આપણું જીવન પણ એક પતંગ છે...

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 13th January 2021 06:53 EST
 

‘મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં પગંત લુંટવા માટેનું ઝાડું અમે ખાસ બનાવતા...’ ‘સવારના સાડા પાંચ-છએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું દર્શન કરવાના અને તલની લાડુડી વહેંચવાની...’ ‘ફિરકી સરખી રીતે કેમ પકડી ન હતી? એમાં મારો પતંગ કપાઈ ગયો...’ કહીને નાની બહેન જોડે ઝઘડો કરવાનો... અને આપણો જ પતંગ આકાશમાં ચડતો હોય, કોઈ મસ્તી કરવા આપણી જ ફિરકીમાંથી દોરો તોડી નાખે અને ઢીલ દેતા પતંગ જતો રહે ત્યારે આવું કેમ થયું એનું આશ્ચર્ય આંજીને ઉદાસ થઈ જવાનું... મમ્મીએ બનાવેલા ઊંધિયું-પૂરી ખાવાના ને સૌથી પહેલા અંધારામાં પતંગ ચલાવીને સૌથી છેલ્લે સુધી અંધારામાં પતંગ ચલાવવાના...

કેટકેટલા સંસ્મરણો, પતંગ પર્વ સાથે જોડાયેલા હોય છે. પતંગ પર્વ - ઉતરાયણ એટલે ઊરમાં એટલે કે હૈયામાં મસ્તી અને પ્રેમની આણ... પતંગો પણ જોવાના અને આસપાસની અગાસીઓમાં આવેલા ચહેરાઓ પણ જોવાના... કેટલાક કિસ્સાઓમાં એ ચહેરાઓ ઉત્તમ મિત્ર બની જાય ને કેટલાક જીવનસંગાથી પણ બની જાય... પરિવાર-પડોશીઓ અને પ્રિયજનો સાથે ઉજવાતો ઉત્સવ એટલે મકરસંક્રાંતિ...
આકાશમાં મીઠો લાગતો તડકો હોય, સરસ ગીતો વાગતા હોય, અગાસી કે ધાબા પર ઢગલાબંધ નાસ્તો પડ્યો હોય, ગોગલ્સની આરપાર જતી દૃષ્ટિ આકાશ પર હોય ને આકાશમાં રંગબેરંગી, વિવિધ કદ-આકારના મનભાવન પતંગો ઊડતા હોય... કાઈપો છે... ને લપેટ લપેટ...ના જોરદાર અવાજ સાથે આનંદથી થતી ચિચિયારીઓ આસપાસ ગુંજતી હોય... કેવું મજાનું - ખુશી અને આનંદ આપનારું વાતાવરણ અને આ દૃશ્ય હોય છે મકરસંક્રાંતિના દિવસનું...
એ સમયે એટલે કે કિશોર અને યુવાઅવસ્થામાં સમયમાં મકરસંક્રાંતિ એટલે જાણે કે એક મહિનાનો ઉત્સવ હતો... હવે એ બધું છે જ પરંતુ પચાસ પ્લસ પછીની ઉંમરે એમાં જીવનની ફિલસુફી પણ અનુભવાય છે.
મારા પ્રિય શાયર રાહત ઇન્દોરીએ એક ગઝલમાં શેર લખ્યો છે, જેમાં પતંગ અને જીવનને જોડ્યા છે.
જિંદગી ક્યા હૈ, ખુદ સમજ જાઓગે,
બારિશો મેં જાકે પતંગે ઉડાયા કરો.
વરસાદમાં જ નહિ, વરસાદ વિના પણ પતંગ ઊડાડવો એ એક રમત છે, એક કલા છે, એક આવડત છે. પતંગ ઊડાવનારે પતંગ ન ઊડે તો હારવાનું નથી. હવા ઓછી હોય કે વધુ, બહાના કાઢ્યા વિના પતંગ ઉડાડવાનો છે. માત્ર ઉડાડવાનો એમ નહિ, બાજુની અગાસીવાળા એને કાપી ન નાખે એનુંયે ધ્યાન રાખવાનું છે. આકાશમાં ઉપર જાય પછી વધુને વધુ ઊંચાઈ પર એને મોકલવાનો છે અને રમતના ભાગરૂપે બીજાના પતંગો કાપવાના પણ છે.
આ બધ્ધું જ આપણા જીવનમાં - રોજિંદી ઘટનાઓમાં બરાબર બંધ બેસે છે. કાર્ય કોઈ પણ હોય, નિષ્ફળતા અનેક વાર મળશે, પણ હાર નથી માનવાની. ઠુમકા લગાવીને થાકી ગયા તો નહિ ચાલે, ને આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધ્યા પછી કોઈ આપણને પાડી ન દે, નુકસાન ન કરે તેની પણ સાવચેતી રાખવાની છે. માન-સન્માન ત્યારે જ મળે છે જ્યારે કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરો છે અને ઊંચાઈ પ્રાપ્ત કરનારના પગ ખેંચવા નીચેના તૈયાર જ હોય છે, એની પણ ખાતરી રાખવાની છે. પતંગ નીચે આવે પછી કોઈ લેતું નથી અને લે તો વેચી દે છે, એવું જ જીવનમાં પણ છે.
પતંગ તો જ બરાબર ઊડે જો કનેતર બરાબર બંધાયા હોય, જો હવાનો સપોર્ટ બરાબર હોય અને ચડાવનારનો પૂરતો કંટ્રોલ હોય. જિંદગીમાં પણ એવું જ છે. પારિવારિક સંબંધોમાં સંવેદનશીલતાનું સંતુલન હોય, પરિવારનો પ્રેમ હોય અને પરિસ્થિતિ પર કાબુ મેળવે એવું મજબૂત મન હોય, તો જ આગળ વધી શકાય છે. પરસ્પર ભરોસો હોય તો જ પતંગ ટકી શકે, જે જે બાબતે આપણને પતંગ પર્વ ખુશી આપે ને એ જ વિચારધારા - એ જ શૈલી જો જીવનમાં અપનાવીએ તો આપણને પણ આનંદ મળે - ખુશી મળે.
જીવન પણ એક પતંગ જ છે અને એના થકી આપણે પણ ખુશ રહી શકીએ અને બીજાને પણ ખુશી આપી શકીએ.
મકરસંક્રાંતિ - પતંગોત્સવ આવે એટલે સંભારણાઓ-પાત્રોને પ્રસંગો મનને ઘેરી નળે... પતંગ ઊડાવવાનો એક આનંદ છે અને તેને ઊડતા જોવાનો બીજો, ને વળી એના વિશે લખવા-બોલવાનો ત્રીજો આનંદ છે એ મેં અનુભવ્યો છે.
સુર્યનારાયણનું પણ પર્વ છે મકરસંક્રાંતિ અને એ સંદર્ભે સુર્યના ઉજાસના અને પતંગ પર્વના આનંદના અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ
શાયરનું નામ ખબર નથી એવો એક શેર
અપની કમજોરિયોં કા જિક્ર, કભી ના કરના જમાને મેં,
લોગ કટી પતંગ કો, જમકર લૂંટા કરતે હૈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter