‘સાયેબ, અમે ભલે ગરીબ રહ્યા, મજૂર રહ્યા પણ મફત તો ના ફરીએ, લ્યો આ પૈસા મુસાફરી ભાડાના...’ નડિયાદના એક દવાખાના પાસે પોતાની સગર્ભા પત્ની અને આધેડ માસી સાથે જીપમાંથી ઉતરીને એ યુવકે પ્રવિણને કહ્યું.
ચોમાસાના દિવસો અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ હાઈવે એક સરકારી જીપ અનરાધાર વરસાદ વચ્ચે પસાર થઈ રહી હતી. સરકારી કર્મચારીઓ ઓફિશિયલ કામે એમાં જઈ રહ્યા હતા. સડસડાટ પસાર થતી ગાડીના ડ્રાઈવરને ખ્યાલ આવ્યો કે કોઈ મદદ માટે હાથ લાંબો કરી રહ્યું છે, એણે ગાડી રિવર્સ લીધી. એક ગ્રામ્ય યુવક દોડી આવ્યો.
‘સાયેબ, મને તાત્કાલિક મદદ કરો, તમારી ગાડીમાં જગ્યા કરીને અમને નડિયાદ પહોંચાડો.’ દયામણા ચહેરે એણે કહ્યું.
‘અરે, આ વરસાદી મૌસમમાં તારે એવું તું શું કામ છે?’ પ્રવિણે સહજ ભાવે પૂછ્યું.
‘મારી ઘરવાળીને વેણ ઊપડ્યું છે. બાળક આવવાનું છે. ક્યારના ઊભા છીએ. એકેય વાહન ઊભું રહેતું નથી. બસ નડિયાદ પહોંચાડો ભગવાન તમારું ભલું કરશે.’
સહુની સંવેદનશીલતાએ ‘હા’ ભણી અને એ યુવકે એની પત્ની તથા માસીને ગાડીમાં બેસાડ્યા - એ પણ બેઠો.
વાત જાણે એમ હતી કે એક્સપ્રેસ હાઈવેની આજુબાજુના ગામડાં પૈકી કોઈ એક ગામમાં પાંચ-સાત કિ.મી. દૂર આ યુવકનો પરિવાર કાચા મકાનમાં રહેતો હતો. રોજનું રોજ કમાય ને રોજનું રોજ ખાય. પતિ-પત્નીના જીવનબાગમાં એક નવું ફૂલ ખીલવાનું હતું. ઘરમાં આનંદ હતો.
ચોમાસાની મૌસમ હતી. ગમેત્યારે હોસ્પિટલ જવું પડે તેવા દિવસો હતા. અચાનક આભ ફાટ્યું. ચારેકોર વરસાદ... વરસાદ... ઠેરઠેર પાણી ભરાયા ને એમાં વહેલી પરોઢે પત્નીને પ્રસવ પીડા ઊપડી. ૧૦૮ જેવી સેવાનો આરંભ થયો ન હતો અને મોબાઈલ કદાચ એના ખિસ્સાને પરવડતો ન હતો.
નક્કી કર્યું કે છત્રી લઈને ચાલતા ચાલતા એક્સપ્રેસ-વે પર પહોંચી જઈએ, કોઈ વાહન મળી જશે અને પહોંચી જઈશું નડિયાદ. એક સાથીને સાઈકલ સાથે લીધો ને પહોંચ્યા હાઈવે. હાથ ઊંચો કરે - એક ક્રોસ બ્રીજ નીચે ઊભા રહીને, પણ આ તો એક્સપ્રેસ હાઈવે - અને ધમધોકાર વરસાદ - કોઈને લિફ્ટ આપવાથી કેટલીક વાર ઊભા થતા પ્રશ્નો - ઊભું કોણ રહે? એકાદ કલાક થયો, પરંતુ એકેય વાહન ઊભું ના રહ્યું. એવામાં આ વાહન પસાર થયું અને તેમને જીપમાં બેસાડી નડિયાદ ત્વરિત રીતે પહોંચાડ્યા.
ગાડીમાં ઉતરીને એણે પત્નીને તથા માસીને હોસ્પિટલ મોકલ્યા. પાકિટમાંથી થોડા રૂપિયા કાઢીને કહે, ‘લ્યો, આ મુસાફરી ભાડાના પૈસા આપનો આભાર.’ પ્રવિણે કહ્યું, ‘તારા નહીં કોઈના પૈસા ન લેવાય. માત્ર માનવતાના ધોરણે અમે તમને અહીં લાવ્યા છીએ.’ એના જવાબમાં પેલો યુવાન લેખના આરંભે લખેલું વાક્ય બોલ્યો.
આ યુવકની આર્થિક હાલત સમજી ચૂકેલા પ્રવિણ અને મિત્રોએ તેને થોડી રકમ આપી. એ લેતો નહોતો. અમારી બહેન માનીને આપીએ છીએ એમ કહ્યું ત્યારે એણે સ્વીકારી અને હોસ્પિટલમાં દોડી ગયો. પ્રવિણ અને મિત્રોના હૈયે એક સારા કામમાં નિમિત્ત બન્યાનો આનંદ હતો.
•••
સમાજજીવનમાં જ્યાં જુઓ ત્યાં મારે શું? આપણે કેટલા ટકા? આ તો એનો પર્સનલ પ્રોબ્લેમ છે... એવા ભાવથી છટકીને સામાજિક જવાબદારીમાંથી વિમુખ થવાની ભાવનાનું પ્રાબલ્ય વધ્યું છે ત્યારે કોઈને મદદ કરવા ઊભા રહેવું એ તો સારી વાત છે જ, પરંતુ એની સામે એક ગરીબ-પીડિત અને શ્રમિક માણસ પણ ‘હું કોઈ સેવા મફત ન સ્વીકારું’ એમ ખુમારીથી કહે ત્યારે એને પણ સલામ છે.
સામાન્ય રીતે રોજિંદા જીવનમાં સામેના માણસનો ઉપયોગ કરી લેવાની - એનો લાભ મફતમાં લઈ લેવાની વૃત્તિ વધતી જાય છે ત્યારે આવા પ્રામાણિકતાના કિસ્સા જોવા મળે તો વિશેષ આનંદ થાય છે. એમાં પણ ગરીબ - જરૂરિયાતમંદ માણસ આવી પ્રામાણિકતા દાખવે ત્યારે એ વિશેષ અભિનંદનને પાત્ર છે.
લાઈટ હાઉસ
ભગવાન ભક્તની બધી રીતે પરીક્ષા કરે છે. ગરીબાઈ પણ પરીક્ષા માટે આપે છે, અને અમીરાઈ પણ પરીક્ષા માટે આપે છે.