‘અમને પ્રતિક્ષા હતી કે ક્યારે અહીં આવીએ...’ ‘અદભૂત આયોજન અને ગરવા ગુજરાતીઓની વાત...’ ‘અહીં બોલાતી ગુજરાતી ભાષા સાંભળીએ અને અને આપણી માતૃભાષાનું ગૌરવ થાય...’
આ અને આવા અભિપ્રાયો સતત બે દિવસ વાતાવરણમાં ગુંજતા રહ્યા અને 200થી વધુ મહાનુભાવો 80થી વધુ વક્તાઓ, 30થી વધુ ઉદ્યોગજગતના માંધાતાઓના વિચારો વાતાવરણને ગુજરાતીપણાથી સભર કરતા રહ્યા.
અવસર હતો પ્રવાસી ગુજરાતી પર્વ - 2022નો જેનું અમદાવાદની ક્લબ 07માં, ‘ધ ફોરમ’માં AIANA (‘આઇના’ - એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા) અને TV9 ભારત વર્ષ નેટવર્ક દ્વારા આયોજન કરાયું હતું. ગ્લોબલ ગુજરાતીઓના આ મેળામાં ભારતના વિવિધ રાજ્યો અને વિશ્વના 20થી વધુ દેશોના ગૌરવવંતા ગુજરાતીઓ આવ્યા હતા અને ગુજરાતીપણાને જીવંત રાખવા - સંવર્ધિત કરવા પર ચિંતન, મનન અને સંવાદ કર્યો હતો.
કનેક્ટ, કોમ્યુનિકેટ, કન્ટ્રીબ્યુટ અને સેલિબ્રેટ જેવા મૂળ ચાર વિચાર સાથે આ સમગ્ર આયોજનને ઓપ અપાયો હતો જેમાં અન્ય સાથી એન્કર્સ સાથે એન્કર તરીકે જોડાવાનો લ્હાવો મને પણ મળ્યો હતો.
લોકસાહિત્યમાં એક અવલોકન વાંચ્યું કે સાંભળ્યું છે કે જહાજ ગમેતેટલું ભવ્ય હોય, પરંતુ એની શોભા માત્ર કિનારે લાંગરેલું રહે એમાં નથી, બલ્કે મધદરિયે જઈને નિયત લક્ષ સુધીના પ્રવાસમાં એની શોભા છે. કંઈક મેળવવા કંઈક છોડવું પડે છે એ ઊક્તિને સાર્થક કરતાં સાહસિક ગુજરાતીઓ આજથી સો-દોઢસો વર્ષો પહેલાં દરિયાઈ માર્ગે મુસાફરી કરીને અન્ય દેશોમાં પહોંચ્યા એ જાણીતો ઈતિહાસ છે. એમણે ત્યાં જઈને સાહસ-સંઘર્ષ-સંવાદ-સંગઠન અને સ્મિત સાથે ધીમે ધીમે પોતાનું સામર્થ્ય કેળવ્યું. પોતાની ગુજરાતી પરંપરાઓને સાચવી અને જે તે સ્થાનિક દેશોની સભ્યતા-વ્યવહારો-રાજકીય-સામાજિક અને આર્થિક પરિસ્થિતિને સ્વીકારીને રહ્યા, ધીમે ધીમે ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું.
અત્યારે તો વિશ્વના કેટલાય દેશોમાં ગુજરાતીઓ મહત્ત્વના સ્થાનો પર બિરાજીને જે તે દેશોના સમગ્રતયા વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મોટાભાગે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરીના ચાર મહિના દરમિયાન આ NRI અને NRG ગુજરાત આવે છે અને પરિવાર સાથે રહીને પોતાના અસ્તિત્વમાં ગુજરાતી કલ્ચરને જાણે ઠાંસોઠાસ ભરીને જાય છે.
જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે એમણે ત્યાં અનેક ક્ષેત્રોમાં જીવ રેડ્યો છે, અખંડ પુરુષાર્થ કર્યો છે, પછી આર્થિક સદ્ધરતા હાંસલ કરી છે અને એમના ઘરોમાં આજે પણ ગુજરાતી વાતાવરણની અનુભૂતિ થાય છે. 2001ના વર્ષથી મને નિયમિતરૂપે વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ કરવાનો - ત્યાં રહેવાનો અવસર મળ્યો છે અને ત્યારે ગુજરાતી પરિવારોની આત્મીયતા અનુભવી છે. આ ગુજરાતીઓ એમના આતિથ્યથી, એમની કલાસૂઝથી એમના ધર્મ-અધ્યાત્મ પ્રેમથી આપણને ભીતરથી ભીંજવી દે એની અનુભૂતિ હંમેશા મેં કરી છે.
વિશ્વમાં ફેલાયેલા મૂળસોતા ઉખડીને બીજા દેશોમાં વિક્સિત થયેલાં આવા ગુજરાતીઓના પ્રતિનિધિઓ જ્યારે પ્રવાસી ગુજરાતી પર્વમાં આવ્યા ત્યારે એમના ચહેરા પર અને હૈયામાં અનહદ આનંદ હતો. અહીં થયેલા પ્રવચનોમાં - સંવાદમાં અને વન-ટુ-વન થયેલી એમની ભાવ-અભિવ્યક્તિમાં આ સમગ્ર આયોજન માટેની આભારની લાગણી અને ગુજરાત માટેનો પ્રેમ ધબકતા હતા.
‘આઇના’ના સર્વશ્રી સુનિલ નાયક, પ્રફુલ્લ નાયક અને હર્ષિલ નાયક તથા TV9 નેટવર્કના શ્રી બરૂન દાસ, કલ્પ કેકરે, વિકાસ ઉપાધ્યાય અને બંને યજમાન સંસ્થાની ટીમના તમામ સભ્યોએ કરેલી મહેનત રંગ લાવી હતી. વિધવિધ ક્ષેત્રોના ગ્લોબલ ગુજરાતીઓએ અહીં પોતાની અભિવ્યક્તિ કરી, ગીત–સંગીત–નૃત્યના કાર્યક્રમો થયા, મનભાવન ભોજન પીરસાયું, ઓડિયો-વીડિયો- સાઉન્ડ – લાઈટ – ડેકોરેશનથી ગુજરાતી વાતાવરણ ઊભું કરાયું ત્યારે ગુજરાતી કલ્ચરના અજવાળાં રેલાયાં હતાં.