સરસર વહેતી હવામાં નવા સ્વર છે, પંખીઓના મધુર કલરવમાં નવું સંગીત છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એના થકી ચિત્તમાં હૃદયમાં નવા વર્ષના આરંભનો આનંદ છે. વિક્રમ સંવત 2079શરૂ થઈ ચૂક્યું છે. નવું વર્ષ એટલે નવી દિશા - નવા સંકલ્પો - નવા શિખરો સર કરવાના મનોરથો અને એ દિશામાં કરવાનો થતો સતત પુરુષાર્થ અને પછી થતી પ્રાર્થના.
નવા વર્ષમાં આપણે ઊર્જા-ઉલ્લાસ અને ઉત્સાહથી જીવનને માણીએ છીએ, પ્રેમ-પ્રસન્નતાથી જીવનને સભર કરીએ છીએ. પરસ્પર શુભકામનાઓ પાઠવીએ છીએ. હળીએ-મળીએ અને ભેટીએ છીએ. માનવીય સંબંધો એનાથી વધુ ગાઢ બને છે, માનવીય સંબંધોમાં લાગણીની ભીનાશ ભળે છે. આ માનવીય સંબંધો આપણને હૂંફ આપે છે, પ્રેમ આપે છે અને જીવવાનું બળ પુરા પાડે છે.
દરેક માણસના જીવનમાં માનવીય સંબંધો જન્મથી જ જોડાયેલા હોય છે. બાળકનો જન્મ થાય એટલે સ્વાભાવિક રીતે એનો સંબંધ બંધાય એના માતા-પિતા સાથે, પરિવાર સાથે, લોહીના સંબંધોના કેટકેટલા સ્વરૂપ અને નામો છે આપણે ત્યાં લોહીના સંબંધો, લોહીની સગાઈ, માણસને ઉછેરમાં, જીવન ઘડતરમાં, સંસ્કાર વહનમાં પળપળ જોડે છે. લોહીની સગાઈ પૂર્વજો સાથે આપણને જોડે છે. પૂર્વજોના સંસ્કારો - એમના આદર્શો અને એમના વિચારોને આગળ ધપાવતો જાય છે એ બાળક. લોહીની સગાઈ થકી જ એને અનેક માનવીય સંબંધોની ઓળખ મળે છે, આ સંબંધો જીવનના અંત સુધી ટકે છે.
હા, કેટલીક વાર ક્યાંક લોહીના સંબંધોમાં કોઈને કોઈ કારણે તિરાડ પડે છે, જિંદગીભરના અબોલા સર્જાય છે, વેર-ઝેર પણ થાય છે અને માનવામાં ના આવે એવી ઘટનાઓ પણ ક્યારેક બને છે. કેટલાક કિસ્સાઓમાં ક્ષમા-કરુણા-સમજાવટ-સદગુણો-સલાહકારોના કારણે ફરી સંબંધો જોડાય પણ છે. આમ લોહીના સંબંધો દરેક માણસ માટે વિરાસત બને છે.
એક સંબંધ લોહીના સગપણનો તો બીજો સંબંધ લાગણીના સગપણનો હોય છે જેની સાથે પહેલા કોઈ પરિચય ન હતો એવા લોકો સાથે થતો પરિચય સમય જતાં પ્રેમમાં પરિવર્તિત થાય છે, એ પ્રિયજન સાથે પારિવારિક ઘરોબો સર્જાય છે અને અહીં લાગણીના સંબંધોનો સાગર ઘૂઘવે છે. બે પાડોશીઓ, બે મિત્રો, બે સહપાઠીઓ, બે સહકર્મીઓ કે બે એક જ ક્ષેત્રના કલાકારો એવા અતૂટ બંધન એમની વચ્ચેના પ્રેમના થાય છે કે લોકો પણ આદરથી એમના સંબંધોને જુએ છે અને સ્વીકારે છે. આવા સંબંધો બે - ત્રણ – ચાર – પાંચ દાયકાઓ સુધી સતત પ્રેમને લાગણીને સંવર્ધિત કરતા રહે છે.
લોહીના હોય કે લાગણીના, વ્યવસાયિક હોય કે પાડોશીપણાના, આખરે દરેક સંબંધ ટકે એના મૂળમાં સિંચિત કરેલા સ્નેહના, સમર્પણના જળથી, ગણતરીપૂર્વકનો લાભ મેળવવા બાંધેલા સંબંધો આખરે ક્યાંક તૂટે છે, જૂઠ પર આધારિત સંબંધોમાં ક્યારેય પારદર્શિતા રહેતી નથી.
સંબંધોમાં જતું કરવાની ભાવના મજબૂત હશે તો જ સંબંધો ટકશે. પોતાના ગમા-અણગમા-જીદ છોડીને જો બધા રાજી રહે એ દિશામાં વિચારીએ તો સંબંધો માત્ર ટકે છે એટલું જ નહીં, પછીની પેઢીઓમાં પણ આગળ વિસ્તરે છે એવો મારો દાયકાઓનો અનુભવ છે.
આ લખતી વખતે મારા અંગત સંબંધોના સ્મરણો મને ભીંજવે છે. ચાર – ચાર દાયકા જૂના સંબંધો હોય કે ચાર વર્ષ જૂના સંબંધો - આ સંબંધોએ મને ભરપૂર જીવંતતા આપી છે.
નૂતન વર્ષે આવા પ્રેમપૂર્ણ અને અર્થપૂર્ણ માનવીય સંબંધોની સુગંધથી આપ તરબતર રહો અને એ સંબંધોના અજવાળાં સતત રેલાતા રહે એવી શુભકામનાઓ.