‘અરે જો, જો, સામે જો...’ અમૃતે કહ્યું.
‘હવે એ પતંગ કપાયો નથી. હજી ઊડી રહ્યો છે’ મિત્ર અશ્વિને જવાબ આપ્યો.
‘અરે પતંગ નહીં, પેલા છોકરાનું ગળું પતંગની દોરીથી કપાયું છે, ચાલ જલ્દી ત્યાં પહોંચીએ...’
અને બંનેએ મદદ કરવા દોટ મૂકી. ૨૨-૨૩ વર્ષનો યુવાન એક્ટિવા સ્કૂટર પર જતો હતો અને અચાનક પતંગની દોરી એના ગળાને વિંટળાઈ વળી. ખૂબ લોહી નીકળતું હતું. બંનેએ હાથરૂમાલ બાંધ્યો, પોતે પહેરેલું શર્ટ કાઢીને બાંધ્યું. એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો, જવાબ મળ્યો કે ૧૫-૨૦ મિનિટ થશે. ક્ષણમાં નિર્ણય લીધો કે સ્કુટર પર જ આને હોસ્પિટલે લઈ જઈએ અને ૧૦ મિનિટમાં પહોંચી ગયા.
અમદાવાદમાં ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીનું કામ કરતો હર્ષ ઓઝા વ્યવસાયના કામો ઉપરાંત માનવતા-બાળકોના ચહેરા ઉપર હાસ્ય લાવવાના કાર્યોમાં-પરોપકારમાં પણ વ્યસ્ત રહે છે. કોઈ સાથે મિટિંગ કરીને, શ્રેષ્ઠ રીતે કામ કરીને એણે પોતાનો વિશાળ ચાહકવર્ગ નાની ઊંમરે ઊભો કર્યો હતો.
ઉત્તરાયણના દિવસે સહુ જ્યારે ઊંધીયું-પુરી ને તલ-શીંગની ચિક્કી આરોગવામાં, ગીતો સાંભળવામાં અને પતંગો ઊડાડવામાં વ્યસ્ત હતા ત્યારે હર્ષ ક્લાયન્ટ સાથે મિટિંગ કરીને સ્કૂટર પર ઘરે ફરતો હતો. મમ્મી હિમાલીબેનને ફોન કરીને કહ્યું હતું, ‘તમે જમતા થાવ, હું પહોંચું છું.’ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાસેથી એ પસાર થતો હતો ને એ સમજે-વિચારે એ પહેલા ક્યાંકથી પતંગની દોરી આવીને વીંટળાઈ ગળા પર. લોહી વહેવા લાગ્યું, એ ફસડાયો, ગભરાયો. આ દૃશ્ય ત્યાંથી પસાર થતા બે યુવાન શ્રમિક પરિવારના મિત્રો અશ્વિન મકવાણા અને અમૃત પરમારે જોયું ને લેખના આરંભે લખેલો સંવાદ કરીને તેઓ હર્ષને હોસ્પિટલે લઈ આવ્યા. ઇમરજન્સીમાં સારવાર શરૂ થઈ. મોબાઈલ સંપર્કોના આધારે એના પપ્પા હર્ષેન્દુ ઓઝા સુધી વાત પહોંચી. એ પણ પહોંચ્યા હોસ્પિટલે. પારિવારિક સ્વજન ચિરાગ પંચાલ આવી ગયો. કોઈએ ફોનથી સપોર્ટ કર્યો તો કોઈ રૂબરૂ પહોંચ્યા. સારવાર શરૂ થઈ. મોટી સંખ્યામાં ટાંકા લેવા પડ્યા, પણ જોખમમાંથી બહાર આવી ગયો. માતા-પિતા માટે તો આ બે યુવાન દેવદૂત જ સાબિત થયા.
હર્ષેન્દુએ રિલેક્સ થયા પછી એમનો આભાર માન્યો તો એક્ટિવાની ચાવી, મોબાઈલ, વોલેટ, લેપટોપ બેગ, કેમેરા બદ્ધેબદ્ધું ગણાવીને આપ્યું અને કહ્યું, ‘આમા શું આભાર!! માણહ માણહને કામ આવે એમાં નવાઈ શું? તમારો દીકરો બચી ગયો એનો આનંદ છ...’ કહી બંને પોતાના ઘરે રવાના થયા.
•••
છેલ્લા કેટલાક વર્ષોથી પતંગ પર્વ દરમિયાન સ્કૂટરચાલકોને ઈજા થવાના અને પરિણામે મૃત્યુ થવાના પ્રસંગો વધી રહ્યા છે. ગુજરાતમાં લોકજાગૃતિ પણ વધી રહી છે એને રોકવામાં એ સારી વાત છે. આવું થાય ત્યારે તાત્કાલિક નિર્ણય લેવો, દર્દીને યોગ્ય સારવાર આપવી, તે માટે વ્યવસ્થા કરવી, હાથવગા સાધનોનો ઉપયોગ કરવો. આમાં કોઠાસૂઝ અને નિર્ણયશક્તિ મહત્ત્વના પૂરવાર થાય છે. આ ઘટનામાં બે છોકરાએ દાખવેલી સમયસૂચકતાથી સાથે સાથે જ એમણે સાહજિકપણે પૂરવાર કરેલી પ્રામાણિકતાનું પણ એટલું જ મહત્ત્વ છે. ઘાયલ થયેલી વ્યક્તિની તમામ ચીજવસ્તુ, દસ્તાવેજો, રૂપિયા-પૈસા, કાર્ડ બધું સાચવીને આપવું અને એ આપ્યા પછી ભાર વિનાના રહેવું. આ ઘટના સૂચવે છે કે હજી પ્રામાણિકતાના ગુણો મરી પરવાર્યા નથી.
પ્રામાણિકતા અને ઈમાનદારીના ગુણો કોઈ સ્કૂલમાં-પુસ્તકમાં નથી શીખવા મળતા. એ માણસની સંસ્કારિતા અને ખાનદાનીમાંથી પ્રકટે છે. ઈમાનદારી અને પ્રામાણિકતા - વાતો કરવાના નહીં જીવનના સદગુણો છે. આવા સદગુણોથી સભર વ્યક્તિત્વો જોઈએ ત્યારે દીવડાં ઝળહળે છે પ્રામાણિકતાના.