એક પાત્ર હોય છે એવું જેને રંગોથી રંગ્યુ નથી પણ...

અજવાળું અજવાળું

- તુષાર જોષી Monday 10th March 2025 07:38 EDT
 
 

કાવ્ય પાઠ અને શ્રોતા - વક્તા સંવાદ પુરો થયો અને ઉપસ્થિત શ્રોતામાંથી ઘણા બધા એને ઘેરી વળ્યા. ‘તમે તો અમારા મનની વાત કહી...’ ‘તમારા શબ્દોમાં અમારા જ જીવનની વ્યથા-કથા હતી...’ ‘થતું હતું કે તમે જે પાત્રની વાત કરી રહ્યા છો એને જઈને વળગી પડું... એને વળગીને રડી પડું.’

અવસર હતો હોળી-ધૂળેટી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમનો. વક્તાએ હોળી-ધૂળેટીના પર્વનો સામાન્ય રીતે જાણીતો ઈતિહાસ-કથા-સંદર્ભ એની વાત કરીને વાત માંડી હતી રંગોત્સવની. રંગોત્સવ વિશે ઈન્ટરનેટ પર ફરતી પંક્તિઓ કે સંવેદનોની જગ્યાએ એમણે વાત કરી હતી કંઈક જુદી, નોખી-અનોખી.
સામાન્ય રીતે માણસ માત્ર પાસે રંગોત્સવના સંભારણા હોય તો એમાં કોને કોને રંગ્યા? કોણે આપણને રંગ્યા? કેવી મસ્તી કરી, કેવી ધમાલ કરી, મ્યુઝિક સાથે નાચ્યા-ગાયું-ભોજન કર્યું એની યાદો હોય. કોઈની આંખોથી ઊડેલા રંગ ફુવારાને નજરની પીચકારીથી અનુભવેલી ભીનાશની સંવેદના હોય. કેટલા બધા અથવા થોડા પાત્રો આંખ સામે ઝલકી જતા હોય અને રંગોત્સવનું વાતાવરણ શબ્દોથી સર્જાતું હોય.
આજે વક્તાએ એવી વાત કરવાને બદલે શ્રોતાઓને પૂછ્યું કે તમે યાદ કરો એવું પાત્ર, એવો ચહેરો જે તમારા હૈયામાં વસે છે, એનું સ્મરણ તમારા શ્વાસમાં શ્વસે છે, ને છતાં તમે ક્યારેય એની સાથે ધૂળેટીનો રંગોત્સવ નથી માણ્યો - નથી પતંગો ચગાવ્યા કે નથી દિવાળીના દિવસે સાથે મળીને દીવડા પ્રગટાવ્યા. સંભવ છે એ તમારા શહેરમાં જ રહેતું હોય, દૂર પણ હો, અરે એક જ પરિસરમાં કામ કરતા હો, એક જ ટ્રેનમાં અપડાઉન કરતા હો, એક જ જગ્યાએ વાર્ષિક મેળામાં જતા હો... ને છતાં છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં એની સાથે આંખો ચાર થઈ જ ના હોય! સોશિયલ મીડિયા દ્વારા કદાચ એના વિશે તમને બધી જ જાણકારી મળતી હોય, તમે તમારા મોબાઈલમાં એના ફોટા વહેલી સવારે જાગીને કે મોડી રાત્રે સુતી વખતે ભક્ત જેમ ભગવાનના દર્શન કરે એમ જોતા હો... નિરાશાની પળે એનું સ્મરણ આગળ વધવા પ્રેરે, કારમાં એકલા જતા હો તો બાજુની સીટ પર એ બેસી રહ્યા છે અને આપણી સાથે ગીતો સાંભળી રહ્યા છે, એવી અનુભૂતિ હોય, ક્યારેક તો એવું ય બને કે કોલેજલાઈફમાં એ પાત્ર જોયું હોય પછી 30 વર્ષ કે 35 વર્ષેય એનું સ્મરણ. હા, સ્મરણ માત્ર દિલના તાર ઝણઝણાવી જાય ને એ ક્યાં છે એની ખબરે ય ના હોય!

દરેકના નહીં તો ઘણા બધા જીવનમાં આવું એક પાત્ર હોય છે જ. એ સાથે નથી હોતું પણ શ્વાસમાં હોય છે, એ આપણને યાદ કરે કે ના કરે, એકપક્ષી રીતે, કોઈ અપેક્ષા વિના આપણે એમને પ્રેમ કરતા હોઈએ છીએ. ક્યારેક એવું યે બને કે કોઈ ફંક્શનમાં એ પાત્ર હાજર હોય, આપણી એમના વિશેની લાગણી કોઈ સ્વજનને ખબર હોય, એ આપણને કહે કે ચાલ, મળવા જઈએ અને તમે ન જાવ કારણ કે સંભવ છે એ કદાચ ઓળખે નહીં તો? એના કરતા પહેલીવાર જે મીઠડી નજરું વાગી હોય. એનો આનંદ ભ્રમરૂપે પણ ટકી રહે એ સારું માનીને મળવા પણ ન જવાયું હોય એ પાત્રને.
એક પાત્ર હોય છે એવું જેને રંગોથી રંગ્યુ નથી પણ એના માટે લખાઈ હોય આ પંક્તિ...
‘રંગ એક પણ લાવ્યો નહીં હું
મુઠ્ઠી કે ખિસ્સામાં
સ્હેજે કોરી ના રહી ગઈ તું
રંગ તણા કિસ્સામાં’
એને મળશું ને હાશ થશે, એને વળગી પડશું ને ધરપત થશે, એ કોઈ સારા-માઠા પ્રસંગે સાથે હોય એટલે આખી દુનિયા મારી હશે, એને ક્યારે મળવાનું થશે ખબર નથી, મળશે તો હસીશું કે રડીશું એ પણ ખબર નથી. સંભવ છે કે પ્રેમ એકપક્ષી જ હોય તો એ પોતીકી મૂડી જ બની રહેશે, પણ....પણ... આવી એક વ્યક્તિ આપણી આસપાસ હોય છે, આવી એક વ્યક્તિની આપણને તલાશ હોય છે, એ મળે તો ઉત્તમ અને ના મળે તો પ્રતિક્ષા સર્વોત્તમ. ધૂળેટીના રંગોત્સવના પર્વે આવા કોઈ પાત્રને યાદ કરો - કરજો જેણે તમારી સાથે રહ્યા વિના તમને રંગી નાંખ્યા છે.
આટલી વાત વક્તાએ કહી હતી, સાથે ગીતો-કવિતા-અનુભવો ભળતા રહ્યા. શ્રોતાઓ વાતમાં પોતાના આવા કોઈ પ્રિયજનને શોધતા રહ્યા, યાદ કરતા રહ્યા, આંખના ખૂણા ભીંજાતા રહ્યા. સ્મરણોના અજવાળે એક પાત્રને મળતા રહ્યા. એ પાત્ર – કોણ એ વક્તા કોણ? એના શ્રોતા કોણ? એમાં આપણે છીએ કે નહીં? પ્રશ્નના ઉત્તર મળે તો એ પાત્રને મળ્યા વિના પણ રંગોત્સવને માણી લેજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter