એક ભાઈ હમણાં એમના અનુભવોના નીચોડરૂપે કહેતા હતા કે ‘ઘણી વાર થાય છે કે જીવનમાં અતિ લાગણીશીલ થવાના અનેક નુકસાન છે, ક્યારેક થાય કે સહજ લાગણીની સાથે નહીં, પરંતુ કેલ્યુલેટેડ બુદ્ધિ સાથે વર્તન કરું, પણ વળી મારામાં રહેલો માણસ જાણે પ્રગટ થાય ને ફરી સહજ લાગણીથી જ જીવું.’
જેમણે એમના અનુભવો કહ્યા એ ભાઈ આર્થિક-સામાજિક રીતે સુખી હતા. હસતો-રમતો પરિવાર ને ખૂબ સારું સંબંધોનું વર્તુળ હતું અને એમાં એ મસ્તીથી જીવે, પણ તોયે એમને ક્યાંક ક્યારેક થયેલા અનુભવોએ એમને દુઃખી કર્યા હતા. એમની અપેક્ષાઓ પણ ન હતી કે જેના કારણે તેઓ દુઃખી થાય. બસ વેદના હતી કે પોતે સંબંધોમાં ક્યાંક ઘસાયા હતા, પોતે સંબંધો રાખ્યા હતા અને સામા પક્ષેથી એમનું દિલ દુઃખાય એવું વર્તન થયું હતું.
આજકાલ માનવીય સંબંધો બહુ જ જટિલ બનતા જાય છે. અંગત ને પારિવારિક સંબંધોમાં પણ નાની નાની વાતમાં બ્રેકઅપ થઈ જાય છે. એક સમય હતો કે જ્યારે સહજપણે બંધાતા સંબંધો ત્રણ-ચાર ને પાંચ દાયકા સુધી માત્ર અકબંધ રહેતા એમ નહીં એ પ્રેમથી ભર્યા ભર્યા રહેતા. એવા સંબંધો મેં પોતે જીવ્યા છે, જેમાં અમે ચાર દાયકા કરતા વધુ સમયના કાલખંડમાં ભરપૂર લાગણીથી જીવ્યા હોઈએ. આ સંબંધો કેમ ટક્યા? એનું વિશ્લેષણ કરવા જેવું જ નથી કારણ કે એમાં સહજ દોસ્તીને પ્રેમ જ જોડાયા હતા. હવે આવા સંબંધોમાં સ્વાભાવિક રીતે વ્યવસાયિક અને અન્ય સંબંધો પણ જોડાય. એ સંબંધો પણ સરસ રીતે સચવાય, પરંતુ ક્યારેક ક્યારેક પેલા ભાઈની વાત પર વિચાર કરીએ અને આપણા સંબંધોને નિહાળીએ ત્યારે સામાન્ય માણસ તરીકે આપણને પણ એમાં તથ્ય લાગે એવું બને. ઘણી વાર એવું બને છે કે સંબંધો નિભાવવાની સમજદારી કે જવાબદારી માત્ર આપણા પક્ષે જ હોય એવું પણ અનુભવાય. સંબંધો છે એટલે આમ ન કરાય, આમ ન કહેવાય એ જાણે આપણા માટે જ હોય એવું બને.
ફળોનો રાજા કેરીની મૌસમ હવે પૂરી થવામાં છે. હમણાં જ કોઈ કેરીના સંદર્ભ સાથે વાત કરતું હતું કે કેટલીયે વાર જાણતા-અજાણતા માણસો બીજા માણસો સાથે કેરી સમજીને વહેવાર કરે છે. બરાબર ઘોળીને, એનો રસ કાઢીને પછીથી ગોટલા ને છાલનો પણ ઉપયોગ કરીને છાલ-ગોટલા કચરામાં નાંખી દેવાના. એમ જ માનવી સંબંધોમાં પણ ઘણી વાર બનતું હોય છે. સ્વાર્થવશ માણસ જ્યાં સુધી સામેના પાત્રમાં રસ છે, સ્વાર્થ છે ત્યાં સુધી સંબંધ રાખે, પછી કોઈ ઝઘડા વિના એ સંબંધો પર ત્યાં પૂર્ણવિરામ મૂકાઈ જાય.
વ્યવસાયિક દુનિયામાં કોઈ જ્યારે પોતાના કામની કિંમત કે પુરસ્કાર ન કહે, વાજબી કિંમત ના કહે ત્યારે એમને મહત્ત્વ વિનાના માની લેવામાં આવે છે અને મોટી મોટી ને સાચી-ખોટી વાતો કરનારા ભરપૂર કમાય છે એવું પણ ક્યાંક બનતું હશે. સવાલ હોય છે એ જ કે શું સીધા કે સરળ હોવું અત્યંત લાગણીશીલ હોવું એ ગુનો છે?
પ્રશ્નના ઉત્તર પણ મળે, વ્યક્તિ વ્યક્તિએ જુદા મળે, સમયે સમયે જુદા મળે, પરંતુ મળે તો ખરા જ. મોટા ભાગે દરેક માણસ હવે પોતાની ક્ષમતા કરતાં વધુ ઝડપે દોડી રહ્યો છે, બધાને લઈ લેવું છે, મેળવી લેવું અને એ પણ પાછું બધ્ધું જ મેળવી લેવું છે એટલે આ મનોવૃત્તિની અસરો માનવીય સંબંધોમાં પણ પ્રતિબિંબિત થાય છે.
સરવાળે જે તે સમય-સ્થળ-કામ-વ્યક્તિ વિશે વિચારીને માણસે નિર્ણય કરવો પડે છે. માણસ છીએ એટલે લાગણીથી પર તો નથી રહી શકવાના - સ્વભાવ જે છે તે મુજબ જ જીવવાના છીએ. કોઈએ આપણને વેતરી નાખ્યા છે, આપણી કદર કરી નથી, આપણી લાગણી અને આપણા સ્વભાવ સાથે રમત કરી છે એવું લાગે, આ બધું સમજીને પણ આપણી અનુકૂળતા મુજબ જીવતા રહીએ, લાગણીથી સભર રહીએ ત્યારે જીવનમાં અજવાળાં રેલાય છે.