‘કમલેશે, અમારી સાત દાયકાની દોસ્તીનો દસ્તાવેજ એક વાર લખ્યો હતો. 1955માં સાવરકુંડલાની કુંડલા હાઈસ્કૂલના પાંચમા ધોરણથી અમારી દોસ્તી રહી, તે એની અંતિમ ક્ષણો સુધી રહી.’ આ શબ્દો કમલેશ આવસત્થીના સ્મરણમાં કહે છે ભાવનગરના સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ નવીન રાજ્યગુરુ. આ બંને આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં સાથે ભણ્યા. બંનેએ દર કાળીચૌદશના દિવસે ભાવનગર ગોળીબાર હનુમાનજીના દર્શને જવાનો નિયમ વર્ષો સુધી પાળ્યો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં પ્રેમાભાઈ હોલમાં નવીનભાઈ અચૂક હાજર રહે, તે સમયની ટિકીટો પણ એમણે સાચવી છે. કમલેશ આવસત્થી અને નવીન રાજ્યગુરુની સાત દાયકાની દોસ્તી વાસ્તવમાં નિઃસ્વાર્થ દોસ્તીની અદભૂત મિસાલ બની રહી.
1945માં કમલેશભાઈનો જન્મ થયો સાવરકુંડલામાં. એમની કિશોર અવસ્થાના સમયે મારા નાના હરિભાઈ રાજ્યગુરુ કમ્પાઉન્ડર તરીકે સરકારી દવાખાનામાં નોકરી કરતા અને એટલે બાળપણના બે કિશોરો કમલેશ અને નવીન દોસ્ત બની ગયા. કમલેશભાઈની બહેન ભક્તિ મારા મમ્મી જ્યોતિબેનની બહેનપણી બની ગઈ. આમ પારિવારિક સંબંધ બંધાયા તે આજે પણ અકબંધ છે. કમલેશભાઈએ મને હંમેશા નવીનના ભાણેજ તરીકે અનહદ વાત્સલ્ય આપ્યું તે યાદગાર બની રહેશે.
ભાવનગરમાં કમલેશભાઈ રહેતા થયા એ સમયથી આજ સુધીના ઢગલાબંધ સંસ્મરણો નવીનમામા પાસે છે. સપ્તકલા સંગીત સંસ્થાના કમલેશ આવસત્થી સાચા સાધક બની રહ્યા. ગુરુભાઈ ભાર્ગવ પંડ્યા સાથે સરગમના સ્વરોથી સભર થયા. કુદરતી વારસામાં મળેલા મુકેશ જેવા અવાજને કેળવ્યો. ‘વિસરાતા સૂર’ કાર્યક્રમમાં ગીતો ગાતા થયા. ભાવનગર યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી કામ કર્યું.
27 ઓગસ્ટ 1976ના રોજ પાર્શ્વગાયક મુકેશનું દુઃખદ અવસાન થયું. કમલેશ આવસત્થીએ દુઃખી હૃદયે એમને શ્રદ્ધાંજલિ આપી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમોની હારમાળા દાયકાઓ સુધી ચાલી.
નવીનમામા યાદ કરતા કહે છે, ‘અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં દર વર્ષે વિશેષ કાર્યક્રમો થયાં જેમાં સંગીતકાર શંકર, અભિનેતા દિલીપકુમાર, સંગીતકાર કલ્યાણજીભાઈ, સંગીતકાર રવિ, અભિનેત્રી અરુણા ઈરાની, રમતવીરો સુનિલ ગાવસ્કર – કપિલ દેવ, ગીત શેટ્ટી, જાદુગર કે. લાલ જેવા વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેતા અને કમલેશ આવસત્થીના અવાજમાં એક એક ગીતમાં જાણે મુકેશજીની જ અનુભૂતિ થઈ રહી હોય એવું અનુભવતા. ચંદ્રકાંત માસ્તરના આયોજનમાં થતા એ શો પૈકી ઘણામાં હું હાજર રહ્યો. રિલીફ રોડ પર હોટેલમાં અમે રોકાતા ને ભાઈબંધની સફળતા જોઈને ગૌરવ અનુભવતા.’
મુકેશજીના સ્વર્ગવાસ બાદ હસરત જયપુરીએ લખેલા ત્રણ ગીતોની એક રેકોર્ડ કમલેશ આવસત્થીના સ્વરમાં રેકોર્ડ થઈ જેનું સંગીત જાણીતા સંગીત નિર્દેશક મહેશ–નરેશે આપ્યું હતું. એમાંના એક ગીતના શબ્દો આજે જ્યારે કમલેશ આવસત્થી આપણી વચ્ચે સદેહ નથી ત્યારે તેઓ જ ગાઈ રહ્યા છે એ સત્યની અનુભૂતિ થાય છે.
‘મેં બહોત દૂર ચલા આયા હું,
અપની આવાઝ તો દુનિયામેં હી છોડ આયા હું...’
આઠ હિન્દી ફિલ્મો, 12 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કરનાર કમલેશભાઈને દેશ–વિદેશમાંથી અનેક એવોર્ડ્ઝ મળ્યા. દેશ–વિદેશમાં ખૂબ કાર્યક્રમો કરી એમણે આગવો ચાહક વર્ગ ઊભો કર્યો. રાજ કપૂરને ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’ માટે સ્વર આપ્યો અને રાજ કપૂરે કહ્યું કે મને એવું લાગે છે કે જાણે મુકેશ પાછો મળ્યો....
કમલેશભાઈ વર્ષોસુધી ભાવનગરમાં જ રહ્યા, થોડા વર્ષ થયા તેઓ દીકરા ભૂષણના પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા હતા. જૂના મિત્રો સાથે અને નવા પરિચિતો સાથે હંમેશા એક સરળ – મીતભાષી - હસમુખા અને પ્રેમથી ભર્યાભર્યા માણસ તરીકે વાત કરનાર કમલેશ આવસત્થીએ એટલે જ બહોળા જનસમુદાયનો પ્રેમ હાંસલ કર્યો હતો. આજે કમલેશ આવસત્થી આપણી વચ્ચે નથી, પરંતુ એમના ઓડિયો-વીડિયોમાં સચવાયેલો એમનો સ્વર આપણા સંગીત જગતમાં અજવાળાં પાથરતો રહેશે.