‘ઘણા લાંબા સમયથી સોમનાથ મહાદેવના દર્શને નથી ગયા, હવે તો જવું જ જોઈએ...’ સાહજિકરૂપે બોલાયું ને મિત્રોએ જવાબ આપ્યો કે, ‘આ વિચારને દાદાનો જ હુકમ માનો, હવે તો બને તેટલા વહેલા પહોંચી જઈએ એ દિવ્ય અને ભવ્ય સ્વરૂપના દર્શને...’ સમગ્ર ભારતભૂમિ તીર્થભૂમિ છે, એમાં પવિત્ર યાત્રાધામ સોમનાથ દ્વાદર્શ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાય છે. રાષ્ટ્રની સર્જનશીલતા અને સંસ્કૃતિના સ્વાભિમાનનું પ્રતિક છે સોમનાથ. ભક્તિનું અને શિલ્પ-સ્થાપત્યની કલાનું પરમ ધામ છે શ્રી સોમનાથ મહાદેવ. વિશ્વભરના કરોડો ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે શ્રી સોમનાથ મહાદેવ. એમની કૃપાથી અવારનવાર દર્શનનો અને સ્વર-શબ્દ પ્રસ્તુતિનો શુભ અવસર મળે છે એ મારા માટે પરમ ધન્યતાની અનુભૂતિ છે.
પ્રાચિન-ઐતિહાસિક, પવિત્ર ક્ષેત્રમાં બિરાજે છે શ્રી સોમનાથ મહાદેવ. આ ક્ષેત્રમાં જ આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય નિજધામ પ્રસ્થાન લીલાનું પરમ પવિત્ર ધામ.
જાણીતી કથા અનુસાર ચંદ્રએ ભગવાન શંકરના સ્વયંભુ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું પૂજન કર્યું અને શિવાલય બન્યું સોમનાથ. સમયના બદલાતા પ્રવાહો સામે અડીખમ ઉભું છે આ મંદિર. શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ અને રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીં આવતા યાત્રિકોની સુવિધા માટે રહેવા-જમવાથી માંડીને સ્થાનિક આવન-જાવન માટે વાહનોની, અનેક પ્રકારની યાત્રિક ઉપયોગ પ્રકલ્પોની, પ્રસાદની, પૂજા-સેવાની એમ વિધવિધ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે. આર્થિક રીતે નબળો માણસ અહીં આવે તો પણ એને સંતોષ થાય એવા સાવ નજીવા દરે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. સવારે ૬ થી રાત્રે ૧૦ દરમિયાન યાત્રિકો દાદાના દર્શન કરી શકે છે.
રેલવે સ્ટેશનથી યાત્રિકોને લાવવા વિનામૂલ્યે બસ સુવિધા, શૌચાલયો, લોકર રૂમ, શ્રી રામ મંદિર ઓડિટોરીયમ, સાઉન્ડ એન્ડ લાઈટ શો, ટુરીસ્ટોને સમયે સમયે માહિતી આપતું માહિતી કેન્દ્ર, વાહન પાર્કિંગ, વેઈટીંગ રૂમ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, સોવેનિયર શોપ, સત્સંગ હોલ જેવી અનેક આધુનિક સુવિધાઓ દર્શનાર્થીઓ માટે અહીં ઉપલબ્ધ છે. સમયે સમયે ટ્રસ્ટ દ્વારા માનવતાના, અધ્યાત્મના, સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.
દેશ-વિદેશના ભક્તો ઓનલાઈન સોમનાથ મહાદેવના અભિષેક, દર્શન, આરતી અને હવે તો ઘરે બેઠા પ્રસાદ લાભ પણ પામી શકે છે.
મહાશિવરાત્રીનું પર્વ આવે એટલે હૈયું જાણે સોમનાથના દર્શને જવા માટે થનગની ઉઠે. વાતાવરણમાં ગુંજતો ઓમ નમઃ શિવાયનો નાદ ચિત્તને શાંતિ આપે અને તન-મન એકાકાર થઈ જાય શીવ તત્ત્વમાં, શીવ સ્વરૂપમાં.
શિવના મુખ્ય આઠ સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવે છે, જેમાં ભવ, શર્વ, રૂદ્ર, પશુપતિ, ઉગ્ર, સહમહાન, ભીમ, ઇશાનનો સમાવેશ થાય છે.
રૂદ્ર એટલે શિવ અને જે પાઠ દ્વારા રુદ્રની પૂજા થાય તેને રૂદ્રી કહેવાય. રુદ્રીના આઠ અધ્યાય છે, જેમાં રુદ્રની આઠ મૂર્તિઓનું વર્ણન છે.
ૐકાર શીવજીના પાંચ મુખોથી ઉત્પન્ન થયેલો મનાય છે. ઉત્તર મુખથી આ-કાર, પશ્ચિમ મુખથી ઉ-કાર, દક્ષિણ મુખથી મ-કાર, પૂર્વ મુખથી બિંદુ અને મધ્ય મુખથી નાદ ઉત્પન્ન થયો છે. આમ પ્રણવના મૂળમાંથી જ શિવ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. ૐકાર અથવા ૐ નમઃ શિવાય મંત્રના જાપથી શ્વસન તંત્રને આરામ મળે છે, મનને શાંતિ મળે છે. શિવ કૃપાથી યક્ષરાજ કુબેર પણ ધન્ય થયા છે. પરમ કૃપા થાય તો જીવનમાં સઘળા દુઃખો દૂર થાય છે. શિવ આરાધના કલ્યાણકારી અને મંગળકારી છે. શીવ તત્ત્વમાં લીન થઈએ ત્યારે વૈરાગ્યના અને શીવ ઉપાસનનાના ઉત્સવના દીવડા ઝળહળે છે ને અજવાળા રેલાય છે.