એક સિકકાની બે બાજુ છે કલાકાર અને વ્યક્તિ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 17th May 2021 08:43 EDT
 

લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર છે, જૂનુન છે. એવા એ લેખક એટલે સલિલ દલાલ. ગુજરાત સરકારમાં વરિષ્ઠ અધિકારી તરીકે વર્ષો કામ કર્યું. પછીથી હાલ કેનેડા રહે છે અને સતત ભારતના-ગુજરાતના-મિત્રોના સંપર્કમાં રહે છે.
લેખક સલિલ દલાલના પૌત્ર, જેના જન્મ પહેલાં એમનું નામ પણ પરિવારે નક્કી કરી રાખેલું આર્નવ. તેનો જન્મ તો થયો પરંતુ મૃત બાળક તરીકે... દાદાનું વ્હાલ છીનવાયું. શોકમાં ઘેરાયા. એમને થયું મારી અભિવ્યક્તિને મારી પ્રિય પ્રવૃત્તિના ફોકસમાં લાવીને એ પીડાનું વમન કરું. અને મધ્યાહને સૂર્યાસ્ત નામનો એક પ્રોજેક્ટ અધૂરો રહ્યો હતો તે હાથ પર લીધો અને લાંબી મથામણ પછી સર્જાયું આ પુસ્તક.
આ પુસ્તકમાં માત્ર ૧૯ વર્ષની વયે વિદાય થયેલી દિવ્યા ભારતી, ૩૧ વર્ષની વયે વિદાય લેનાર સ્મિતા પાટીલ, ૩૬ વર્ષે વિદાય લેનાર મધુ બાલા, ૩૯ વર્ષે દુનિયા છોડનાર મીનાકુમારી અને ૫૪ વર્ષની વયે અચાનક દુનિયામાંથી વિદાય લેનાર શ્રીદેવી. એમ હિન્દી સિનેમાની પાંચ અભિનેત્રીઓની જીવનકથા છે. એક અર્થમાં આ પુસ્તક દસ્તાવેજીકરણ છે અને એના માટે સલીલભાઈએ ખૂબ જહેમત ઊઠાવી છે. ઉત્તમ કક્ષાના કાગળ પર કલરફૂલ તસવીરો વાચકને વધુ આકર્ષે છે. સલિલભાઈ લખે છે, ‘આ લેખમેળાનો આશય આસમાનના સિતારાની માફક ચમકતા ખૂબસુરત અદાકારો પણ મારા-તમારા જેવા માણસો જ છે એ કહેવાનો હતો. એ સૌએ આપણા બધાની બોરિયતભરી જિંદગીઓમાં નાચીને-રડીને-ગાઈને પણ આપણને ત્રણ કલાક હળવા કરી આપ્યા હોય છે.’
સલિલ દલાલ લેખક તરીકે માને છે કે કલાકાર અને વ્યક્તિ અલગ નથી એટલે તેમના બંને પાસા એકબીજા પર અસર કરતા હોય છે, એથી જ તેઓએ માત્ર અભિનેત્રીઓના વ્યવસાયિક જીવનને જ મૂલવતા તેમની અંગત જીવનની અભ્યાસપૂર્ણ અને અર્થપૂર્ણ વાતોને પણ પુસ્તકમાં સામેલ કરી છે.
જાણીતા હાસ્યલેખક, ફિલ્મ સમીક્ષક તથા વક્તા શ્રી અશોક દવે પુસ્તકના પ્રવેશકમાં લખે છે કે, ‘માહિતીના પરફેક્શન પછી સલિલ દલાલે પોતાની આગવી ફિલ્મ ભાષા વિક્સાવી છે. એમના લેખનની એક સિદ્ધિ એ છે કે ફિલ્મી લેખોના પુસ્તક માટે પણ એ એવા વિસ્તારો પસંદ કરે છે જેમાં બીજાઓને જવાનું સૂઝ્યું પણ ન હોય.’
એ જ રીતે જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય લખે છે કે ‘સલિલ ભાઈએ અભિનેત્રીઓના જીવનની પીડા, પ્રસન્નતા ખુશી કે ખાલીપો - પોતાના મંતવ્ય ઉમેર્યા વગર, જજમેન્ટલ થયા વગર બયાન કર્યાં છે.’
દિવ્યા ભારતીએ એક જ વર્ષમાં ૧૦ ફિલ્મો આપી હતી અને તેની એક ફિલ્મ ‘દિલ આશના હૈ’નું દિગ્દર્શન તો હેમા માલિનીએ કર્યું હતું. એના પર ફિલ્માવાયેલા ગીતો આજે પણ યાદગાર બની રહ્યા છે.
સ્મિતા પાટીલનું બાળપણ દવાખાનાના કમ્પાઉન્ડમાં વિત્યું કારણ કે માતા વિદ્યાતાઈ નર્સ હતા અને ૧૯૭૪થી ૧૯૮૬ના ૧૨ વર્ષમાં જ હિન્દી-મરાઠી-ગુજરાતી-કન્નડ-પંજાબી-બંગાળી-મલયાલમ ભાષાઓમાં કામ કર્યું હતું.
મધુબાલાનું પ્યાર કિયા તો ડરના ક્યા ગીત રજૂ થતું ત્યારે જેટલા વધામણાં થતાં એટલા જ વધામણાં ૨૦૦૪માં એ જ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ કલર ફિલ્મ રૂપે રજૂ થઈ ત્યારે પણ થયા હતા. મધુબાલાની એક ફિલ્મ મોતીલાલ સાથે હતી, નામ હતું ‘હંસતે આંસુ’ આ ફિલ્મ તે સમયે મધુબાલા જોઈ ન શક્યા કારણ કે સેન્સરે A સર્ટીફિકેટ આપ્યું અને મધુબાલાની ઉંમર ત્યારે ૧૭ વર્ષ હતી.
૧૯૬૩ના ફિલ્મફેર એવોર્ડઝમાં બેસ્ટ એકટ્રેસના વિભાગમાં જે ત્રણ નોમિનેશન થયા તે ત્રણે મીનાકુમારીની જ ફિલ્મો હતી. ‘નાઝ’ ઉપનામે ઉર્દુ શાયરી પણ મીનાકુમારીએ લખી છે.
‘કર્મા’, ‘નગીના’, ‘આખરી રાસ્તા’, ‘જાંબાઝ’ જેવી સુપરડુપર હીટ ફિલ્મો આપનાર શ્રીદેવ ફર્સ્ટ ફિમેલ સુપરસ્ટાર બની હતી. ‘મિસ્ટર ઈન્ડિયા’ના ગીત કાટે નહીં કટતે દિન યે રાત... સમયે શ્રીદેવીને તાવ હતો છતાં વરસાદમાં નહાવાના દ્રશ્યો એમણે કર્યાં હતાં.
આવી આવી કેટકેટલી વાતો, માહિતી, હકીકતો, અવલોકનો, અભ્યાસ અને સરળ પ્રવાહી લેખન શૈલીથી સભર છે આ પુસ્તક. એક લેખક તરીકે મિત્ર સલિલભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ફિલ્મના પડદા પરના અજવાળા એમની કલમમાંથી પણ પાને પાને પથરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter