‘હું તારી સાથે હમણાં નહીં આવું, મારે એક પુસ્તક વાંચવું છે’ લંડનની એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની માનસીએ બ્રિટિશ ઈંગ્લિશમાં એની દોસ્તને કહ્યું.
‘આપણે હવે ભારત જઈએ તો ચારેય વેદ વિશે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો મેળવીને વાંચવા છે’ પત્ની રતને પતિ કલ્યાણભાઈને લંડનમાં કહ્યું.
અચાનક ઘરમાં થયેલા આ સંવાદોના મૂળમાં કઈ ઘટના હતી? થોડા સમય પહેલાં બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડસમાં નવનિયુક્ત ભારતીય લોર્ડ જિતેશ ગઢિયાએ ઋગ્વેદના પ્રાચીન પાઠના ઉપયોગથી ક્વિન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના સોગંદ લઇને નવો ઈતિહાસ રચ્યો હતો.
ઋગ્વેદ વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ગણાય છે અને આજે પણ એના અભ્યાસીઓ સમગ્ર વિશ્વમાં મળી આવે છે.
તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરને થોડા સમય પૂર્વે જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, યુકે-ઈન્ડિયા સીઈઓ કાઉન્સિલના સભ્ય અને ગુજરાતી મૂળના બિઝનેસમેન ગઢિયાને પાર્લામેન્ટના ઉપલા ગૃહમાં જોડાવા નોમિનેટ કર્યા હતા. લોર્ડ ગઢિયા બ્લેકસ્ટોન ગ્રૂપ - બાર્કલેસ - એબીએન એમરો જેવા વ્યાપારી-આર્થિક સંસ્થાનો સાથે જોડાયેલા છે અને એમની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા થકી એમણે સંસ્થાઓનું કે કંપનીનું અને પોતાનું ગૌરવ વધાર્યું છે.
કિંગ જેમ્સ પ્રથમના શાસનમાં ૧૬૨૧થી ચાલતી પરંપરા અનુસારના સમારંભમાં તેમણે સત્તાવાર સોગંદ લીધા હતા. નવનિયુક્ત સભ્યોને કેટલાક વર્ષોથી ક્રિશ્ચિયન બાઈબલના સ્થાને અન્ય ધાર્મિક પાઠ પસંદ કરવાની પરવાનગી અપાય છે. અલબત્ત અત્યાર સુધી કોઈ બ્રિટિશ ભારતીય લોર્ડે ઋગ્વેદનો ઉપયોગ કર્યો ન હતો. લોર્ડ ગઢિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલો ઋગ્વેદનો ગ્રંથ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
પ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. મેક્સ મૂલર દ્વારા ૧૮૪૯માં તેનું સંપાદન અને પ્રકાશન થયું હતું. લોર્ડ ગઢિયાએ ૧૬૭ વર્ષ જૂનો ગ્રંથ ખરીદીને બ્રિટિશ પાર્લામેન્ટને ભેટ આપ્યો છે. સોગંદવિધિ અને પછીના ભોજન સમારંભમાં તેમના ૯૦ વર્ષીય દાદી ગુલાબબહેન, માતા હંસાબહેન, પત્ની અંજલીબહેન સહિત પરિવારના સદસ્યો, મિત્રો, માનનીય લોર્ડસ, સાંસદો અને નેતાઓ ઉપસ્થિત હતા.
લોર્ડ ગઢિયાએ એ સમયે ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારો આ પ્રવાસ નોંધપાત્ર રહ્યો છે અને સ્નેહીજનો સહભાગી થયાનો આનંદ છે.
ભારતીય સંસ્કૃતિમાં ચાર વેદ - ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ તથા સંહિતા-બ્રાહ્મણ-અરણ્યક-ઉપનિષદો-પુરાણો-શાસ્ત્રોનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. હજારો વર્ષો પહેલાં લખાયેલા આ ગ્રંથોમાં આજના વર્તમાન સમયના જીવનના પણ પ્રશ્નોના ઉત્તરો જોવા મળે છે એ અજાયબી જ છે.
ઋગ્વેદ એ વૈદિક સંસ્કૃતિ પાઠોનો સંગ્રહ છે. ૧૦ ગ્રંથોમાં ૧૦૨૮ ઋચા અને ૧૦,૬૦૦ શ્લોક છે. આજના ભૌતિકવાદની ભૂલોને કારણે વિશ્વ પર્યાવરણ અને સંસ્કૃતિની અવદશા અંગેના ઉપાયો એમાં છે.
‘વેદ’નો અર્થ છે જ્ઞાન અને જ્ઞાનનું લક્ષ્ય છે નિર્માણ, કલ્યાણ, ઉત્થાન. વેદોમાં અનેક દેવતાવાદ નથી અને તેની પૂજાનું વર્ણન નથી, પરંતુ અગ્નિ, ઈન્દ્ર, વરુણ આદિ ઈશ્વરના ગુણવાચક નામો છે. વેદ ભણવાનો અને તેને સમજીને આજના સમયમાં મૂલવવાનો પણ એક વિશેષ આનંદ છે.
•••
સંસ્કૃત ભાષાના ગ્રંથોનું વાંચન ઓછું થઈ રહ્યું છે - વેદ કે ઉપનિષદો વિશે જાણકારી ધરાવનારા લોકો પણ હવે ઓછા મળે છે તેવા સમયે બ્રિટન જેવા દેશનો એક ગુજરાતી યુવાન ઋગ્વેદના પ્રાચીન પાઠના ઉપયોગથી ક્વિન એલિઝાબેથ-દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના સોગંદ લે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વારસદાર તરીકે આપણને સાહજિક આનંદ થાય.
એક એક ઋચા અને એક એક શ્લોકમાં જ્યાં દિવ્યતા ધબકે છે એવા ગ્રંથને આટલો ચાહનારો કોઈ વ્યક્તિ ભારત બહારના દેશોમાં મળે ત્યારે આ ગ્રંથોમાં સમાયેલી ઋષિવાણીને સહજ ભાવે વંદન થઈ જાય છે અને આવી પળે આવા ગ્રંથોના પાનાઓ પરથી માત્ર ભૌતિકરૂપે નહીં, આંતરિક અને આધ્યાત્મિકરૂપે પણ અજવાળાં રેલાય છે.