‘આપ ક્યું નાસ્તા યા ભોજન નહિ કરતે? આઠ ઘંટે કી ફ્લાઈટ હૈ તો કુછ તો ખાના ચાહિયે ના!’
એર હોસ્ટેસે અભિષેકને કહ્યું. વાત એમ હતી કે અમદાવાદથી વાયા મુંબઈ થઈને એ લંડનની ફ્લાઈટમાં જઈ રહ્યો હતો. ઘરેથી મોડી સાંજે નીકળ્યો હતો એટલે નાસ્તો કર્યો હતો. પ્લેનમાં બેઠા બાદ મુંબઈ લેઓવર ખાસ્સો હતો અને પછી લંડન સુધીની યાત્રા હતી... એટલે જ્યારે નાસ્તો આવ્યો ત્યારે અને ભોજન આવ્યું ત્યારે પણ અભિષેકે કંઇ ના લીધું. માત્ર એપલ જ્યુસ, કોફી કે પાણી જ પસંદ કર્યાં. વળી એ ટીવી કે મ્યુઝિક સાથે ઓતપ્રોત થવાના બદલે આંખો મીંચીને બેઠો રહ્યો હતો. આ બાબત નોટિસ કરનારી એર હોસ્ટેસે એને માનવધર્મને અનુસરીને આ વાક્ય કહ્યું હતું. જવાબમાં અભિષેકે કહ્યું, ‘મુજે વાસ્તવ મેં ભૂખ નહિ હૈ ઔર જબ તક ખાના હજમ ના હો, તબ તક દુબારા ખાના ઠીક નહિ, લેકિન આપને મેરે પ્રતિ જો ભાવતા જતાઈ, મૈં આભારી હું...’ તો સામે જવાબ આવ્યો, ‘નહિ, યે તો મેરા ફર્ઝ હૈ, ઔર માનવધર્મ ભી...’
બંને હસી પડ્યા. અભિષેક લંડન ઉતર્યો ત્યારે પણ એની શુભકામના પામીને નીકળી પડ્યો પોતાના પ્રવાસે.
રાત્રે પ્રવાસડાયરી લખતો હતો ત્યારે આ ઘટના યાદ આવી અને સાથે સાથે પોતાના આવા બીજા બે જીવનપ્રસંગો પણ યાદ આવ્યા. આ જ રીતે એક વાર એ લંડનથી ભારત જતો હતો. ઈમરજન્સી ડોર પાસેની સ્પેસિયસ સીટ એને મળી હતી ત્યાં જ પ્લેનના ક્રુ ને આપવાની સર્વિસની પણ જગ્યા હતી.
એક એર હોસ્ટેસ તમામ લોકો સાથે અત્યંત મીઠા અવાજે અને પ્રેમપૂર્ણ પ્રતિભાવ સાથે વ્યવહાર કરતી હતી. બન્યું એવું કે ભોજન બાદ બધા ફિલ્મો - મ્યુઝિકમાં ને ઊંઘમાં વ્યસ્ત હતા. અભિષેક એને મનપસંદ ગીતો અને ગઝલો સાંભળતો હતો. એની ધૂન એના શબ્દો એવી અસર કરી ગયા હતા કે એની ખ્યાલ બહાર એ પોતાના જીવનના લાગણીના સંબંધોમાં પહોંચી ગયો - જાણે લાગણીની વાવમાં એ પગથિયાં ઊતરતો ગયો. એની આંખોમાંથી ધીમે ધીમે આંસુ ગાલ પર દડ દડ વહી રહ્યા હતા. સ્મરણો એને ઘેરી વળ્યા હતા. સ્મરણોની ભીનાશમાં એ તરબતર હતો અને ચહેરા પર આંસુઓનો જાણે અભિષેક થઈ રહ્યો હતો. અચાનક થોડી વારે કોઈનો સ્પર્શ એના ખભાને થયો. એ એર હોસ્ટેસે અભિષેકને પૂછ્યું.
‘ભૈયા, આપ ઠીક તો હૈ ના...’ અભિષેકે આંખો ખોલી. ફરી પેલો અવાજ એ જ વાક્ય સાથે નજર સામે આવ્યો. અભિષેકે કહ્યું, ‘નહિ, નહિ... હા હા મેં ઠીક હું. કોઈ પ્રોબ્લેમ નહીં હૈ... બસ ઐસે હી સ્મૃતિયો મેં ડૂબ ગયા થા.’ તો પેલી બહેને પણ એટલી જ મૃદુતાથી કહ્યું. ‘હમારે પ્લે લિસ્ટને આપ કો સ્મૃતિયોં કી સમૃદ્ધિ દી ઉસ કા હમે આનંદ હૈ... સુનતે રહો.’ કહીને પ્રેમાળ હાસ્ય સાથે એ જતી રહી.
આ જ રીતે એક વાર એ નેપાળથી દિલ્હી થઈને અમદાવાદ આવી રહ્યો હતો. ક્રુનો એક પુરુષ સભ્ય કામ કરી રહ્યો હતો. એણે નોંધ્યું કે એ કોઈક ચિંતામાં કે થાકમાં છે. અભિષેકે એને સહજપણે પૂછ્યું ‘Hi, are you okay..?’ અને પેલો ચમક્યો - અભિષેકે એના ચહેરા પરની થકાનનો ઉલ્લેખ કર્યો ને કહ્યું એ પછી પણ તમે સરસ કામ કરો છો... પેલો ત્યારે તો જતો રહ્યો પણ ફ્લાઈટ ઉતરવાના સમયે એ અભિષેક પાસે આવ્યો અને કહ્યું, ‘સર આપને મેરે ચહેરે સે, મેરી અંદર ચલ રહે વિચારો કો સમજા, અનુભૂત કિયા... ધન્યવાદ...’ બંને ભેટ્યા.
આવા અનેક અનુભવો, એના સ્મરણપટ પર આવી ગયા. વિમાની મુસાફરીમાં એર હોસ્ટેસ અને સાથેના સ્ટાફના સભ્યો કેટલીક વાર રૂટીન સ્વરૂપે કામ કરે છે અને કેટલીક વાર માણસાઈને - માનવ ધર્મને અનુસરીને કામ કરે છે. જ્યારે જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં લાગણી સાથે કામ થાય ત્યારે ત્યારે એમાં કર્મની સાથે સાથે સંવેદના પણ ભળે છે અને આવું થાય છે ત્યારે સંવેદનાના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.