‘હું આ પ્રોગ્રામ લાઈટ બંધ રાખીને બાલ્કનીની ફૂલ વિન્ડો ખોલી નાંખીને એકદમ લો વોલ્યુમ પર સાંભળું... બહુ મજા આવે.’
માત્રને માત્ર સમર્પિત સ્નેહનો દાયકાઓનો જેમની સાથે પારિવારિક સંબંધ છે એવા એક સ્વજને મોબાઈલમાં લખ્યું અને મારી આસપાસ જાણે શબ્દ-સૂર-સ્નેહની ત્રિવેણી પ્રગટ થઈ ગઈ. વાત જાણે એમ કે ગુજરાતના આઠ શહેરો ભરૂચ, ગોધરા, મહેસાણા, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળથી પ્રસારિત થતાં TOP FMના રેડિયોમાં રજૂ થતો મારા શો ‘મનની મજલિસ’ના એ નિયમિત શ્રોતા. આ શોમાં લાગણીની-પ્રેમની-મન-મસ્તીને મૌસીકીની વાતો રજૂ કરતો રહું અને સાથે જોડાતા જાય મનભાવન ગીત-ગઝલ. આમ શેર-શાયરી, કવિતા અને સંગીત સાથે ભાવપૂર્ણ અવાજનું પંચામૃત જાણે પીરસાતું જાય.
એક કલાકાર તરીકે, એક પર્ફોમર તરીકે કોઈ સહૃદય શ્રોતા-ભાવક રાજી થાય, અભિનંદન આપે ત્યારે જરૂર આનંદ થાય, વધુ સારી પ્રસ્તુતિ માટેની જવાબદારી પણ જાગૃત થાય. આખરે એકબીજાને જોડવાનું કામ કરે છે સંગીત. સંગીતમાં એ તાકાત છે કે આપણને એ મૌનની-આંસુઓની અપાર સમૃદ્ધિ આપે છે.
સંગીતના કાર્યક્રમો સાથે અને કલાકારો સાથે જેમનો દાયકાનો સંબંધ રહ્યો છે એવા માધવી ઓઝા કહે છે, ‘સંગીત તો શ્વાસ છે’ તો સંસ્કારનગરી ભાવનગરમાં રહીને જેઓએ માત્ર સંગીતના શોખને સંવર્ધિત કરવા ઉચ્ચ અધિકારીની નોકરીમાંથી પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી તેવા શ્રી રાજેશ વૈશ્નવ કહે છે, ‘સંગીત માટે મારે કહેવું હોય તો હિન્દી પંક્તિ કહીશ... સંગીત હૈ શક્તિ ઈશ્વર કી, હર સૂર મેં બસે હૈ રામ, રાગી જો સુનાયે રાગિની, રોગી કો મિલે આરામ.’
હમણાં ટીવી પર એક ચેનલની ચર્ચામાં જેઓ સંગીત થેરાપી પર પણ સુંદર કામ કરી રહ્યા છે એવા ડોક્ટર મિત્ર કેદાર ઉપાધ્યાયે વિવિધ રાગો અને તેની માનવ-સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે વાત કરી હતી. મનને શાંત કરે છે, વિચારોને સ્થિર કરે છે અને હૈયામાં હામ ભરે છે ગીત-સંગીત. સંગીત પ્રત્યે જેઓ સમર્પિત છે, સંગીતને જેઓ દાયકાઓથી માણે છે એવા શ્રોતાઓ અને કલાકારો એ વાતનો અનુભવ ધરાવે છે કે સંગીત માણસને હસાવે પણ છે ને રડાવે પણ છે. એ દર્દના સમયનો પણ સહારો છે ને આનંદના સમયે નાચવું હોય તો ત્યારે પણ ગીત-સંગીત આપણને સાથ આપે છે.
ઘણી વાર આપણને ખ્યાલ પણ ન હોય કે અરે આમને સંગીતનો આટલો બધો શોખ છે? એવું પણ આપણી આસપાસના લોકોમાં બને. છેલ્લા અઢી દાયકાથી જેમની સાથે દેશ-વિદેશ ફરવાનું થાય એવા પરમ મિત્ર હેમંત સુરૈયા સાથે એક વાર દસ દિવસ મસ્કત રહેવાનું થયું. રોજ રાત્રે મોડે સુધી જાગતા હોઈએ અને તેમણે ફરમાઈશ શરૂ કરી, આ ગીત સંભળાવો, આ ફિલ્મના આ ગીતો સંભળાવો, ને જે તે ફિલ્મ કે કલાકારો સાથે જોડાયેલી એટલી વાતો કરી કે મારા માટે સુખદ સંભારણું બની ગઈ એ યાદદાસ્ત. માત્ર સંગીત એક જ એવું માધ્યમ છે, જે આપણને વીતેલા સમયના સંસ્મરણો-જૂના દિવસોની યાદ-જૂના મિત્રો-ઘટનાઓ-પ્રસંગો-બધાની સાવ નજીક લઈ જઈ શકે છે. રેડિયો પરથી રજૂ થતા ગીતો અને તેમને રજૂ કરનાર પ્રેઝન્ટર તથા શ્રોતાઓ વચ્ચે ખૂબ લાંબુ અંતર હોય છે. પરંતુ સંગીતથી જાણે એ અંતર ઓગળી જાય છે.
હા, એને માટે પેલા સ્વજને લખ્યું છે એમ મન-હૃદયની ફૂલ વિન્ડો ખોલવી પડે અને વોલ્યુમ લો રાખવું પડે એટલે કે એ સમયે આપણા મનના અન્ય કોલાહલોને શાંત કરવા પડે. દલીલો-તર્ક-આયોજનોનો ઉચાટ ને ભૂતકાળના કર્મોનો ડર – કેટકેટલું લો વોલ્યુમ પર આવે ત્યારે હૈયાના તાર સાથે સંગીતના સૂરોના અને ગીતના શબ્દોના તાર એક થઈ જાય છે. આવું થાય છે ત્યારે સૂર-શબ્દના અજવાળાં રેલાય છે.