ઋષિકેશઃ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનો મુકામ

અજવાળું અજવાળું

- તુષાર જોશી Wednesday 25th September 2024 06:17 EDT
 
 

‘બેટા, આ વખતે ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો. ગંગાજીના દર્શન નથી કરી શક્યા. તું દિલ્હીનું કામ પૂરું કરીને પરત અમદાવાદ તારા કામે આવી જજે, અમે ત્યાંથી ત્રણેક દિવસ ઋષિકેશ જઈશું.’ દીકરી સ્તુતિને મેં કહ્યું અને એમ દિલ્હીથી ઋષિકેશ બાય રોડ અમારી યાત્રાનો આરંભ થયો. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાય છે. રાજ્યની સીમાઓ ઉત્તરમાં તિબેટ અને પૂર્વમાં નેપાલ, પશ્ચિમમાં હિમાચલ પ્રદેશ તથા દક્ષિણમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી છે. આ એ જ ભૂમિ છે જ્યાં ગંગાનું ઉદ્ગમસ્થાન ગંગોત્રી, યમુનાનું ઉદ્ગમસ્થાન યમનોત્રી, ભગવાન શિવનું યાત્રાધામ કેદારનાથ અને ભગવાન વિષ્ણુનું યાત્રાધામ બદ્રીનાથ સહિત અનેક તીર્થધામો છે. તળાવો - હિમનદ – પહાડો - ઝરણાંઓ – નદીઓ – ઉદ્યાનો - ફૂલોની ઘાટી, સાંસ્કૃતિક – આધ્યાત્મિક સ્થળો છે અહીં પ્રવાસીઓ માટે શ્રદ્ધાના કેન્દ્રો છે, પર્યટનના આકર્ષણ છે. હરિદ્વાર તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ઉપસ્થિતિથી આદિશક્તિના સ્થાનકોથી ભક્તોને ધન્ય કરે છે. અહીં હર કી પૌડી, કુશવર્ત, કનખલ, બિલ્વતીર્થ અને નીલ પર્વત છે જે પંચતીર્થ નામે ઓળખાય છે. ભવ્ય અને દિવ્ય મંદિરોના દર્શન – ગંગા આરતી અને મીઠાઈનો સ્વાદ આરોગીને યાત્રી પહોંચે છે ઋષિકેશ.

ઋષિકેશ ગાથાઓનું સ્થળ, ગઢવાલ હિમાલયનું પ્રવેશદ્વાર, યોગનગરી વગેરે નામે જાણીતું છે. અહીં ત્રિવેણી ઘાટ પર ગંગા-યમુના-સરસ્વતીનો ત્રિવેણીસંગમ થાય છે. ગંગા આરતી થાય છે. અહીંથી જ ચાર ધામ યાત્રાનો આરંભ થાય છે, હિમાલયના પર્યટન સ્થળોનો પ્રવાસ શરૂ થાય છે. અહીં બંજી જંમ્પીંગ, ફ્લાઈંગ ફોક્સ અને જાયન્ટ સ્વીંગ જેવી સાહસિક રમતોનું પણ આયોજન થાય છે. ગંગાના કિનારે પરમાર્થ નિકેતન, ગીતાભવન, સ્વર્ગાશ્રમ, શિવાનંદ આશ્રમ, ભારત માતા મંદિર, ગાયત્રી મંદિર, કુંજાપુરી મંદિર જેવા અનેક મંદિરો અને આશ્રમોમાં ભારતની સનાતન સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મની ધારા યાત્રિકોને ભીંજવે છે.
મુખ્ય માર્ગનો રસ્તો ઉબડખાબડ છે જે સુવિધાપૂર્ણ થઈ શકે. નાની નાની ગલીઓમાં ફરવાનો - પગથિયાં કે ઢાળ ચડવા - ઉતરવાનો - ખરીદીનો અને ગરમાગરમ નાસ્તા કે ભોજનનો લ્હાવો ઋષિકેશના મધુર સંભારણાં છે.
આ વખતે નિવાસ તપોવનની એક પ્રોપર્ટીમાં હતો જ્યાં રૂમ સુધી જવા માટે 86 પગથિયાં ઉતરવા પડે, પરંતુ પહોંચ્યા પછી થાય કે હવે ક્યાંયે જવું નથી. રૂમની બારીમાંથી પણ અને આગળની વિશાળ ગેલેરીમાંથી પણ સીધા જ ગંગાજીનો ખળખળ ખળખળ વહેતો પ્રવાસ આપણા અણુ અણુને ઝંકૃત કરી દે, આનંદિત કરી દે. વહેલી સવારથી મોડી રાત્રિ સુધી, જ્યારે પણ સમય મળે અહીં બેસવાનું, ચા-કોફી નાસ્તો કરવાના, મનગમતા ગીત–ગઝલ સાંભળવાના અને સ્વયં ઓછી વાત કરીને ગંગાજીના પ્રવાહમાંથી પ્રગટતા એ રવને, એ નિનાદને સાંભળવાનો અવસર સાચ્ચે જ ધન્ય ધન્ય કરી ગયો.
1980થી ઋષિકેશ જવાનો આરંભ થયો છે, અનેકવાર અહીં આવ્યો છું. સંતોના સાંનિધ્યમાં પરિવાર અને પ્રિયજનો સાથે આ ભૂમિના કણકણમાં સમાયેલી ભક્તિને આધ્યાત્મિક્તાને અને પ્રસન્નતાને ઝીલ્યા છે. દર વખતે કંઈને કંઈ નવું ડેવલપ થયું હોય, થઈ રહ્યું હોય... દર વખતે જાતજાતના અનુભવો થાય, ઘટના-પાત્રો બદલાય પણ હા એ બધું જ જીવન જીવવા બળ આપે એવો મધુર સંભારણા આપી જાય છે. જે તે સમયની એ તસવીરો અને જે તસવીરોમાં નથી ઝીલાણી એ પવિત્ર ક્ષણો... આહાહા... આજે પણ એ સંભારણા આંખોમાં આનંદ અશ્રુ લઈને આવી જાય છે અને હૃદયને લાગણીના જળથી ભીંજવી જાય છે.
ઋષિકેશમાં દેશ–વિદેશના પ્રવાસી - યાત્રિક આવે છે, દરેકને જે જે ભાવના છે તે-તે અનુસાર પ્રાપ્ત થતું રહે છે. ઋષિકેશમાં ત્રણ દિવસ રહ્યા અને જે ઉલ્લાસ–ઊર્જા અનુભવ્યા, જે કંઈ અનુભૂતિ થઈ, મા ગંગાના જળના સ્પર્શથી જે ભાવ પ્રગટ થયા એનો આનંદ લાંબા સમય સુધી અજવાળાં પાથરતો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter