‘આવો, તમને એક મસ્ત ફકીર સાથે પરિચય કરાવું’ એડવોકેટ અશોક દામાણીએ એમના મિત્રને કહ્યું. ગામડું હોય કે શહેર, ખૂણે-ખાંચરે પડેલા-માનવતાનું કાર્ય કરનારા, સમાજ માટે સમર્પિત લોકોને સમાજના બહોળા વર્ગ સુધી લઈ જવાનું, એમને સન્માનવાનું ઉમદા કાર્ય અશોકભાઈ જાગૃતજન ટ્રસ્ટના માધ્યમથી કરી રહ્યા છો. એમણે આપેલા પેલા ફકીરનો પરિચય અને તેની વાત મિત્રએ પ્રેમથી સાંભળી.
નામ એનું અલ્તાફ. એક સમયે સિનેમાગૃહો પર પ્રેક્ષકોના ટોળેટોળાં ઉમટી પડતા ત્યારે અગાઉથી ટિકિટ મેળવીને પછીથી એને મોંઘા ભાવે વેચવાનું કામ કેટલાક લોકો કરતા હતા. આવા જ કામમાં એ પણ જોડાયેલો. એક દિવસ એના પર આભ તૂટી પડ્યું જ્યારે એને ખબર પડી કે એની વ્હાલી દીકરીને કેન્સરની બીમારી લાગુ પડી છે. એ દીકરીનું દુઃખદર્દ જોઈ શકતો નહોતો અને અહીંથી એનામાં પોઝિટિવીટીનો, પ્રાર્થનાનો, માનવતાનો પ્રવેશ જરા વિશેષ જાગૃતિ સાથે થયો. સમય જતા દીકરી તો અલ્લાહને પ્યારી થઈ ગઈ.
આ બાજુ એક પિતા તરીકે ભોગવેલી વેદના અલ્તાફને કોરી ખાતી હતી. સિનેમા ટિકિટોના વેચાણનો ધંધો એણે બંધ કરી દીધો હતો અને માનવતાના કાર્યોમાં જીવન સમર્પિત કરવાનો મનોમન સંકલ્પ કરી દીધો હતો. પોતાની દીકરી કેન્સરના રોગમાં મૃત્યુ પામી હતી, તો ભવિષ્યમાં બીજાના બાળકો આ રોગથી બચી શકે એ માટેની દવાઓ શોધવાનો એણે આરંભ કર્યો. ગામડે ગામડે ફર્યો. જાણકારોને - વૈદ્યરાજોને મળ્યો. ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, દ્રવ્ય નિઘટુ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. એમાં જાણકારી મેળવવા ઊંડો ઉતર્યો. રાત-દિવસ એક કર્યા.
રાત્રે નોકરીએ જવાનો ઉપક્રમ તો હતો જ. દિવસે રિલિફ સિનેમા પાસે એક સ્થળે બેસીને આયુર્વેદ, નાડીશાસ્ત્ર વગેરેના આધારે એણે લોકોની બીમારીઓનું નિદાન કરવાનું શરૂ કર્યું. દર્દી પાસેથી પૂરી વિગતો એ જાણે. જરૂર પડે પેથોલોજીના રિપોર્ટ પણ કરાવે, એનું રોજિંદુ જીવન, કામકાજનો પ્રકાર બાબતે જાણકારી મેળવે. દર્દીના દર્દની ચકાસણી નાડીશાસ્ત્રથી અને એક્યુપ્રેશરથી મેળવે. પછીથી એ રોગ સામે લડવા માટેની રોગપ્રતિકારક શક્તિ વધે એ દિશામાં ઔષધી આપે. એ પ્રકારનો ખોરાક સૂચવે. ત્યાર બાદ પરેજી સાથે ઔષધીનો આરંભ કરે અને આખરી ઉપાયરૂપે અલ્લાહની બંદગી કરે.
હાર્ટ, કેન્સર, ટીબી, કિડની, અસ્થમા, ઘૂંટણ, ખભાના દુઃખાવાના એમ અનેક રોગોના દર્દીઓ એની પાસે આવે છે. અનુભવથી અને જાણકારીથી એ દર્દીઓની સારવાર કરે છે. સર્ટીફિકેટ ઇન ઇન્ટરનેશનલ સુજોક થેરપીમાં પાર્ટ-૨ સુધીનો એણે અભ્યાસ કર્યો છે. ઔષધીઓ મેળવ્યા બાદ એ સુકવે - કુટે - રસ કાઢે - પાવડર બનાવે. આ બધા કામોમાં એની પત્ની સતત એની સાથે રહે. અનેક દર્દીઓ અહીં આવીને સાજા થયા છે ને એમના રિપોર્ટસમાં પણ એમની સુધરેલી - સ્વસ્થ તબિયતનું પ્રમાણ જોવા મળે છે. એક નાગરિક જાગૃત થાય તો કેટલા બધા લોકોને ઉપયોગી થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે.
•••
પોતે ભોગવેલી પીડાની વેદના સહન કર્યા પછી અંદરથી માણસમાં કશુંક જાગૃત થતું હોય છે. આવા સમયે કાં તો એ હારી-થાકીને નિરાશાની ગતિમાં ગુમ થઈ જાય છે અથવા તો જાગૃતિની ચેતના એને કોઈ નવી દિશા તરફ પગ મંડાવે છે. એક સાવ અભણ કહી શકાય એવો માણસ પોતાના રસ-રૂચિ ડેવલપ કરે અને કોઈ એક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ જ્ઞાન હાંસલ કરે, એ દિશામાં અધિકૃતતા હાંસલ કરે ત્યારે એના માટે એક નવી દિશા ખુલે છે.
આરોગ્ય પ્રાપ્તિ હોવી, સ્વાસ્થ્ય શ્રેષ્ઠ હોવું એ આજના માનવી માટે અતિ આવશ્યક બની ગયું છે એવા સમયે આરોગ્ય સેવા આપનારા આવા લોકો સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.
ગાંઠનું ગોપીચંદન ઘસીને આવી સેવા કરનારા લોકોના કર્મથી સમાજ જીવનમાં દર્દી નારાયણની સેવાના દીવડાં ઝળહળે છે અને આરોગ્યના અજવાળા રેલાય છે.