આંખ શરીરની એક એવી ઇન્દ્રિય છે, જે કામ કરતી હોય ત્યારે આખુંય જગત સોહામણું લાગે છે અને કોઈ કારણસર એમાં રુકાવટ આવે ત્યારે અપાર મુશ્કેલીઓ સર્જાય છે. આંખમાં મોતીયો, નેત્રમણિ, વેલ, ઝામર, ફૂલું, ચક્ષુ પ્રત્યારોપણ જેવા રોગો અને સારવાર તથા તેની સાથે જોડાયેલા ખર્ચાઓ ગરીબ વર્ગના લોકો માટે મોટી મુશ્કેલીરૂપ બનતા હોય છે. આવા સંજોગોમાં સખાવતી દાતાઓ દ્વારા ચલાવાતી અને વિનામૂલ્યે કે સાવ ટોકન દરે સારવાર આપતી હોસ્પિટલો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બને છે. આવી જ એક દાયકાઓ જૂની હોસ્પિટલ છે વીરનગરની શિવાનંદ મિશનની હોસ્પિટલ, જેની સાથે જોડાયું છે એક નામ.
આ વ્યક્તિત્વ એટલે ડો. અધ્વર્યુજી. એમનો જન્મ ૧૮ ડિસેમ્બર ૧૯૦૬માં ગામ અનિડા (તા. ગોંડલ)માં થયો. ૪૨ વર્ષો સુધી વીરનગરમાં રહીને સેવાની ધૂણી ધખાવી ૨૨ ઓક્ટોબર ૧૯૯૮માં તેઓ બ્રહ્મલીન થયા એ પછી આજે પણ શિવાનંદ મિશન વીરનગર-રાજકોટની હોસ્પિટલ એના સેવા માટે સમર્પિત ટ્રસ્ટીઓની શુભ કાર્યો કરવાની અને દર્દીઓની સેવા કરવાની ભાવનાને કારણે સતત કાર્યરત છે.
વાત છે ૧૯૫૬ની, પૂજ્ય સ્વામી શિવાનંદ સરસ્વતીના આશીર્વાદ અને પ્રેરણાથી ડો. અધ્વર્યુજી વીરનગર આવ્યા અને અંધત્વ નિવારણનું કાર્ય શરૂ થયું. સમાજમાં મોટા પ્રમાણમાં અંધત્વનું પ્રમાણ અને સામે હોસ્પિટલમાં ટાંચા સાધનો... સ્વાભાવિક છે કે દર્દીઓની સેવાઓનું કામ મુશ્કેલ હતું. ઉકેલરૂપે ડો. અધ્વર્યુજી, જેમને બધા બાપુજી તરીકે વધુ જાણે છે, તેઓએ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને નેત્રયજ્ઞો શરૂ કર્યાં. નાના ગામડાનાં લોકોને માટે જાણે આખી હોસ્પિટલ ઘરઆંગણે આવતી થઈ. નેત્રયજ્ઞોની લોકપ્રિયતા વધતી ગઈ. દર્દીઓને અપાતી સુવિધા પણ વધતી ગઈ. ગરીબ, અસહાય, અભણ હોય કે પછી શિક્ષિત સમાજના હોય - બધાની સેવા એકસરખી થતી હતી.
આવું એક-બે નહીં ત્રણ દાયકા ચાલ્યું. આ પછી ૧૯૮૭થી શરૂઆત થઈ સ્ક્રિનિંગ કેમ્પોની. સ્ક્રિનિંગ કેમ્પોમાં દર્દીઓની તપાસ થાય, સારવાર પણ ગામમાં જ થાય અને જેને જરૂર જણાય તે દર્દીઓને વીરનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવે. ઓપરેશન પછી ત્રણ દિવસે દર્દીને પાછો મોકલવામાં આવે. દર્દીને એના સગાં સાથે આવવા-જવાનું ભાડું, દવા, નેત્રમણી સાથે ઓપરેશન અને રહેવા-જમવાનું બધું જ વિનામૂલ્યે - સન્માન સાથે - સેવાના ભાવથી અપાય.
સમય વીત્યો અને આજે વીરનગરમાં અત્યંત આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ કાર્યરત છે. રાજકોટ-શિહોર-સાવરકુંડલા-વાંકાનેર તથા ઉનામાં પણ હોસ્પિટલોની શરૂઆત થઈ.
સાધુસંતોના - દર્દી નારાયણના - પ્રજાના તથા દાતાઓના પ્રેમના કારણે - આશીર્વાદના કારણે - દર્દી પીડા સાથે હોસ્પિટલમાં આવે છે અને પીડાના નિવારણની પ્રસન્નતા સાથે ઘરે જાય છે.
•••
માનવ મનમાં લાગણીઓ પ્રગટે છે એમાંથી એક એટલે કરુણાની લાગણી - બીજાના દુઃખમાં સહભાગી થવાની લાગણી. એ લાગણી પ્રેરે છે સેવાકીય કાર્યોમાં સમર્પિત થવા માટે, કૌશલ્ય દ્વારા, વ્યવસ્થા શક્તિ દ્વારા, સખાવત દ્વારા, સમય આપીને, એમ અનેક પ્રકારે. એ લાગણી આપણને શુભ અને સેવાના કાર્યોમાં જોડે છે.
સ્વાભાવિક છે કે શરીર છે તો એના અનેક રોગો છે. આ રોગોની સારવાર મોંઘી થતી જાય છે, એવા સમયે સેવાભાવી ટ્રસ્ટો દ્વારા ચાલતી હોસ્પિટલો સમાજમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન પ્રદાન કરી રહી છે. આવી હોસ્પિટલોમાં થતી સેવાની પ્રવૃત્તિ જ્યાં અને જ્યારે થાય ત્યાં અને ત્યારે કરુણાના દીવડા પ્રગટે છે અને સેવાના અજવાળાં રેલાય છે.