‘મામા, આ વખતે ક્યાં ફરવા જવું છે?’ બેંગલુરુથી ભાણેજ અદિતીએ ફોનમાં પૂછ્યું અને મેં સહજભાવે કહ્યું કે, ‘બેટા, તને જ્યાં મન થાય એવા સ્થળોનો પ્રવાસ ગોઠવ... આપણે તો બસ પ્રકૃતિના ખોળે આનંદ કરવો છે.’ અને સાચ્ચે જ અમે પરિવાર સાથે કર્ણાટકના કેટલાક મનોહારી અને નયનરમ્ય સ્થળોના પ્રવાસે જઈ આવ્યા. 2019માં પણ ચીકમંગલુર તથા આસપાસના સ્થળોમાં પ્રવાસનો આનંદ લીધો હતો. આ વખતે અમદાવાદથી પહેલા મુંબઈ ગયા, ત્યાં બે દિવસ રહ્યા અને ત્યાંથી પહોંચ્યા બેંગલુરુ. એક સમયે બગીચાઓના નગર તરીકે ઓળખાતું આ શહેર એની મનભાવન મૌસમી અસરને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. આઈટી સહિતના ઉદ્યોગો અહીં વિસ્તાર પામ્યા છે. ઘરે પહોંચીને અમે ઓરિજિનલ દક્ષિણ ભારતીય સ્વાદનો નાસ્તો કર્યો. પિયરથી ભાઈ–ભાભી અને બહેન આવ્યા હોય એટલે બહેનના ઘરમાં જાણે સહુ માટે ઉત્સવ થઈ ગયો હોય એવું વાતાવરણ હતું. ઉત્સવ હોય અને ખરીદી ના હોય એવું તેમ કેમ ચાલે?
બેંગલુરુની માર્કેટમાં ખરીદી કરી. મસ્ત મસ્ત ફિલ્ટર કોફીનો સ્વાદ લીધો અને બેંગલુરુથી 60 કિમી દૂર ચિક્કબલ્લાપુર જિલ્લાના નંદી હિલ્સમાં સ્થાપિત આદિયોગીની દિવ્ય મૂર્તિના દર્શન કર્યા. ઈશા યોગ ફાઉન્ડનેશનના શ્રી જગ્ગી વાસુદેવ કે જેઓ સદ્ગુરુ નામે જાણીતા છે એમણે અહીં નવું કેન્દ્ર શરૂ કર્યું છે. નાગામંડપ અને 112 ફીટની આદિયોગીની પ્રતિમા દર્શનાર્થીઓને આકર્ષિત કરે છે.
એ પછી પ્રવાસનો આરંભ કર્યો ઐતિહાસિક શહેર મૈસૂરથી. જગનમોહન પેલેસની ભવ્યતા જોઈને આંખ ઠરે અને ત્યાંનો ગાઈડ ઈતિહાસની વાતો કહેતો જાય ત્યારે એક ફિલ્મ જોતાં હોઈએ એવું જ લાગે. શ્રીજયચમારાજેન્દ્ર આર્ટ ગેલેરીમાં મૈસુર અને તાંજોર શૈલીના પેઈન્ટિંગ્ઝ, મૂર્તિઓ, સંગીતના વિવિધ વાદ્યો અને રાજા રવિ વર્માના ચિત્રો આપણને આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત સાથે જોડી આપે છે.
મૈસુરથી માત્ર 19 કિમી દૂર આવેલું શ્રી રંગપટ્ટણ કાવેરી નદીની શાખાઓ વચ્ચે ભૌગોલિકરૂપે એક દ્વિપ પર વસેલું નગર છે. અહીંનો ઈતિહાસ જગપ્રસિદ્ધ છે અને શ્રીરંગનાથ સ્વામી મંદિર તથા અન્ય દર્શનીય સ્થળો પણ પ્રવાસીને આનંદની અનુભૂતિ કરાવે છે.
