‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું.
આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે કારમાં જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એક સાથે એક પછી એક બે એમ્બ્યુલન્સ વાન એમની બાજુમાંથી પસાર થઈ એટલે તોરલે સહેજ ગાડી સાઈડમાં લીધી. બે મિનિટ ઊભી રાખી અને મનોમન પ્રાર્થના કરી. પરમાત્માને, પરમ શક્તિને પ્રાર્થનામાં કહ્યું, ‘હે પરમ પિતા, એમ્બ્યુલન્સમાં જે કોઈ દર્દી હોય તેનું સ્વાસ્થ્ય સુધારી આપજે. મારી પ્રાર્થના સ્વીકારજે.’ આંખો ખોલીને દીકરાને કહ્યું, ‘બેટા, જ્યારે જ્યાં સમય મળે ત્યાં જરૂરિયાતમંદ માટે દુઆ કરવી - પ્રાર્થના કરવી એ માનવધર્મ તું પણ યાદ રાખજે.’ આમ કહીને ગાડી સ્કૂલ તરફ હંકારી મૂકીને દીકરાને સમયસર સ્કૂલે ઉતાર્યો ત્યારે મમ્મીને વળગીને બોલ્યો, ‘મમ્મી હું પણ આજથી એમ્બ્યુલન્સ જતી જોઈશ તો તારી જેમ મનોમન પ્રાર્થના કરીશ.’ વ્હાલથી માથું ચુમીને તોરલે વ્હાલ કર્યું ને દીકરો સ્કૂલમાં ગયો.
આવી જ એક બીજી ઘટના...
‘તું કે દીદી ફટાકડા તો હવે ફોડતા નથી તો પછી આટલા બધા કોના માટે લાવી..?’ આટલું બોલીને સ્તુતિની મમ્મી મનિષાએ તરત ઉમેર્યું, ‘તારા પપ્પાને ય ખબર પડતી નથી ને ખોટા ખર્ચા કર્યા કરે છે...’ સ્તુતિ હસતી રહી ને કહ્યું, ‘લાવી છું તો કોઈ કારણ તો હશે ને!’
છેલ્લા થોડા વર્ષોથી સ્તુતિ અને એની બહેને ફટાકડા ફોડવાનું બંધ કરી દીધું હતું. બાધા લીધી એમ નહીં, પરંતુ એ રકમ એમણે એમની આસપાસ રહેતા જરૂરિયાતમંદો - કામ કરનારા - લારીવાળા શ્રમિકો વગેરેના બાળકો માટે મીઠાઈ-ચોકલેટ કે ફટાકડા ખરીદવામાં વાપરવાની શરૂ કરી હતી. મમ્મીને આ સંકલ્પની ખબર નહીં કે ભૂલી ગઈ!
દીવાળીના દિવસોમાં સ્તુતિ ગાડીમાં આ બધું મૂકે ને બહેન ધ્વનિ કે ડેડી સાથે કારમાં નીકળી પડે. આપવાનો આનંદ માણે ને સાવ સહજભાવે સામેના પાત્રના ચહેરા પરનો આનંદ-ઉલ્લાસ જોઈ રાજી થઈને ઘરે પરત આવે.
આવી ઘટનાઓ મારી - તમારી આસપાસ આકાર લેતી જ હોય છે જરૂર છે એમાંથી પ્રેરણા લઈ આપણા જીવનમાં આચરણમાં મૂકવાનો સંકલ્પ કરવાની
•••
વિક્રમ સંવતના નવા વર્ષના વધામણાનો સમય છે. પ્રકૃતિમાં નિત્ય નૂતનતા છે - જે ક્ષણે ક્ષણે આપણને અનુભવાય છે.
બાળપણથી આપણે જોતાં-સમજતાંને શીખતા આવ્યા છીએ કે નૂતન વર્ષના પ્રારંભે કોઈને કોઈ સંકલ્પ લેવો. વ્યક્તિગતથી લઈને સામૂહિક હિતની ભાવના એમાં હોઈ શકે. આવો સંકલ્પ લેવામાત્રથી કોઇ કામ થતું નથી. એને પૂર્ણ કરવા ચોટલી બાંધીને, આદું ખાઈને, જમીન-આસમાન એક કરીને પુરુષાર્થ કરવો પડે છે. પછી પ્રાર્થના કરવી પડે છે ને પરિણામ મળે છે એનો આનંદ હોય છે.
સપના એવા જોવા જે પૂરા કરવાની ક્ષમતા હોય, સંકલ્પો પણ એવા કરવા જે પૂરા થાય એવી પ્રામાણિક કોશિષ આપણે કરી શકીએ અને એ કોશિષ કરવી જ. એ પછી મહત્ત્વનું છે સંકલ્પો થકી મળતો આનંદ... આનંદની અનુભૂતિ થાય ત્યારે એનો અનુભવ કહી નથી શકાતો અને એ જ કદાચ સૌથી શ્રેષ્ઠ અનુભૂતિ હોઈ શકે.
અવલોકન-અભ્યાસ-અનુભવ અને અનુભૂતિ આ બધામાં ફેર છે, પણ એક સામાન્ય બાબત આ બધામાં એ છે કે કોઈને-સ્વજનને-પ્રિયજનને રાજી રાખવાના સંકલ્પો કરીએ - અને એ પૂરા થાય ત્યારે આપણને પણ અનહદ રાજીપો અનુભવાય છે.
પરિચિતોમાં આનંદ વહેંચવાનો મહિમા છે એનાથી વધુ મહિમા સાવ અપરિચિતોના જીવનમાં ક્યારેક નાનકડા દીવડા, સુખ-સમૃદ્ધિના કે આનંદના કે ભૌતિક સમૃદ્ધિના પ્રગટાવવાનો છે.
રોજિંદા જીવનમાં નૂતન વર્ષે આપણે કોઈને ઉમળકાથી મળીએ - ભેટીએ, એમને ગમતી ચીજવસ્તુ આપીએ, એમને ભાવતી વાનગી પીરસીએ, એમને ગમતા પુસ્તકો-ચિત્રો આપીએ, એમની સાથે ફરવા જઈએ, દેવદર્શને વડીલોને લઈ જઈએ. જાણ્યે-અજાણ્યે ભૂલ થાય તો ત્યાં જ માફી માંગીએ. કલાવિષયક પ્રવૃત્તિઓ કરીએ-કરાવીએ. આવા તો કેટલાય કામો છે જેમાં કોઈ મોટો સમય-પૈસા કે બીજું કાંઈ ખર્ચ કર્યા વિના પણ આપણે માણસ તરીકે સામેના માણસને કાંઈ આપી શકીએ એમ છીએ. આપવાનો આનંદ આપણને જીવતા રાખે છે. આવો, નવા વર્ષે આવો આનંદ પ્રગટે એ માટે પ્રેમના દીવડા પ્રગટાવીએ અને એના અજવાળાને ઝીલીએ.
લાઈટ હાઉસ
To get the full value of joy you must have someone to divine it with.
- Mark Twain