‘કાલે વહેલી સવારે મુંબઈ જવું છે તો ગાડી બુક કરાવી?’ મનીષાએ પતિને કહ્યું... મોડી રાત સુધી ચાલેલા કામ, મુંબઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોવાથી એની તૈયારી અને મોડી રાત્રી સુધી જૂના ગીતો સાંભળવાના મૂડમાં પતિદેવ ગાડી બુક કરાવવાનું ભૂલી ગયા.
એલાર્મ મૂક્યો હતો એટલે વહેલી સવારે ચાર વાગ્યે સફાળા જાગ્યા અને યાદ આવ્યું કે રેલવે સ્ટેશને જવા માટેની ગાડી બુક કરવાનું તો રહી જ ગયું. તાત્કાલીક દીકરીને ભર ઊંઘમાંથી જગાડી અને કહ્યું, ‘બેટા, હું સ્નાન - સેવા પૂજા પૂરા કરું ત્યાં તું ગાડી બુક કરાવને...!’
‘પૂજા કરીને શાંતિથી ફ્રેશ થાવ ડેડી...’ દીકરીએ કહ્યું. ‘ગાડી બુક કરાવી દીધી છે... અવાજ ઉપરથી લાગ્યું કે કોઈ જેન્ટલમેન વાત કરી રહ્યા છે’ દીકરીએ રેલવે સ્ટેશને પહોંચી તો જવાશે ને? એ ચિંતા હળવી કરવા કહ્યું.
સમય કરતાં દસ મિનિટ પહેલા વાહન આવી ગયું. પરિવારને આવજો આવજો - જયશ્રી કૃષ્ણ કહીને રવાના થયા... ગાડીમાં બેઠા ને ડ્રાઇવરે ‘ગુડ મોર્નિંગ, બ્રધર’ કહ્યું - એના અવાજમાં આવકાર અને મીઠાશ બન્ને હતા... લાગ્યું કે લઢણ અને બોલી સૌરાષ્ટ્રના છે.
‘તમે સહેજ પણ ચિંતા કરતા નહિ, જરાયે રફ ડ્રાઇવિંગ કર્યા વિના તમને રેલવે સ્ટેશને સહી સલામત પહોંચાડી દઈશ’ એમ કહી એણે જ પૂછયું,
‘આપનું વતન કયું?’
મનીષાએ કહ્યું, ‘તમારા મતે કયું હોઈ શકે?’
જવાબ મળ્યો, ‘અમદાવાદી ભાષા તો નથી જ’
મનીષાના પતિએ સાહજિકરૂપે કહ્યું, ‘અમારું વતન ભાવનગર છે, ભાઈ’ આગળ જઈ ઉમેર્યું, ‘હવે દોઢ દાયકો થયો અહીં રહેતા રહેતા એટલે આ અમદાવાદ શહેર પણ અમારું થયું’...
રાજી થઈને ડ્રાઇવરે કહ્યું ‘અરે, તો, તો તમે મારા ગામના... મને તમારી વાતચીત પરથી લાગતું હતું કે સૌરાષ્ટ્રના છો.’
ભાવનગરની નજીક ૨૩-૨૪ કિલોમીટર અંતર પ્રાચીન અને ઐતિહાસિક નગરી સિહોર આવેલી છે ત્યાં એનું વતન હતું. સિહોર ગામમાં ઊંચા ડુંગર પર સિહોરી માતા બિરાજે છે - અહીં એક સમયે ત્રાંબા-પિત્તળના વાસણોના ઉદ્યોગની જાહોજલાલી હતી. અહીંના દુધના માવાના બનેલા કણીદાર પેંડાનો સ્વાદ આજે પણ શોખીનોને યાદ છે. અનેક ઐતિહાસિક કથાઓ આ નગર સાથે જોડાયેલી છે.
સિહોર ગામમાં એનું ઘર હતું અને એણે બાળપણનું સ્મરણ કરી એના પિતાની વાત કરી - એના પિતાનું નામ ઇબ્રાહીમભાઈ. એના કહેવા મુજબ ૧૯૬૦ના દાયકાથી એમણે ડ્રાઇવર તરીકે નોકરી કરી અને ૧૯૯૨માં રિટાયર થયા હતા. એ સમયના દિવસોમાં તેઓ એસ.ટી. બસ ચલાવે અને માર્ગમાં કોઈને ઉભેલું જુએ. કોઈ નાગરિક હાથ ઊંચો કરે તો તેઓ બસને થોભાવતા, નાગરિકને બસમાં બેસાડતા. વધુ પડતી ભીડ થાય તો સાંકડમુકડ વધુ માણસોને બસમાં લઈ જવાનો એમનો માનવતાપૂર્ણ પ્રયાસ રહેતો. તેઓ માનતા કે આ વાહન મારી રોજી રોટી છે અને તેના દ્વારા મારા કુટુંબનું ગુજરાન ચાલે છે તો સામા પક્ષે મારી એ ફરજ છે કે મારે પણ એસ.ટીની ઇમેજને ઉજળી કરવી જોઈએ, એની આવક વધે, એના દ્વારા લોકોને ઉપયોગી થવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. પરિણામે પ્રવાસીઓ અને સહકર્મચારીઓ સહુ એમના માટે આદરનો ભાવ વ્યક્ત કરતા હતા.
‘સ્ટેશન આવી ગયું લ્યો, પિતાજીના આપેલા સંસ્કારોને - અમે પણ આગળ વધારીએ છીએ’ કહી - પૈસા સ્વીકારી હસતા હસતા આવજો કહી એણે એના માર્ગે ગાડી આગળ વધારી મનીષા અને તેના પતિના મન પર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિત્વની ઇમેજ છોડતો ગયો.
•••
પ્રત્યેક વ્યક્તિ પોતે જ્યાં પણ છે ત્યાં રહીને માનવતાપૂર્ણ અભિગમ દાખવીને - બીજાને મદદરૂપ થઈને પોતાની અને પોતે જેમાં કામ કરે છે એ સંસ્થાની ઇમેજ કેટલી સરસ રીતે ઊભી કરી શકે છે એ વાતની અનુભૂતિ આવા નાના નાના પ્રસંગોમાંથી થાય ત્યારે કર્તવ્યનિષ્ઠાના અજવાળા રેલાય છે.