આ વિસ્તારમાં કર્ણાટક ટુરિઝમ સંચાલિત મયુરા રિવર વ્યુમાં રહેવાનો આનંદ કંઈ નોખો જ રહ્યો. આપણે વાત કરીએ તો આપણો અવાજ પણ લાઉડ લાગે એવી નીરવ શાંતિ, નદીનો ખળખળ વહેતો નાદધ્વનિ. ગોળ છાબડા જેવી હોડીમાં જળવિહારનો અને પછી જળમાં ભીંજાવાનો આનંદ મળ્યો એટલે સહુ જળતત્વની ભીનાશથી ભીંજાઈ ગયા. પ્રકૃતિની સમીપે ચા કે કોફી પીતાં પીતાં મૌન થઈને બેસીએ ત્યારે જાણે સ્વયં પ્રકૃતિ આપણી સાથે સંવાદ કરતી હોય એવી અનુભૂતિ માણવાનો લ્હાવો જેણે માણ્યો હોય એને જ એ આનંદની અનુભૂતિ હોય.
એ પછી ઉડુપીના જગવિખ્યાત કૃષ્ણમંદિરે દર્શન કર્યાં. મંદિરોના શહેરરૂપે જાણીતા આ શહેરમાં આસપાસ જંગલ, સમુદ્ર, કલા અને સંસ્કૃતિના ધબકાર ઝીલાય છે. માલપે બીચ, કોડી બીચ, ડેલ્ટા બીચ વગેરે સ્થળોના નજારાને માણ્યો. એક ઝૂલતા બ્રીજની પણ મુલાકાત લીધી. એક મોનેસ્ટ્રીમાં પણ દર્શન કર્યા અને ત્યાં થતાં સામૂહિક પાઠના ધ્વનિને અનુભવ્યો. આસપાસના આ સ્થળોની મુલાકાતનો આનંદ ઔર વધ્યો જ્યારે બેકવોટરના કિનારે સરસ હોમ-સ્ટે મળ્યું.
એ પછી શિવમોગા જિલ્લાના હિલ સ્ટેશન અગુમ્બે પહોંચ્યા. આ સ્થળ દક્ષિણના ચેરાપુંજી તરીકે જાણીતું છે અને દૂરદર્શનની ધારાવાહિક ‘માલગુડી ડેઝ’નું શૂટિંગ અહીં થયું હતું એ રીતે પણ જાણીતું છે. પહાડી રસ્તાઓ, આસપાસ વિસ્તરેલી હરિયાળી, વહેતી ઝરણાંઓ અને પારંપરિક સ્વાદના વ્યંજનો. રહેવા માટેનું હોમ–સ્ટે પણ એટલું જ વિશાળ અને સારું મળ્યું હતું. આ પ્રવાસમાં પાછાં ફરતાં ભદ્રાવતી ગામે એક પારિવારિક સ્વજનના ઘરે બપોરના ભોજનનો આસ્વાદ અને આનંદ લીધો. ત્યાંથી પરંપરા મુજબ એ પરિવારની મહિલાએ અમારી સાથેની મહિલાઓનું કંકુતિલક કર્યું. શ્રીફળ–વસ્ત્ર આપ્યા અને ભાવપૂર્ણ સન્માન કર્યું. આ આખીયે પરંપરા સાચ્ચે જ હૃદયને સ્પર્શી ગઈ.
પ્રવાસ અને એમાં પણ પરિવાર સાથે, પ્રિયજનો સાથે પ્રવાસ થાય ત્યારે આપણે એક પ્રકારે સમૃદ્ધ થતાં હોઈએ છીએ. આ સમૃદ્ધિ આપણા બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વમાં એક ઉજાસ પાથરે છે, આપણને પ્રકૃતિની અને સંસ્કૃતિની નજીક લાવે છે અને આપણી આસપાસ પ્રવાસના કારણે ફેલાતા પ્રસન્નતા અજવાળાં ફેલાય છે.