘પણ મારું નામ તો કહો...’ અને નીલાએ એના ગાલ પર ચીમટી ભરતાં કહ્યું, ‘આજથી તું મારો રંગ છે. હવે તારું નામ રંગ... રંગ જેણે મને રંગી નાખી, રંગ જે મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે, રંગ જે હવામાં છોળ બનીને ઊડતો રહે છે અને રંગ જે પાણીમાં ભળી રંગીન થઈ ભીંજવતો રહે છે.’
બંને એકબીજાને વહાલથી વળગી પડ્યા અને ધૂળેટીના તહેવારે દોસ્તોની સાથે લોકજીવનના એ મેળામાં ઓતપ્રોત થઈ ગયા. બંને બાળપણથી સાથે જ ભણ્યા, એક જ સોસાયટીમાં રહેવાનું, એટલે મોટાભાગે રમવા - જમવા - ભણવા - ફરવાનું પણ સાથેને સાથે જ. બંનેની મૈત્રી ક્યારે પૂર્ણકાલીન પ્રેમમાં પરિવર્તિત થઈ એ એમને ભલે ખબર ના પડી, પરંતુ નીલાની મમ્મીને તો ખબર પડી જ ગઈ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કરી રહેલી દીકરીને એમણે સીધું જ પૂછ્યું, ‘બેટા, નીલ સિવાય કોઈ છોકરો તારા ધ્યાનમાં હોય તો કહેજે નહિતર, હવે એના જ નામે રંગાઈ જા...’ ને દીકરી માને વળગી પડી. માએ વળી નીલના મમ્મીને વાત કરી તો કહે કે ‘આ તો અત્યારે જ લાપસીના આંધણ મુકવા જેવી વાત છે.’ આ બંનેના સંબંધોને પરિવારની સ્વીકૃતિ મળી ગઈ. પછી બંને એક વાર હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હોળી-ધૂળેટીના પર્વના આનંદને નિહાળવા અને માણવા આવ્યા હતા. એમના એક દોસ્ત અને આદિવાસી જીવનના અભ્યાસી લેખક વિજયે કહ્યું કે, ‘ગુજરાતના આદિવાસીઓ લોકસંગીત, લોકકલા, લોકસંસ્કૃતિ અને લોકજીવનના વારસદારો અને પ્રહરીઓ છે. ખાવું-પીવું-નાચવું-ગાવું એ એમના ઉત્સવમય જીવનના અંગ છે, ઉત્સવપ્રિય આ પ્રજા પોતાના ઉત્સવો આગવી અને એમની પરંપરાગત શૈલીથી ઊજવે છે. અખાત્રીજ, નાગપંચમી, વાઘ બારસ, દશેરા, દિવાળી અને એમાંય હોળી-ધૂળેટીના તહેવારમાં આ લોકો જે રીતે જિંદગી માણે છે એ જોઈને પણ મોજ આવી જાય.’
પાંચેક દિવસના પ્રવાસમાં સહુ દોસ્તો આદિવાસી જનજીવનના વૈવિધ્યપૂર્ણ ઉત્સવમય રંગોને માણી રહ્યા હતા. આસપાસ ખીલેલા કેસુડાના ફૂલો એની રંગછટા અને સાથે સાથે મસ્તી સહુના પર છાંટી રહ્યા હતા. પવન પણ જાણે સુગંધી બનીને અસ્તિત્વના રૂંવે રૂંવે પ્રેમ અને પ્રસન્નતાની સુગંધ પ્રસરાવી રહ્યો હતો. મન મૂકીને નાચતા-ગાતા લોકો, ઢોલ વગાડતા - રંગ ઊડાડતા ઘેરૈયા એ અવિસ્મરણીય દૃશ્યો આંખોને જાણે ભેટ ધરી રહ્યા હતા. અંગે અંગમાંથી પ્રગટતું નૃત્ય જીવનના બધા જ સુખદુઃખથી જાણે પર કરી દેતું હતું. બસ, માત્ર નર્તનનો આનંદ, આનંદની સ્વર લહેરીઓ અને હવામાં ઊડતા રંગો. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી શોભિત ગરિમાપૂર્ણ ચહેરાઓનું સ્મિત.
મૂળમાં માનવ માત્રને પ્રકૃતિને ગમે છે એટલે જ એ પ્રકૃતિના ખોળે રહેતી વખતે જાણે સોળે કળાએ ખીલે છે. લોકજીવનમાં જ્યાં જ્યાં ભાવુકતાની કે ભક્તિની ક્ષણો આવે છે ત્યાં ત્યાં કોઈને કોઈ પ્રકારનું નૃત્ય સ્વરૂપ પ્રગટ થાય છે. લોકનૃત્ય એટલે લોકસમૂહની પ્રસ્તુતિ.
આદિવાસીઓ પોતાની બોલીમાં નૃત્યને ‘ચાળો’ કહે છે. નૃત્યને નાચ પણ કહે છે. ચાળો એટલે ચાલવું. એમના નૃત્યોમાં સતત પગની ગતિ રહેતી હોય છે. ગુજરાતના અંતરિયાળ પ્રદેશો, જંગલો તથા ડુંગરોની તળેટીમાં વસતા આદિવાસી પ્રજાજનોએ તેમની આગવી જીવનશૈલી અને સંસ્કૃતિ ધબકતી રાખી છે. હોળી-ધૂળેટીના ઉત્સવમાં તો એક એક મહિના સુધી, રાતોની રાતો તેઓ નૃત્ય કરતા રહે છે, લોકવાદ્યો વગાડતા રહે છે, ગાતા રહે છે. નૃત્યગીતોમાં યૌવન સહજ મસ્તી, પ્રેમકથાઓ, જીવાતા જીવનની સંવેદના અભિવ્યક્ત થતા રહે છે. હોળી નૃત્યના તાલ–લય–હિલ્લોળ અદભૂત હોય છે.
લોકજીવનના રંગોને, હોળી-ધૂળેટીના પર્વ અવસરે માણીને જ્યારે સૌ પોતાના શહેરમાં પરત ફર્યા ત્યારે એમની પાસે અણમોલ સંભારણાં હતાં. લોકનૃત્યોની સરળતા, સહજતા, સૂરમયી વાતાવરણથી તેઓ સભર હતા. તળપદા ગીતો, લોકજીવનની ઊર્મિઓ, પ્રેમ–પીડા-શૌર્ય–સાહસ, સુખદુઃખની સહજ અભિવ્યક્તિઓ.. આહાહા - કેવું અને કેટલું સુંદર. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે લોકજીવનના અજવાળાં ઝીલતાં ઝીલતાં મનોમન એકબીજાને પ્રેમ રંગે રંગીને પ્રેમમય બનેલાં એ બંને જાણે લોકજીવનના દીવડાં પ્રગટાવવા - અજવાળાં પાથરવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં.