એક યુવાન વારાણસીમાં હતો, એ સમયના એમના નિવાસ દરમિયાન એક વાર દુર્ગાદેવીના મંદિરેથી તે પરત ફરી રહ્યો હતો. અચાનક ક્યાંકથી વાંદરા આવી ચડ્યા, એની પાછળ દોડ્યા. આગળ યુવાન ને પાછળ વાંદરાનું ટોળું. યુવાન ભાગી રહ્યો હતો. એક સંન્યાસીએ આ દૃશ્ય જોયું. પહાડી અવાજે એ વૃદ્ધ સંન્યાસીએ પેલા યુવાનને કહ્યું, ‘થોભી જા, પશુઓનો સામનો કર...’ આ શબ્દો સાંભળ્યા અને પેલા યુવાનને જાણે દિશા મળી, એને બળ મળ્યું. તે અટકી ગયો, ઊભો રહ્યો, પાછળ ફર્યો તો વાંદરા પણ અટકી ગયા હતા. ક્ષણમાં એ વાંદરા ભાગી ગયા. એ યુવાનને અનાયાસ પોતાના જીવનમાં ઉપયોગી સંદેશ મળ્યો કે મુશ્કેલીઓનો સામનો નિર્ભયતાથી કરવો જોઈએ, ડરીને, ભાગીને ક્યારેય વિજેતા ન થઈ શકાય. એ યુવાન એટલે સ્વામી વિવેકાનંદ.
તા. 12 જાન્યુઆરીએ એમના જન્મજયંતિ છે. સ્વામી વિવેકાનંદના ગુરુ હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ. ગુરુજીના ચરણોમાં સ્વામી વિવેકાનંદે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ભુખ્યા-તરસ્યા રહીને, પોતાની કે પરિવારની ચિંતા છોડીને પણ તેઓએ ગુરુસેવા કરી. ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ અને નિષ્ઠાના કારણે જ તેઓ ગુરુદેવના દિવ્ય આદર્શોને આચરણમાં મુકી શક્યા. અધ્યાત્મ વિદ્યા અને ભારતીય દર્શન વિના વિશ્વ અનાથ થઈ જશે તે વિચારમાં એમનો દૃઢ વિશ્વાસ હતો. આધ્યાત્મિક વિચારોનો પ્રસાર કરીને પણ તેઓએ યુવાનોના હૃદયમાં પોતાના વિચારોથી સ્થાન પામ્યા. સ્વામી વિવેકાનંદને દેશ પ્રત્યે તથા યુવાનો માટે વિશેષ પ્રેમ હતો. એમના રોમેરોમમાં રાષ્ટ્રભક્તિ હતી. એથી જ તેઓ રાષ્ટ્રના ગરીબ લોકોની સેવાને જ પોતાની ઈશ્વરપૂજા માનતા હતા. માત્ર પોતાનું નહિ કરોડો દેશવાસીઓના ઉત્થાન માટે તેઓ સતત કાર્યરત રહ્યા.
સ્વામી વિવેકાનંદે યુવાનોને સંબોધીને જે વાતો કહી તેમાંની એક એ છે કે ઊઠો, મારા સિંહો, એ ભ્રમ દૂર કરો કે તમે નિર્બળ છો, તમે તો એક અમર આત્મા છો, ધન્ય છો, સનાતન છો, બીજા એક સૂત્રમાં તેઓએ કહ્યું છે કે કોઈની ક્યારેય નિંદા ન કરવી. તમે કોઈની મદદ કરી શકો તો કરજો, ના કરી શકો તો કંઈ નહીં... પૈસાનો ઉપયોગ બીજાની ભલાઈ માટે થાય તે એ પૈસા ઉત્તમ છે... સત્યને હજારો રીતે રજૂ કરી શકાય, અને તો પણ સત્ય તો સત્ય જ છે.
જે યુવાનો માટે આવા શબ્દો લખાયા છે એ જ યુવાનોને પ્રિય, એમ કહોને કે દરેક વ્યક્તિને યુવાન અને ઊર્જાવાન બનાવી દે એવો તહેવાર મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી ઊજવાશે. મકરસંક્રાંતિ - ખીહર – ઉત્તરાયણ એમ અનેક રીતે ઊજવાય છે. આ ઉત્સવ મૂળમાં સૂર્યની ગતિ સાથે જોડાયેલો છે. સૂર્યવંદના સાથે જોડાયેલો છે. એનું જ્યોતિષશાસ્ત્ર – ધર્મશાસ્ત્ર – અધ્યાત્મશાસ્ત્ર સાથે જોડાણ છે. આ દિવસે સૂર્યસ્નાનનો મહિમા છે તો નદીમાં સ્નાનનો અને તલ–ગોળ ખાવાનો પણ મહિમા છે. પતંગ ઉત્સવમાં પતંગના રંગ – કદ – દોરી - કિન્ના - ગુંદર – પતંગ ચગાવવો - પેચ લગાવવા - કાપવો - લપેટવો આ બધા પ્રસંગો સાથે ક્યાંક ને ક્યાંક માનવજીવન અને માનવસ્વભાવ જોડાયેલા છે. જેમ પતંગના આકાશમાં ઊડવામાં સંતુલન મહત્ત્વનું છે એમ જ દરેક વ્યક્તિના જીવનમાં પણ સંતુલન મહત્ત્વનું છે.
પતંગ ઉત્સવ દરમિયાન કેટલાયે એવા કિસ્સાઓ બને છે જેમાં બે યુવા વ્યક્તિઓની આંખો મળે છે, પ્રેમ જાગે છે ને પછી જીવનની પસંદગમાં પતંગ–દોરીની જોડ બની જાય છે. આવા પ્રેમીઓ માટે - પ્રિયજનો માટે ઉત્તરાયણનું પર્વ પ્રેમપર્વ બનીને જીવનભર સ્મરણમાં રહી જાય છે.
જ્યારે જ્યારે ઉત્સવ સાથે હવા - ગતિ - રંગો - આકાશ જોડાય ત્યારે ત્યારે સ્વાભાવિક રીતે પતંગ ઉત્સવ ઊજવાય અને સૂર્યનારાયણની સાક્ષીએ ઉત્સવના અજવાળાં ઝીલાય છે.