‘મામા, આજે અમે તમારો બહુ સમય લીધો’
‘ના બેટા, તમે તો મને સો બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય આજે આપ્યું છે.’
શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. એમાં પણ વર્ષો બાદ પાંચ સોમવારનો મહિમાવંત શ્રાવણ માસ. એમાંય વળી પહેલો અને છેલ્લો દિવસ સોમવારે જ... આમ ધીંગી ધારે વરસતા વરસાદના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો આરંભ થયો હતો. ઓમ નમઃ શિવાયનો નાદ મોબાઈલ ફોનમાંથી ઘરમાં ગૂજતો હતો. જ્યોતિબા એમની રોજિંદી પૂજામાં વ્યસ્ત હતા અને એમના દીકરાની દીકરીઓને કહી રહ્યા હતા કે, ‘બેટા, આજે હમણાં મંદિરે જવું છે, જોબ પર કે સ્કૂલે જતાં પહેલાં આપણે સાથે મંદિર જઈ આવીશું.’
દરમિયાન મોબાઈલ પર ફોનની રીંગ વાગી, બે-પાંચ મિનિટ મનીષાએ ફોન પર વાત કરી અને પતિને કહ્યું, ‘અમેરિકાથી પાર્થભાઈનો ફોન છે.’ સામે છેડેથી પાર્થ અને એની પત્ની દિશાએ વાત કરી. એ પછી આ સંવાદ થયો.
અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતા ડો. જયપ્રકાશ ભટ્ટ અને એમના પત્ની છાયા ભટ્ટનું તબીબી ક્ષેત્રે છેલ્લા દાયકામાં ખૂબ સારું નામ અને કામ રહ્યું છે. ઈસનપુરમાં આવેલા એમના દવાખાનામાં આવતા દર્દીઓને સાચી અને શ્રેષ્ઠ સારવાર આપીને એમણે એ વિસ્તારમાં ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી છે.
એમનો દીકરો પાર્થ પણ યુવાન થતા પોતાના રસ-રુચિ સાથે તબીબી ક્ષેત્રમાં જ પ્રવેશ્યો. ખૂબ સારું ભણ્યો અને સમય જતાં યુએસના ટેક્સાસમાં સેટલ થયો. નાની બહેન શૈલી પણ ભાઈ અને પપ્પાના માર્ગે મક્કમ ગતિએ મેડિકલ ક્ષેત્રમાં જ આગળ અભ્યાસ કરતી થઈ. સમય જતાં પરિવારના જ પરિચિત સ્વજનની દીકરી દિશા જે પણ તબીબી ક્ષેત્રમાં જ હતી એની સાથે પાર્થના વૈવાહિક જીવનનો આરંભ થયો. બંને ખુશી-ખુશી અમેરિકામાં પુરુષાર્થ સાથે પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધતા રહ્યા.
દિશા અમદાવાદમાં હતી ત્યારે શાસ્ત્રીય અને સુગમ સંગીતના જાણકાર ઘનશ્યામભાઈ પાસેથી સંગીતની તાલીમ લીધેલી એટલે ગાયન, વાદન, નૃત્ય, ચિત્ર આવી કલાઓમાં પણ એની વિશેષ ઋચિ હતી. સંગીત વિશારદના ૪-૫ વર્ષનો અભ્યાસ પણ દિશાએ કર્યો. અલબત્ત, મેડિકલનું ભણવામાં પછીથી વિશારદ ફાઈનલ સુધી પૂરું ન થયાનો વસવસો પણ એને રહ્યો.
પહેલાં અમેરિકામાં અલગ-અલગ શહેરોમાં રહેતા પાર્થ અને દિશા હવે ટેક્સાસમાં સાથે રહેતા થયા અને ફરી પેલી સંગીત સાથે જોડાયેલી ચેતનાએ ગાયનના તાર ઝંકૃત થયા. ઘરમાં જ એ ધીમે ધીમે મધુર સ્વરે ગાતી થઈ. પાર્થ એની સરાહના કરતો થયો અને એક દિવસ બંનેને વિચાર આવ્યો કે દિશા સંગીતક્ષેત્રે કારકિર્દી અપનાવે તો કેવું રહે? આ પ્રશ્નનો જાતે જ ઉકેલ શોધવા પ્રયાસ કર્યો.
