તારીખ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમગીતોનો - અર્થપૂર્ણ સંવાદનો એક શો ડિઝાઈન કર્યો હતો. બધુંયે આયોજન થઈ ગયા પછી હવે આયોજકોએ કહ્યું ‘પહેલી નજરે થઈ જતા પ્રેમ જેવું જ, પહેલી વાર વાંચે ને સાંભળે તો ગમી જાય એવું ટાઈટલ આપજો’ ને અનાયાસે વાક્ય ઉચ્ચારાઈ ગયું - ‘Love હી Life હૈ’
પછી સમજાતું ગયું કે આ વાક્ય આકર્ષિત કરે કે ગમી જાય એ જ માત્ર જરૂરી નથી, પરંતુ એ વાક્ય આપણે પળ પળ જીવીએ એ પણ જરૂરી છે. ગીતોની વચ્ચે કોમેન્ટ્રીના બદલે પ્રિયજનને લખાયેલા પત્રો થકી પ્રેમ પ્રગટ થતો રહ્યો. એ કાર્યક્રમ જાણે પ્રેમ ઉત્સવ બની રહ્યો. એ કાર્યક્રમનું સ્મરણ કરતા કરતા પ્રેમ - ઉર્મી હૃદયમાં છલકાતી રહી અને પ્રેમ - મૈત્રીનો એક મધુર પત્ર સહજપણે લખાઈ ગયો.
પ્રિય,
આ બે અક્ષરનું સંબોધન લખવામાં બે કલાક ગઈ હશે... તું મારા માટે શું છે એને અભિવ્યક્ત કયા શબ્દોમાં કરું? તારી સાથેની મારા પ્રેમ અનુભૂતિ તો શબ્દોથી પર છે, એટલે આખરે માત્ર પ્રિય જ લખ્યું છે... આરંભ - પ્રવાસ - યાત્રા અને અંત બધું પ્રેમ જ છે. કોઈ એક નામ અને સ્વરૂપથી પણ જે આગળ લઈ જાય છે, નામ વિનાના, હેત વિનાના સંબંધો સુધી એ જ તો પ્રેમ છે. સકળ વિશ્વના પ્રશ્નોમાં પણ પ્રેમ છે ને એના ઉત્તરોમાં પણ પ્રેમ છે. માનવ માત્રની પ્રથમ અને અંતિમ જરૂરિયાત પ્રેમ છે ને એ પ્રગટ થાય છે પ્રિય માટે, મારી વાત કરું તો તારા માટે... તને પ્રેમ કરું છું એથી જ સમગ્ર સૃષ્ટિ પ્રેમમય લાગે છે.
આપણા સંબંધને કોઈ એક નામ આપીને એને દાયરામાં કેદ કરવાનું તને કે મને ક્યારેય નથી ગમ્યું. પરોઢ પણ તું છે, પંખીનો મધુર કલરવને ઝરણાનો નાદ પણ તું છે, ધરતી અને આકાશ... પ્રકૃતિના કણકણમાં તું છે...
‘હું તને પ્રેમ કરું છું’ એવું કહેવાની ક્યારેય જરૂર એટલે નથી પડી કે કહ્યા વિના પણ સમજે એવી અર્થપૂર્ણ મૈત્રી ને પ્રેમ તારા માટે છે. મૈત્રી એક અર્થમાં પ્રેમનું જ સ્વરૂપ છે. પ્રેમમાં માપીને નહિ, પામીને સમૃદ્ધ થવાય છે, આ અમીરીની તોલે વિશ્વની કોઈ સમૃદ્ધિ નથી આવતી. એક માણસ એના પ્રિયજનને અહેતુ ચાહે એનાથી વધુ મંગળ ઘટના બીજી કઈ હોઈ શકે? જેમને જેમને આવા પ્રિયજન - મિત્ર મળ્યા છે એ મહાભાગ્યશાળી છે. એના માટે આઠે પ્રહર - ચોસઠ ઘડી પ્રેમના ને પ્રસન્નતાના જ હોય છે.
તારામાં એટલો ઓતપ્રોત રહું છું કે હું લખું ત્યારે થાય કે તું વાંચે છે, બોલું ત્યારે થાય કે તું સાંભળે છે, શ્વાસમાં તું ધબકે છે ને મંદિરની મૂર્તિમાં પણ તું દેખાય છે.
દીવા પ્રગટાવું ત્યારે અનુભવાય છે કે વાટ, ઘી, દીવાને અજવાળું બદ્ધું જ પ્રેમ છે. પ્રેમી કે મિત્ર સાથે ન હોય ત્યારે પણ એ અહેસાસથી સાથે જ હોય છે. સર્વસ્વ સમર્પિત કરીને જે મળે છે એ પ્રેમ છે.
ઘણી વાર બોલચાલની ભાષામાં આપણે કહીએ છીએ કે, ‘એ વ્યક્તિ પ્રેમમાં પડી છે...’ પ્રેમ કોઈને પાડે કેવી રીતે? પડેલાને ઊઠાવે, ભાંગેલાને હામ આપે, નિરાશને હાશ આપે એ પ્રેમ છે. પ્રેમ બસ હોય છે, એના પ્રમાણો નથી હોતા. પ્રેમ છે એની અનુભૂતિ જ જીવાડે છે. કોઈ મને કે તને પ્રેમ કરે છે એની અનુભૂતિ થાય એ પળ પ્રેમ સાક્ષાત્કારની - અસ્તિત્વના અણસારની હોય છે.
ભજનમાં જેમ ભક્તને ભરોસો હોય છે એમ પ્રેમને પ્રિયજનમાં - પ્રેમમાં ભરોસો હોય છે. પ્રેમ સમજણની કસોટી કરે છે, પ્રેમ સચ્ચાઈની કસોટી કરે છે.
પ્રેમ હંમેશા મનોરથ સેવે કે પ્રિયજન આનંદમાં રહે, જીવનમાં મર્મને પામે અને જિંદગી જલસાની જેમ જીવે... બહુ બધું લખાઈ રહ્યું છે અને બહુ બધું લખાયા વિના મૌન પ્રેમમાં સમાઈ રહ્યું છે.
એક બાઉલ ગીતનું સ્મરણ થાય છે પ્રેમ આમાર પારસમણિ... શુદ્ધ પ્રેમ પારસમણિ જેવો છે. તારા માટે મારા હૃદયમાં આવા પવિત્ર પ્રેમની અનુભૂતિ પળ પળ થતી રહેશે એવી શ્રદ્ધા સાથે અહીં વિરમું છું? - પ્રેમમય પ્રિયજન
•••
ખુશી જીસને ખોજી વો ધન કે લે કે લૌટા,
હંસી જીસને ખોજી વો ચમન લે કે લૌટા,
મગર પ્યાર કો ખોજને જો ચલા વો,
ના તન લે કે લૌટા, ના મન લે કે લૌટા.