‘યાદી આવી નથી હજુ સુધી...’ મારી એક દોસ્તે, ટીખળના મૂડમાં આધ્યાત્મિક વાતોના સંદર્ભમાં મેસેજ લખ્યો.
વાચકોને થશે કે શેની યાદી? પુસ્તકની? ગીતોની? દિવાળી કે ક્રિસમસ પર્વે કોઇને ગિફ્ટ આપવાની રહી ગઈ તેની? ના, અહીં આમાંથી એક પણ યાદીની વાત નથી. એક એવી યાદીની વાત છે, જેની માણસમાત્રને જરૂર છે, માણસ માત્ર એ મેળવે છે, વધુ મેળવવા માંગે છે તો યે એને એ બધું પ્રાપ્ત થઈ રહ્યું છે એની ખબર નથી અથવા તો અનુભૂતિ નથી.
આ કિસ્સો હમણાંનો જ છે અને સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવતા કોરોનાની બીમારી પછી હવે ૨૦૨૦ના અંત સાથે જાણે અંધકારમાંથી પ્રકાશ તરફ, અશુભથી શુભ તરફની દિશા ૨૦૨૧ના આરંભે દેખાઈ રહી છે. ત્યારે એની વિશેષ માહિતી છે અને એથી જ એ સંવાદ અને એમાંથી પામેલા આનુભૂતિ અહીં પ્રસ્તુત કરવાનો ભાવ પ્રગટ થયો છે.
લેખના આરંભે લખેલો પ્રશ્ન આવ્યો એમાં મૂળ એ દોસ્ત દ્વારા મળેલા એક વિચારસૂત્રમાં છે. એક દિવસે રાત્રિના દસ - સાડા દસ આસપાસ વ્હોટ્સએપ પર એણે મને સૂત્ર મોકલ્યુંઃ ‘શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાને શાંત કરી દો...!’ એટલે એમાં રહેલી ગંભીરતા સમજીને મેં સામે લખ્યું કે, ‘આનંદની ઈચ્છા હોય તો?’ એટલે વળી, આધ્યાત્મિક જવાબ આવ્યો કે, ‘આનંદ બહાર શોધવાથી થોડો મળે? એ તો આપણી ભીતરમાં જ છેને?’ એટલે મેં સહજપણે લખ્યું કે ‘સ્વાનુભવથી કહું છું કે બહારથી પણ મળે... કાલે દસની યાદી આપીશ!’
એટલે એમણે બીજા દિવસે બાહ્ય જગતમાંથી ક્યાં ક્યાંથી આનંદ મળી શકે એની યાદી માંગી હતી.
મારા સ્વ-અનુભવના આધારે બે પાનામાં એ યાદી આપી... આરંભે જ લખ્યું કે આનંદને પામવાની પ્રથમ અનુભૂતિ આપણી અંદર હોવી જોઈએ, પરંતુ મન કે હૃદયમાંથી જ એ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. બાહ્ય જગતમાં એવી અનેક વસ્તુ-વ્યક્તિ કે જગ્યા કે ઘટના જડ-ચેતન જગતમાં છે જે બહાર છે અને આપણને એમાં આનંદ મળે છે, આ આનંદની અનુભૂતિ હૃદય અનુભવે છે એ વાત સાચી પણ પાત્ર-ઘટના-પ્રકૃતિ શરીર બહાર હોય છે. જેમ કે, શારીરિક સ્વાસ્થ્ય... એ બહાર છે અને એ સારું હોય તો જ આપણને આનંદની અનુભૂતિ અંદર થાય છે.
બ્રાહ્મ-મૂહુર્તનો કે સાંજનો કે બપોરનો સમય... ઉગતો... માથે ચડેલો કે ઢળતો સૂરજ, આસપાસ જ પશુ-પંખીની સૃષ્ટિનો અવાજ... ખીલેલા પુષ્પોનો રંગ અને સુગંધ... ઘરના પરિવારના લોકોના હસતાં ચહેરા, એમનો સપોર્ટ - એમની પોઝિટિવિટી થકી બનતું ઘરનું વાતાવરણ આનંદ આપે. સેવા - પૂજા - મંત્રજાપ - વિધિવિધાન - ભક્તિ-ભજન-સત્સંગ... વગેરે વગેરે એ તમામ ઘટનાઓ બાહ્ય જગતમાં સાકાર થાય છે અને માણસ એમાં જોડાય ત્યારે આનંદ અનુભવે છે.
ગીત-સંગીતનું શ્રવણ, ચિત્ર - નૃત્ય - લેખન જેવી કલાનું કોઈ પણ સ્વરૂપ અને કોઈ પણ રમતમાં જોડાવાથી પણ અપાર આનંદ મળે છે, જે બાહ્ય જગતમાં જ છે.
આપણા મિત્રો - દોસ્તો - સ્વજનો - પ્રિયજનો - સગાં-વ્હાલા આપણને મળે - વાતો કરે - સાથે રમીએ, જમીએ, વહાલ કરીએ, ઝઘડીએ કે રડીએ એ આખરે વળગીને ભેટે... એ બાહ્ય અવસરો પણ અનહદ આનંદ આપે.
નોકરી - ધંધો - રોજગાર - વ્યવસાય - તાલીમ કે કારકિર્દીનું સ્થળ - કામગીરી આપણને આનંદ આપે છે.
આધુનિક ટેક્નોલોજી - સુખ-સુવિધા અને તેના દ્વારા મળતી સવલતો આપણને આનંદ આપે છે, એમાં શોધ-સંશોધનને થકી પ્રાપ્ત સાધનોનો ઉપયોગ પણ આવી જાય છે. પ્રવાસ અને પ્રકૃતિ દર્શન થકી આપણને આનંદ મળે છે.
શરીરની તમામ ઈન્દ્રીયો દ્વારા જે કાંઈ પ્રવૃત્તિઓ થાય સ્પર્શ, સ્વાદ, સુગંધ વગેરેની અનુભૂતિ થાય એ પણ બાહ્ય આનંદ આપે છે.
હા, એ દોસ્તે સાચું જ કહ્યું હતું કે અંદર આનંદ હશે તો જ બહાર છલકાઈ આવશે, બહારનો આનંદ એ ભીતરના આનંદનું જ પ્રતિબિંબ છે.
એક સહજ સંવાદમાંથી કેટલી સરસ - ભાવપૂર્ણ ને અર્થપૂર્ણ અનુભૂતિ થઈ એનો અમને બંનેને આનંદ હતો.
આધ્યાત્મિક્તા એમ કહે છે કે આનંદ ભીતર છે, વાસ્તવિક્તા એમ કહે છે કે બહાર પણ છે... બંનેના મધ્યમાં રહીને જ્યારે આપણે આનંદ પામીએ ત્યારે આપણને બંનેમાં રહેલા સત્યની અનુભૂતિ થાય છે.
ઈસવી સન ૨૦૨૧નું વર્ષ હવે શરૂ થઇ ગયું છે ત્યારે આપણને સહુને આવા આનંદની અનુભૂતિ થાય. આનંદના અજવાળા રેલાય એવી શુભકામના.