એકાદ મહિનાના મનોમંથન બાદ અમદાવાદ મમ્મી છાયાને પૂછ્યું તો એમણે કહ્યું કે, ‘બેટા, મામા આ ક્ષેત્રે જ કામ કરે છે. શ્રેષ્ઠ અને સાચી સલાહ તને એ જ આપી શકે.’ એટલે પાર્થે પહેલા SMSથી અને પછી ફોનથી આખીયે વાત માંડીને કરી. બંનેના હૈયામાં અનેક પ્રશ્નો હતા. સંગીતની પરિભાષામાં કહીએ તો એક લય-સૂર-તાલમાં ગીત સંયોજિત થયા બાદ એક નવા ટ્રેકમાં એને ઢાળવાનું હતું. તબીબી ક્ષેત્ર છોડવું? છોડવું નહીં અને સંગીત ક્ષેત્રે કામ કરવું? વ્યવસાય અને શોખ આ બે વચ્ચેની ભેદરેખાઓ વગેરે બાબતે ખાસ્સી લાંબી વાતો થઈ. અનેક ઉદાહરણો પણ ચર્ચાયા. સરવાળે નિષ્કર્ષ પર આવ્યા બાદ પાર્થે કહ્યું કે, ‘મામા તમારો બહુ સમય લીધો’ ત્યારે મામાએ જવાબમાં કહ્યું કે, ‘શ્રાવણ મહિનો છે, આપણી પરંપરામાં ભાણેજને જમાડવાનો રિવાજ છે. તું અમેરિકાથી અહીં જમવા તો ન આવી શકે પરંતુ એક અર્થમાં મેં તને વિચારભોજન કરાવ્યું એનો મને આનંદ છે.’ આમ પાર્થ અને દિશાના મનમાં રહેલા કેટલાક પ્રશ્નો અને વિચારો બાબતે ચિત્ર સ્પષ્ટ થયું.
•••
યુવાન વયે ઊંમરનો એક તબક્કો આવે છે જ્યારે કારકિર્દી નક્કી કરવાની હોય છે. એક વાર કારકિર્દી નક્કી કર્યા બાદ અથવા તો એક-બે દાયકા એ કારકિર્દીમાં બરાબર મહેનત કર્યા બાદ એ ક્ષેત્ર છોડીને પોતાને રસ છે એવા બીજા ક્ષેત્રમાં જવાનું આવે છે ત્યારે પ્રશ્ન વધુ પેચીદો બને છે.
સ્વાભાવિક છે કે ઉંમર-સ્વાસ્થ્ય-ઘર-પરિવારની સામાજિક જવાબદારીઓ, આર્થિક વ્યવસ્થા આ બધાનો વિચાર કરીને એક નિર્ણય લેવાનો હોય છે અને એવા સમયે યોગ્ય, પરિપક્વ અને સાચી દિશાનું માર્ગદર્શન મળે તો વધુ આનંદ થતો હોય છે. કરવાનું પોતાને જ છે, પરંતુ કારકિર્દીના વળાંકે આમ જવું કે તેમ જવું એની કશ્મકશના સમયે આવું વિચારભોજન મહત્ત્વપૂર્ણ બની જાય છે.
જ્યારે જ્યારે આવા નૂતન વિચારોના આવિષ્કાર થાય છે અને એના માટે મનોમંથન થાય છે ત્યારે આખરે એમાં જોડાયેલા સહુ કોઈની આસપાસ જ્ઞાનના અજવાળાં રેલાય છે.
ઃલાઈટ હાઉસઃ
જો પહોંચવું જ હોય તો અડચણ કશી નથી,
શંકાથી હું શરૂ કરી, શ્રદ્ધા સુધી ગયો
- ડો. રઈશ મણિયાર