આપણા અંતરને અજવાળતો અન્ય પ્રત્યેનો માનવીય અભિગમ

તુષાર જોશી Wednesday 16th November 2016 08:34 EST
 

‘સર, મૈં આપકો હંમેશા યાદ રખુંગા, આપને મુજ પે જો પ્યાર જતાયા...’ ટેક્સી ડ્રાઈવર પન્નાલાલે કહ્યું.

‘અરે ભાઈ, હમકો ભૂલ જાના, કોઈ બાત નહીં. મગર હંમેશા માનવતાપૂર્ણ વ્યવહાર કો યાદ રખના’ જવાબમાં હિમાંશુએ કહ્યું. ઘટના છે ૨૦૦૬ના વર્ષની. વિશ્વપ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂજ્ય મોરારિબાપુની કથાનું આયોજન જાણીતા ઉદ્યોગ જૂથના શ્રી મદનલાલ દ્વારા શ્રીનાથજીમાં કરાયું હતું. આ પ્રસંગે કથાશ્રવણ માટે સાવ અજાણ્યા શ્રોતાઓથી લઈને એમના પ્રિયજનો-મહાનુભાવો શ્રીનાથજી પહોંચ્યા હતા. શ્રીનાથજી બાવાના દિવ્ય સ્વરૂપની ઝાંખી-રામકથાનું શ્રવણ અને સાંજે સૂર-શબ્દની આરાધના વિશ્વપ્રસિદ્ધ કલાકારો દ્વારા થઈ હતી. કથામંડપમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, પાર્કિંગથી લઈને તમામ સુવિધા કાબિલેદાદ હતી.
મિરાજ ગ્રૂપના કાર્યકર્તાઓ-મિત્રો અને ગુજરાતથી ગયેલા મિત્રો દિલીપ કેપ્રી અને ચીમનભાઈએ વ્યવસ્થા સુંદર સંભાળી હતી.
કથા નિમંત્રણ મળવાથી અમદાવાદના પરિવારની ધ્વનિ એના ડેડી તથા ડેડીના મિત્રો હિમાંશુ, પ્રતિક અને પ્રવિણ સાથે શ્રીનાથજી ગઈ હતી.
કથાશ્રવણ-સંગીતનો આનંદ અને આસપાસના પ્રવાસન સ્થળોનો પ્રવાસ એમ સહુ આનંદ લઈ રહ્યા હતા. યજમાન પરિવાર દ્વારા જમવાની ઉત્તમ વ્યવસ્થા હોવા છતાં તેઓ ક્યારેક હાઈવે પર અસ્સલ રાજસ્થાની ભોજન માણવા જતા અને હોટેલના માણસો અત્યંત ભાવપૂર્વક એમને જમાડતા ત્યારે ‘પધારો મ્હારે દેશ’ ગીત જાણે સાર્થક થતું અનુભવાતું હતું.
બસ હવે આવતીકાલે કથાવિરામ થવાની હતી. સવારે ૮-૯ વાગ્યે નીકળી જઈએ તો અમદાવાદ પહોંચી જવાય એવું પ્લાનિંગ વિચારી રહ્યા હતા. આસપાસના સ્થળેથી સાંજે ૫ આસપાસ ઈનોવા કારમાં તેઓ શ્રીનાથજી આવી રહ્યા હતા અને કારના ડ્રાઈવર, મૂળ રાજસ્થાની પન્નાલાલ પર એક મોબાઈલ ફોન આવ્યો. ફોન પૂરો થયા બાદ એ જરા ટેન્શનમાં લાગ્યો. એણે બે-ત્રણ ફોન કર્યા. બે-ત્રણ ફોન આવ્યા પણ ખરા એટલે પ્રતિકભાઈએ કહ્યું, ‘ભાઈ તું કાંઈ ટેન્શનમાં આવ્યો લાગે છે. અહીં હોટેલમાં ગાડી ઊભી રાખ, નિરાંતે આપણે ચા પીએ...’ એણે ગાડી ઊભી રાખી. થોડો વિરામ લીધો એ દરમિયાન સહુએ નોંધ્યું કે એને કોઈના એક્સિડન્ટના સમાચાર મળ્યા છે.
પૂછપરછ કરતા ખબર પડી કે એના ૪ વર્ષના દીકરાને બાઈકસવાર એક્સિડન્ટ કરીને જતો રહ્યો હતો અને ચાર ટાંકા આવ્યા છે. હિમાંશુએ તેને પ્રેમથી સમજાવીને કહ્યું કે, ‘જો તારું ઘર ઉદયપુરથી ૨૦ કિલોમીટર દૂર છે તું આ ગાડી લઈને જઈ આવ. રાત્રે પાછો આવજે... અથવા અમે સવારે બીજા વાહનમાં ઉદયપુર કાલે આવીશું. અથવા અહીં ગાડી મૂકીને જઈ આવ. અથવા અમારા પર ભરોસો હોય તો અમે ગાડી લઈને કાલે આવીશું. તું આજે દીકરા પાસે જતો રહે.’ એક સામાન્ય ડ્રાઈવરને માણસ તરીકે મૂલવીને જે હકારાત્મક અભિગમ પ્રગટ થયો એનાથી તે રાજી થયો. આખરે નક્કી એણે જ કર્યું કે ચિંતાની બાબત નથી. બીજા દિવસે સવારે પાંચ વાગ્યે સહુ નીકળી ગયા. ડ્રાઈવરે સહુને ઉદયપુર તળાવ પર ઉતાર્યા. એ ૪ કલાક ઘરે જઈને આવ્યો. એને નાસ્તો, ફ્રૂટ્સ અને આર્થિક મદદ પણ કરી અને અમદાવાદ આવતા પન્નાલાલે લેખના આરંભે લખેલું વાક્ય હિમાંશુને કહ્યું ત્યારે ગાડીમાં બેઠેલા તમામના હૈયામાં માનવતાપૂર્ણ અભિગમ દાખવી કોઈને હૈયે ટાઢક આવ્યાનો સંતોષ હતો.

•••

તાજેતરમાં મદનલાલ, મિરાજ ગ્રૂપ દ્વારા મોરારિબાપુની રામકથાનું રામદેવરા-રણુંજામાં આયોજન થયું એટલે દસ વર્ષ પહેલાની આ ઘટનાનું સ્મરણ થયું. જ્યારે આપણે વ્યક્તિને નાના-મોટા, સાચા-ખોટાના માપદંડથી નહીં, એના વ્યવસાય સાથે જોડાયેલા હોદ્દાથી નહીં, એને માણસ તરીકે જોઈએ, એના તરફ સૌહાર્દ અને માનવતાપૂર્ણ અભિગમ દાખવીએ ત્યારે મુશ્કેલીના કે આનંદના પ્રસંગોએ તો રાજી થાય જ છે પરંતુ આપણને પણ આનંદ થાય છે અને આવા વ્યવહારોથી જ આપણા જીવનમાં અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ
ઈન્સાન બનો કર લો ભલાઈ કા કોઈ કામ...
(હિન્દી સિનેમાના ગીતનું મુખડું)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter