‘સાહેબ, અમે આવા જ કોઈ ગામડાંના માણહ, બહુ ભણ્યા નહિ, મહેનતનું કામ કરીએ ને રોજી રળીએ, અમારા જેવો સામાન્ય માણસ બીજું કરે પણ શું?’ આવું કહેનાર એક સામાન્ય માણસ એક અસામાન્ય ને અમીટ છાપ મનમાં મૂકી ગયો, એના વિવેકથી અને એની જીવન પ્રત્યેની સમજદારીથી. ધર્મગ્રંથોમાં-સંતવાણીમાં અને મોટીવેશનલ સ્પીકર્સના પ્રવચનોમાં જે વાતો સાંભળવા કે વાંચવા મળે એવી વાતો એક સામાન્ય માણસ બિલ્કુલ સહજતાથી થતી વાતો દરમિયાન કહી રહ્યો હતો એ દિવસે.
નવરાત્રિના કાર્યક્રમ સંદર્ભે શહેરની એક પ્રતિષ્ઠિત ક્લબમાં મળવા જવાનું હતું. કાર્યક્રમ બાબતે પ્રાથમિક ચર્ચા-વિચારણા અને શો-ડિઝાઈન કરવા, ક્લબના હોદ્દેદારોને મળવાનું હતું. ક્લબે કાર મોકલી હતી. ગાડી સ્ટાર્ટ થઈ, ૧૫-૨૦ મિનિટનું અંતર હતું. ડ્રાઈવરનું નામ રહેમાન... આરંભે નમસ્તે... કેમ છો?ની વાતો થઈ, તડકો બહુ વધ્યો છે ને વરસાદ પણ ઓછો પડ્યો જેવી વાતો થતી ગઈ. મને અને એને બંનેને વાતો કરવી ગમી. કંટાળો કે અણગમો ક્યાંય વર્તાયા નહિ... ‘કલાકાર લાગો છો?’ એણે પૂછ્યું. જવાબમાં ‘હા’ પાડી... ‘માતાજી તમને માણસાઈથી ભર્યાભર્યા રાખે ને બહુ બરકત આપે’ રહેમાને રાજી થઈને ઉમેર્યું.
રસ્તામાં આવતાં ગામડાં, ત્યાં થતાં પાક, એની જમીનોના ભાવ વિશે એની પાસે માહિતી હતી એનો ખ્યાલ વાતો દરમિયાન આવ્યો. સાહજિકપણે એને પૂછ્યું ‘તમારું વતન? ગામ?’ તો કહે, ‘અહીંનો જ છું. સાણંદ તાલુકાના ગામડાંગામમાં જ જન્મ અને ઉછેર.’ વળી વાતનો દોર સાંધતા પૂછ્યું કે, ‘ડ્રાઈવર તરીકે કેટલાં વર્ષોથી કામ કરો છો? આ સિવાય બીજું કાંઈ ખેતીવાડી કે એવું?’ એના જવાબમાં રહેમાને લેખના આરંભે લખેલી વાત કહી... એટલામાં મુકામ આવી ગયો ને હું મારા કામે જોડાયો.
પાછા ફરતાં વળી વાતોનો દોર શરૂ થયો. એમાં એણે કહ્યું કે એ નવ ધોરણ સુધી ભણ્યા, પછી જુદી જુદી ખાનગી કંપનીમાં કામ કર્યું ને છેલ્લા ૧૫ વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરે છે. શેઠ સારા ને કંપની પણ સારી એટલે બીજી કોઈ ચિંતા નથી. એના પિતાની બિમારી સમયના ત્રણ મહિના એણે અને એના ભાઈએ કરેલી સેવાને જવાબદારીરૂપે ગણાવતા એણે આનંદ સાથે કીધું કે ‘અમે તો એટલું સમજ્યા કે મા-બાપને રાજી રાખશો તો ખુદા - ઈશ્વર તમારા ઉપર રાજી રહેશે... એનો રાજીપો એ સંતાનો ઉપર આશીર્વાદ છે.’
વાત વાતમાં એના એક મિત્રના જીવનમાં બનેલા કિસ્સાની વાતમાંથી વળી એની જુદી સમજદારી જોવા મળી. એના એક મિત્રનો સ્વભાવ ગુસ્સાવાળો. જરાક આમ-તેમ થાય તો એને ગુસ્સો આવી જાય. પત્ની અને ઘરના સભ્યો સહન કર્યા કરે, પણ એક વાર રહેમાનની હાજરીમાં બધાં ભોજન કરતા હતા. દાળ-શાકમાં મીઠું નાખવાનું ભુલાઈ ગયું હશે તો પેલો મિત્ર ગુસ્સે થયો. થાળીને હડસેલી દીધી, ઊભો થઈને રહેમાનને લઈને બહાર નીકળી ગયો. રહેમાનને સહેજ પણ ગમ્યું નહિ. બહાર નીકળી એણે એના મિત્રને સમજાવ્યો કે દેશમાં કેટલાય લોકો ભુખ્યા સૂઈ જાય છે, શુક્ર માન કે ઈશ્વરે ભોજન આપ્યું છે તને, ક્યારેક ભૂલ થાય. તે તારા ઘરવાળાનું નહિ, અન્નદેવતાનું અપમાન કર્યું છે.’
મિત્રને પોતાની ભૂલ સમજાઈ અને ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરવા સંકલ્પ કર્યો.
‘બીજું બધું ઠીક છે, સમય-સંજોગ ને સ્થિતિ ફર્યા કરે, પણ માણસમાં માણસાઈ ધબકવી જોઈએ.’ આમ કહી એણે વાત પૂરી કરી ને મારું ય ઘર આવી ગયું. અનાયાસ એક માણસ થોડી વાર મળ્યો ને એની વાતો હૃદયને ભીનું ભીનું કરી ગઈ.
•••
શાસ્ત્ર આધારની વાતો જ્યારે એક સામાન્ય માણસ કરે એમ નહિ, પોતાના જીવનમાં આચરણમાં મુકે, જીવન પ્રત્યેની એની સમજદારી બહુ ઝાઝુ ભણ્યા વિના પણ વ્યક્ત કરે ત્યારે એનામાં રહેલી કોઠાસૂઝને અને માણસાઈને અભિનંદન આપવાનું મન થાય. આપણે ત્યાં માતા-પિતાને સાક્ષાત દેવ ગણાયા છે. અન્નને પણ બ્રહ્મ ગણાયું છે ત્યારે માતા-પિતાને પ્રેમ કરનારા, અન્ને આદર આપનારા આવા વ્યક્તિત્વોની સમજદારીના દીવડા પ્રગટે ત્યારે એમાંથી માનવ ધર્મના અજવાળાં રેલાય છે.