વાત છે ૧૯૯૦ના એપ્રિલ મહિનાની. એ સમયે જન્મભૂમિ ભાવનગરમાં રહેતો હતો. સાહિત્ય અને સંગીત સાથે પ્રીતિના કારણે સ્ટેજ આર્ટીસ્ટ કુંદન ગઢવી સાથે પારિવારિક મિત્રતા હતી.
મારા પત્ની મનીષા અને કુંદન તથા એના પત્ની સાગરબા સાથે અમે પ્રવાસ માટે પહોંચ્યા તીથલ. કોઈ પરિચય વિના બંધુત્રિપુટી નામે જાણીતા જૈન મુનિઓના આશ્રમ ‘શાંતિનિકેતન’માં ગયા. રહેવા-જમવાની સુવિધા થઈ. મોટા ભાગનો સમય દરિયાકિનારે - સત્સંગ અને સાહિત્યચર્ચા તથા કવિતાના આનંદમાં પસાર થતો. એમના જ સૂચનથી ધરમપુર નજીકના ‘નંદીગ્રામ’ પહોંચ્યા. મકરંદભાઈ અને કુન્દનિકાબહેને પ્રેમપૂર્ણ સ્વાગત કર્યું. અડધો દિવસ રોકાયા. ખૂબ વાતો કરી. કુન્દનિકાબહેન સાથે એ પ્રથમ મુલાકાત. એ પછી તો વલસાડસ્થિત પારિવારિક સ્વજન શ્રી હિંમતભાઈ શાહના ઘરે અને તીથલ નિયમિત જવાનું થતું રહ્યું અને એ સાથે બે-ચાર વાર નંદીગ્રામ પણ ગયો.
સ્વાભાવિક છે, સાહિત્ય પ્રત્યે રૂચિના કારણે - ભજન પ્રત્યે લગાવ હોવાના કારણે જ્યારે જ્યારે નંદીગ્રામ જવાનું થયું છે ત્યારે મકરંદભાઈ અને કુન્દનિકાબહેનના પ્રેમાળ આતિથ્યને માણીને પ્રસન્નતાથી સભર થયાની અનુભૂતિ રહી છે. માહિતી ખાતાના જ મારા સાથીમિત્રો હીરેન ભટ્ટ અને પરિમલ દેસાઈએ પણ કુન્દનિકાબહેન સાથેના સંસ્મરણો તાજાં કરતાં એમના પ્રેમાળ વ્યક્તિત્વ - એમના સાહિત્ય અને અધ્યાત્મ ચેતનાની વાત કરી છે.
૧૯૮૨માં પ્રકાશિત ‘પરમ સમીપે’ પુસ્તક, જેમાં કુન્દનિકા બહેને પાંચ વિભાગોમાં પ્રાર્થનાઓનું સંકલન કર્યું છે એ પુસ્તક મેં ખરીદ્યા પછી નિયમિતરૂપે આજ સુધી વાંચતો રહ્યો છું એમ લખવા કરતાં પ્રાર્થનાના શબ્દો થકી હૃદય ભીંજાતું રહ્યું છે, જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં બળ મળતું રહ્યું છે એમ લખવું વધુ યોગ્ય લાગે છે.
વર્ષ ૨૦૦૨માં માહિતી ખાતાના તત્કાલિન કમિશનર અને સાહિત્યકાર શ્રી વી. એસ. ગઢવી સાહેબે મને સાહિત્ય અને કલાક્ષેત્રના મહાનુભાવોના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી બનાવવાનું કામ ઈનહાઉસ પ્રોડક્શન રૂપે સોંપ્યું. મને યાદ છે, તેઓએ પૂછ્યું હતું કે, ‘આરંભ કોનાથી કરીશું?’ મેં કહ્યું હતું કે ‘સાંઈ કવિ મકરંદ દવે...’ અને એ નિમિત્તે વલસાડ માહિતી કચેરીના મિત્રો સાથે નંદીગ્રામ જવાનું થયું હતું. એ સમયે કુન્દનિકાબહેને નંદીગ્રામ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘પ્રકૃતિ સાથે સંવાદમય જીવન જીવવાના વિચાર સાથે અમે નંદીગ્રામનો આરંભ કર્યો હતો. બહુ બધા નામો વિચાર્યા પછી ‘નંદીગ્રામ’ નામ રાખ્યું. રામાયણમાં ભરતજી વનવાસ સમયે નંદીગ્રામમાં રહ્યા હતા અને રામની પાદુકા સ્થાપિત કરી હતી, અર્થાત્ કર્તૃત્વની ભાવના ન હતી. આ બંને બાબતો નામ રાખવા માટે પ્રેરક બની હતી.’
સ્વાભાવિક છે કે આરંભના વર્ષોમાં અપાર મુશ્કેલીઓ વચ્ચે મકરંદભાઈ અને કુન્દનિકાબહેને સામાજિક સેવાઓનો આરંભ કર્યો હતો. શિક્ષણ - આરોગ્ય - સ્વરોજગારી - સાહિત્ય - સંસ્કાર જેવા અનેક ક્ષેત્રોમાં સુંદર કામ થયું.
૯૪ વર્ષનું સાર્થક જીવન જીવી ગયેલા કુન્દનિકાબહેન આપણને સહુને સાહિત્ય - અધ્યાત્મ, સેવાધર્મ, આશ્રમ જીવન અને અર્થપૂર્ણ જીવનનું જાણે પંચામૃત પીરસી ગયાં છે.
પ્રેમ - પ્રાર્થના - પ્રસન્નતા જેવા શબ્દોના અર્થને કુન્દનિકાબહેને પોતાના જીવનમાં આત્મસાત કર્યા હતા. સુખની નહીં, સતત આનંદની અનુભૂતિ તેઓએ કરી હતી. આદિવાસી વિસ્તારના લોકોની સાથે તેઓએ પોતાના હૃદયના તાર મેળવ્યા હતા અને એમની વચ્ચે રહીને શિક્ષણના - આરોગ્યના - અને જીવન વિકાસના ઉત્તમ કાર્યોમાં એકાકાર થયા હતા. સીધું-સાદું અને સાત્વિક જીવન જીવનારા કુન્દનિકાબહેને વાણી-વિચાર અને જીવન-કવન દ્વારા અન્યના ઉત્કર્ષ માટે સતત કાર્ય કર્યું. સમાજ ઘડતર માટેની તેમની પ્રવૃત્તિઓએ વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં કેટલાય લોકોના જીવનમાં જ્ઞાનના-સુવિધાના અજવાળાં પાથરવા પ્રયાસ કર્યો.
‘પરમ સમીપે’ પુસ્તકના પાનાં પર એમણે લખેલી પ્રાર્થનામાં તેઓ લખે છે કે ‘પ્રાર્થના એટલે પરમ પિતા સમીપમાં છે એમ અનુભવવું અને તે પ્રમાણે જીવવું.’
આવા જ શબ્દો થકી એમના સાહિત્યસર્જન થકી કુન્દનિકાબહેન હંમેશા આપણા ચિત્તમાં અજવાળાં પાથરતાં રહેશે.